કૅન્સર, ચામડીનું : ચામડીનું કૅન્સર થવું તે. ચામડી શરીરનું બહારનું આવરણ બનાવે છે. તેમાં વિવિધ પ્રકારનાં કૅન્સર વિકસે છે. દા.ત. તલીય કોષ (basal cell)  કૅન્સર, શલ્કસમ કોષ (squamous cell) કૅન્સર, કૃષ્ણકોષી કૅન્સર (malignant melanoma), ત્વકીય લસિકાર્બુદ (cutaneous lymphoma) તથા કાપોસીનું માંસાર્બુદ (Kaposi’s sarcoma). અમેરિકામાં તેનું પ્રમાણ સૌથી વધુ છે.

વસ્તીરોગવિદ્યા : ભારતમાં ચામડીના કૅન્સરનું પ્રમાણ 0.5થી 2.7/100000 છે. સ્ત્રી અને પુરુષોમાં ખાસ તફાવત નથી. સૌથી વધુ દર્દીઓ બર્શીના ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે. ચામડીના કૃષ્ણકોષી કૅન્સર(melanoma)નું પ્રમાણ ઘણું જ ઓછું છે અને તે 0.0થી 0.5/100000ના દરે થાય છે. અમદાવાદમાં તે 1.05થી 1.18 %ના દરે થાય છે તેમાંથી માંડ 0.21થી 0.8 %માં મિલેનોમા જોવા મળે છે. અમદાવાદની વસ્તીમાં તેનું પ્રમાણ 1થી 1.51/100000 છે જેમાં ફક્ત 0.1/100000 દર્દીઓને મિલેનોમા થાય છે.

કારણો : સૂર્યપ્રકાશમાંનાં પારજાંબલી કિરણો, વાતાવરણમાંનું વિકિરણનન (radiation), પ્રતિરક્ષાતંત્ર(immune system)ના વિકારો (દા.ત. એઇડ્ઝના રોગમાં કાપોસીનું સાર્કોમા થાય છે), ચામડીમાંના કાળા રંજકદ્રવ્ય (pigment) અથવા કૃષ્ણવર્ણક-(melanin)નું વધુ પ્રમાણ તથા જનીનીય પરિબળોને કારણે આ પ્રકારનાં કૅન્સર થાય છે એમ મનાય છે.

(1) બેઝલ સેલ કાર્સિનોમા (BCC) :  તેને તલીય કોષ કૅન્સર અથવા ચર્વણવ્રણ (rodent ulcer) કહે છે. તે ચામડીના સૌથી ઉપલા પડ  અધિત્વચા(epidermis)ના સૌથી નીચેના સ્તર(તલીય સ્તર)ના કોષોમાં ઉદભવે છે. સૂર્યપ્રકાશ, આયનકારી વિકિરણનન (ionising radiation) કે આર્સેનિક સાથેનો સંસર્ગ, જનીનીય પરિબળોની હાજરી તથા ચામડીમાંની રૂઝપેશી (scar) હોય તો BCC ઉદભવે છે. તે સફેદ ચામડીવાળી પ્રજા, ખાસ કરીને ઉત્તર યુરોપના નીલી આંખો તથા વાળ અને ચામડીમાં નહિવત્ રંજકદ્રવ્યવાળી વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. હબસીમાં કે પૂર્વીય દેશોમાં તે ઓછું જોવા મળે છે. સતત તડકામાં રહેતા નાવિકો અને ખેડૂતોમાં તે વધુ થાય છે.

આંખનાં પોપચાં, આંખનો અંદરનો છેડો તથા કાનનો પાછલો ભાગ મોટે ભાગે અસરગ્રસ્ત થાય છે. 40 વર્ષથી વધુ વયના પુરુષોમાં તે વધુ જોવા મળે છે. સવર્ણક રુક્ષત્વક્તા (xeroderma pigmentosa) અને તિલાભ તલીય કોષ કર્કાર્બુદ સંલક્ષણ (nevoid basal cell carcinoma syndrome) નામના જનીનીય વિકારોમાં નાની ઉંમરે પણ તે થાય છે. યુવાન દર્દીઓ તથા પ્રતિરક્ષાની ઊણપ હોય તેવી વ્યક્તિઓમાં તે આક્રમક સ્વરૂપ લે છે. તેના પાંચ પ્રકારો જોવા મળે છે – (ક) ગંડિકા-વ્રણીય (nodulo-ulcerative) પ્રકારમાં ગાલ, કપાળ, નાક-હોઠ વચ્ચેની ગડી તથા આંખોનાં પોપચાંની કિનારી પર નાની ગંડિકા થાય છે; તેની મધ્યમાં ચાંદી (વ્રણ) પડે છે. (ખ) સપાટીગત (superficial) પ્રકારમાં લંબગોળ, અનિયમિત, સ્પષ્ટ કિનારીવાળા, ઊપસેલા, લાલ અને પોપડીવાળા રોગવિસ્તારો છાતી અને પીઠ પર થાય છે. તેમાં મધ્યભાગે રૂઝ આવતી હોય છે અને તેથી ત્યાં રૂઝપેશી (scar) પણ બને છે. (ગ) રંજિત (pigmented) પ્રકારમાં ગાઢા રંગના વિસ્તારોની આસપાસ સ્પષ્ટ કિનારી હોય છે. તે કૃષ્ણકોષી કૅન્સર જેવાં લાગે છે. (ઘ) નિશ્ચિત આકારવાળા (morphea form) પ્રકારમાં માથા ને ગળા પર પીળાશ પડતા સફેદ રંગના મીણ જેવી (waxy) તંતુમય ચકતીઓ (plaques) થાય છે. તેની કિનારી અસ્પષ્ટ હોય છે અને તે આક્રમક હોય છે. (ચ) શૃંગવત્ (keratic) પ્રકાર આક્રમક કૅન્સર સૂચવે છે. રોગવિસ્તારનું અવલોક્ધા તથા જીવપેશીપરીક્ષણ (biopsy) નિદાનસૂચક હોય છે. મોટી ઉંમરની વ્યક્તિમાં વિકિરણનની સારવાર (radiotherapy) અપાય છે. પણ નિશ્ચિત આકારવાળા પ્રકાર પર તેની અસર થતી નથી. કાન, આંખનાં પોપચાં અને હાથપગ પરના રોગમાં શસ્ત્રક્રિયા ઉપયોગી છે. અસરગ્રસ્ત ચામડી કાપીને કાઢી નાખવામાં આવે છે. ઊંડી પેશી અથવા ઘાની કિનારી પર કૅન્સર ફરીથી ઉદભવે છે. નાના રોગવિસ્તારવાળા રોગમાં અતિશીત શસ્ત્રક્રિયા (cryosurgery) કરવા માટે પ્રવાહી નાઇટ્રોજન વપરાય છે. ક્યારેક વીજદહન (cautery) વડે 1 મિમી. જેટલો વિસ્તાર બાળીને ખોતરી કાઢવામાં આવે છે (curettage). મોટા અને ઊંડા ફેલાતા કૅન્સરમાં મૉસની શસ્ત્રક્રિયા ઉપયોગી રહે છે. નાના અને સપાટીગત BCC માટે કૅન્સરવિરોધી દવાના મલમ ઉપયોગી છે. દા.ત., પોડોફાઇલિન, મિથોટ્રેક્ઝેટ, કોલ્ચિસિન-સમધર્મીઓ, 5-ફ્લ્યુરોયુરેસિલ. જોકે રોગ ફરી ફરીને થાય છે. રોગવિસ્તારમાં ઇન્ટરફીરૉન આપવાના પ્રયોગો થઈ રહ્યા છે. નાક, કાન અને આંખની આસપાસના વિસ્તારોમાં વિકિરણનસારવાર ઉપયોગી રહે છે. રેટિનૉઇડ દ્રવ્ય(આઈસોટ્રેટિનોઇન)ના પ્રાયોગિક ઉપયોગને સફળતા મળી છે. વ્યાપક ફેલાયેલા કૅન્સરમાં સિસ-પ્લૅટિન, બ્લિયોમાયસિન, સાઇક્લોફૉસ્ફેમાઇડ, 5-ફ્લ્યુરોયુરેસિલ તથા વિન્બ્લાસ્ટિન વપરાય છે. ડૉક્સોરુબિસિન પણ ઉપયોગી છે.

(2) શલ્કસમ કોષી કૅન્સર (squamous cell carcinoma, SCC) : ચામડીના અધિત્વચા(epidermis)ના શૃંગજકોષ(keratin-ocyte)માં તે ઉદભવે છે. BCCની માફક તેની કારણભૂત પરિસ્થિતિઓ વિવિધ છે. આ ઉપરાંત સફેદ ચકતી (leukoplakia), સોરાયસિસ, લૈંગિક ગ્રૅન્યુલોમા, લુપસ વલ્ગારિસ, લુપસ એરિથેમેટોસસ તથા ઑસ્ટિયોમાયેલાઇટિસનું પરુ બહાર લાવતા માર્ગ(વિવરિકા, sinus)માં SCC થાય છે. તે ચહેરાનો ઉપલો ભાગ, નીચલો હોઠ, કાન તથા હાથના પાછલા ભાગમાં ઉદભવે છે. બોવેનનો રોગ તથા લ્યુકોપ્લૅકિયામાં કૅન્સર થતું હોવાથી તેમને કૅન્સરપૂર્વ સંલક્ષણો કહે છે. તેના કેટલાક ઉપપ્રકારો છે. અતિસીમિત કૅન્સર(carcinoma in situ)નો દેખાવ લાંબા ગાળાના ખરજવા જેવો હોય છે. પરંતુ તેની કિનારી સ્પષ્ટ, લાલ અને કઠણ હોય છે. માંસપ્રરોહી (verrucous) કૅન્સર પૂર્ણ વિભેદિત (well differentiated SCC) હોય છે. તે ભીની કૉલી-ફ્લાવર જેવી ગંધ મારતી ગાંઠ રૂપે જોવા મળે છે. સૂર્યપ્રકાશની સીધી અસરવાળી ચામડી પર ઉદભવતું SCC ઓછું આક્રમક છે, જ્યારે હોઠ, ગલોફું કે ચાંદાંમાં ઉદભવતું SCC આક્રમક હોય છે. તે ઝડપથી ફેલાય છે. BCC કરતાં SCC વધુ આક્રમક હોય છે. અવલોકન અને જીવપેશી-પરીક્ષણ(biopsy)થી તેનું નિદાન કરાય છે.

આકૃતિ 1 : (1) અધિત્વચા (epidermis), (2) અંકુરિત ત્વચા (papillary dermis), (3) જાલીમય ત્વચા (reticular dermis), (4) ચામડી નીચેની પેશી, (5) ગાંઠ, (6) અસ્થિ, કાસ્થિ કે સ્નાયુ, (7) સ્થાનિક લસિકાગ્રંથિમાં ફેલાવો (N1), (8) દૂરની લસિકાગ્રંથિમાં સ્થાનાંતરિત (metastatic) ફેલાવો (M1). (અ) અતિસીમિત (Tis) તબક્કો, (આ) પ્રથમ તબક્કો (T1), (ઇ) બીજો તબક્કો (T2), (ઈ) ત્રીજો તબક્કો (T3), (ઉ) ચોથો તબક્કો (T4), (ઊ તથા ઋ) લસિકાગ્રંથિઓમાં ફેલાવો.

કૅન્સરપૂર્વ રોગવિસ્તારોનું નિદાન કરીને તેમને શસ્ત્રક્રિયા વડે દૂર કરાય છે. વાતાવરણ અને વ્યવસાયજન્ય કૅન્સરકારકો સામે રક્ષણ માટે વ્યવસ્થા યોજવાનું સૂચવાય છે. BCCની માફક શસ્ત્રક્રિયા વડે કાપી કાઢવું, વીજદહન (cauterization) અને ખોતરણ (curettage) કરવું, અતિશીત શસ્ત્રક્રિયા કરવી, મૉસની શસ્ત્રક્રિયા કરવી વગેરે સારવારપદ્ધતિઓ વપરાય છે. શસ્ત્રક્રિયા શક્ય ન હોય ત્યાં અથવા વૃદ્ધ દર્દીઓમાં તેમજ નાક, હોઠ, પોપચાં વગેરે ચહેરાના ભાગો પર વિકિરણનસારવાર અપાય છે. થોડી થોડી રોજ અપાતી વિકિરણનસારવારથી વ્યક્તિના દેખાવમાં કોઈ વિકૃતિ ઉદભવતી નથી. માંસપ્રરોહી (વેરુકસ) કૅન્સરમાં વિકિરણનસારવાર આપવાથી જોખમ વધે છે એવું કેટલાક નિષ્ણાતો માને છે. આ ઉપરાંત લેઝર, પ્રકાશગતિકીય (photodynamic) તથા દવાઓની સારવાર અપાય છે. 5-ફ્લ્યુરોયુરેસિલની સ્થાનિક અથવા નસ વાટે સારવાર અપાય છે.

(3) કૃષ્ણકોષ કૅન્સર (malignant melanoma) : ચામડીમાં રહેલા કૃષ્ણકોષો (melanocytes), મેલેનિન (કૃષ્ણવર્ણક) નામનું વર્ણકદ્રવ્ય (pigment) બનાવે છે. તેને કારણે ચામડીનો રંગ ઉદભવે છે. કૃષ્ણકોષોમાં ઉદભવતા કૅન્સરને કૃષ્ણકોષી કૅન્સર અથવા malignant melanoma કહે છે. અમેરિકામાં કૅન્સરના દર્દીઓમાં 1 %થી 3 % દર્દીઓ તેનાથી પીડાય છે. જો શરૂઆતના તબક્કામાં તેનું નિદાન થાય તો તે મટી શકે છે.

ચામડી પર થતા તલમાં ફેરફાર આવે તે સૌથી વધુ જોખમી ગણાય છે. આ કૅન્સરમાં 70 % કિસ્સામાં તલના રંગ, આકાર, કદ કે કિનારીમાં ફેરફાર થતો જોવા મળે છે. તેમાંથી લોહી ઝરે, ચાંદું પડે કે તેને અડવાથી દુખે એ સામાન્ય રીતે વધી ગયેલા રોગનાં ચિહનો છે. ખૂજલી આ રોગ સાથે સંકળાયેલ લક્ષણ નથી. પરંતુ તેનાથી તે તરફ દર્દીનું ધ્યાન દોરાય છે. તે મુખ્યત્વે શ્વેત ચામડી ધરાવતી પ્રજાનો રોગ છે (80 %). અશ્વેત પ્રજામાં હાથની હથેળી (palm), પગના તળિયે (sole) તથા શ્લેષ્મસ્તર(mucosa)માં તે થાય છે. તેનો દર ઉંમર સાથે વધે છે. કુટુંબમાં કોઈને મિલેનોમા થયું હોય તો તે બીજી વ્યક્તિને થવાનું જોખમ વધે છે. 5 મિમી.થી મોટા દુર્વિકસિત (dysplastic) તલમાં કૅન્સર થવાની શક્યતા 70 ગણી વધે છે. જન્મજાત મોટા તલમાં કૅન્સર થવાનો દર 6.3 % છે. પ્રતિરક્ષા(immunity)ની ઊણપને કારણે મૂત્રપિંડ-પ્રત્યારોપણ(renal transplant)વાળા લ્યૂકીમિયા અને લિમ્ફોમાવાળા દર્દીઓમાં તેનું પ્રમાણ વધે છે.

4 પ્રકારના મિલેનોમા છે : (ક) સપાટી પર ફેલાતું અથવા ઉત્તલ પ્રસરિત (superficial spreading), (ખ) ગંડિકામય (nodular), (ગ) બંને બાજુ ઊપસેલું મિલેનોમા અથવા દ્વિપાર્શ્વ ઉદ્રોહિત કૃષ્ણકોષ કૅન્સર (lentigo maligna melanoma) અને (ઘ) આંગળીનાં ટેરવાંનું મિલેનોમા અથવા અંગુલાગ્રી કૃષ્ણકોષ કૅન્સર (acral lentiginous melanoma).

(ક) સપાટી પર ફેલાતું અથવા ઉત્તલ પ્રસરિત કૃષ્ણકોષ કૅન્સર પહેલાંના તલમાં વિકસે છે અને તેવું મિલેનોમાના 70 % કિસ્સામાં બને છે. શરૂઆતનો તબક્કો ધીમો અને વર્ષો સુધી ચાલતો રહે છે, જ્યારે પાછળથી ઝડપી વૃદ્ધિનો તબક્કો આવે છે. સૌપ્રથમ તે ચપટું અને આસપાસ ફેલાતું હોય છે જ્યારે પાછળથી તે ચામડીમાં ઊંડે ઊતરે છે અને ઉપરની તરફ ઊપસી પણ આવે છે. તેની સપાટી અનિયમિત બને છે. તેનો રંગ કાળો, છીંકણી રંગનો કે લાલાશ પડતો ગુલાબી તથા ક્યાંક સફેદ હોય છે. તેની કિનારી કઠણ અને ખાંચાવાળી હોય છે.

આકૃતિ 2 : ચામડીના મિલેનોમાના તબક્કા : (અ) T1 તબક્કો, (આ) T2 તબક્કો, (ઇ અને ઈ) T3 તબક્કો, (ઉ) T4 તબક્કો. (1) અધિત્વચા (epidermis), (2) અંકુરિત ત્વચા (papillary dermis), (3) જાલીમય ત્વચા (reticular dermis), (4) ચામડી નીચેની પેશી, (5) ગાંઠ

(ખ) 15 %થી 20 % કિસ્સામાં ગંડિકામય મિલેનોમા હોય છે અને અગાઉ કોઈ તલ ન હોય તોપણ તે વિકસે છે. પુરુષોમાં વધુ પ્રમાણમાં થાય છે. આસપાસ ફેલાવો ઓછો હોય છે. ગંડિકા ચામડીમાં ઊંડે સુધી વધેલી હોય છે. તે ભૂરાશ પડતા કાળા રંગની અથવા રંગવિહીન (amelanotic) પણ હોય છે. તે ક્યારેક દંડ(stalk)વાળા મસા જેવા કે કૉલી-ફ્લાવર જેવા હોય છે. તે ખૂબ જ આક્રમક હોય છે.

(ગ) દ્વિપાર્શ્વ ઉદ્રોહિત અથવા બંને બાજુ ઊપસેલું મિલેનોમા ફક્ત 4 %થી 10 % કિસ્સામાં થાય છે. તે વૃદ્ધ વ્યક્તિઓના ચહેરા પર 3 સેમી.થી મોટા, ચપટા, કમાવેલા ચામડાના રંગના હોય છે અને વર્ષો સુધી રહેતા હોય છે. તેમની કિનારી ખાંચાવાળી હોય છે અને ત્વચા (dermis) તથા અધિત્વચા (epidermis) બંનેમાં સૂર્યપ્રકાશના તીવ્ર સંસર્ગની અસર થયેલી હોય છે.

(ઘ) હથેળી, પગનાં તળિયાં તથા નખ-ગાદી(nail beds)માં અંગુલાગ્ર મિલેનોમા થાય છે (2 %થી 8 %). જોકે અશ્વેત ચામડી ધરાવતા માણસોમાં આ પ્રકાર વધુ જોવા મળે છે. તેમાં કમાવેલા ચામડા જેવા અથવા છીંકણી રંગના ચપટા અને અનિયમિત કિનારીવાળા રોગવિસ્તારો થાય છે. નખ નીચે ઉદભવતા મિલેનોમા છીંકણી કે કાળા રંગના હોય છે. મોટે ભાગે પગ કે હાથનો અંગૂઠો અસરગ્રસ્ત હોય છે. તેમાં ચાંદું પડે છે અને ક્યારેક તેને નખમાં ફૂગનો ચેપ લાગેલો છે એમ માની લેવામાં આવે છે.

તલના રંગ, આકાર, સપાટી કે કદમાં થતો ફેરફાર શંકાપ્રેરક હોય છે. તેનું જીવપેશીપરીક્ષણ (biopsy) કરાય છે. તેની મદદથી મિલેનોમાના તબક્કાનું જાડાઈ પ્રમાણે સૂક્ષ્મ વર્ગીકરણ (બ્રેસ્લો પદ્ધતિ) તથા તેની આક્રમકતાની તીવ્રતાનું સૂક્ષ્મ વર્ગીકરણ (ક્લાર્ક પદ્ધતિ) કરાય છે. હાલ આ ઉપરાંત અમેરિકન જૉઇન્ટ કમિટી ઑન કૅન્સર દ્વારા સૂચવાયેલ પદ્ધતિએ પણ તબક્કાવાર વર્ગીકરણ થાય છે (જુઓ સારણી).

અધિત્વચામાં જ રહેલું અને તલકલાને અસર ન કરતું (ક્લાર્ક તબક્કો 1) કૅન્સર શસ્ત્રક્રિયાથી દૂર કર્યા પછી અન્યત્ર ફેલાતું નથી. તબક્કા IA, IB, IIA, IIBમાં ક્રમશ: મૃત્યુદર વધે છે અને તે અનુક્રમે 8.3 %, 35 %, 46 % અને 55 % થાય છે.

નિદાન માટે ફેફસાંનું એક્સ-રે ચિત્રણ, સીરમ આલ્કેલાઇન ફૉસ્ફેટેઝનું પ્રમાણ, યકૃતની અલ્ટ્રાસૉનોગ્રાફી કે સીએટી-સ્કૅન કે એમઆરઆઈ વગેરે ઉપયોગી છે.

મુખ્ય સારવાર શસ્ત્રક્રિયા કરીને ગાંઠને કાઢી નાખવાની છે. ગાંઠની આસપાસની સામાન્ય ચામડીનો મોટો વિસ્તાર દૂર કરવાની બૃહદ્વ્યાપી છેદન(wide excision)વાળી શસ્ત્રક્રિયા કરાય છે. 1 મિમી.થી નાના કૅન્સર માટે 1થી 2 સેમી. તથા 1 મિમી.થી મોટા કૅન્સર માટે 3થી 4 સેમી. જેટલી આસપાસની સામાન્ય ચામડીનો વિસ્તાર દૂર કરાય છે. નખની નીચેના મિલેનોમામાં આખી આંગળી કાઢી નંખાય છે. ત્યાર બાદ તે ફરી થવાનો સરેરાશ દર 3 % જેટલો જ છે. પરંતુ જો મિલેનોમા 4 મિમી.થી વધુ જાડું હોય, તેમાં ચાંદું પડ્યું હોય કે તે હથેળી, પગના તળિયે કે માથામાં હોય તો તેનો ઊથલો મારવાનો દર 5 %થી 10 % છે. જે લસિકાગ્રંથિઓમાં રોગ ફેલાવાની શક્યતા હોય તેમને દૂર કરવા અંગે હજુ એકમતી નથી. રોગગ્રસ્ત લસિકાગ્રંથિઓને દૂર કરવા નિ:શેષ અથવા આમૂલ (radical) શસ્ત્રક્રિયા કરાય છે. આવા દર્દીઓમાં અન્યત્ર રોગ ફેલાયેલો હોવાની શક્યતા 85 % છે અને તેથી તેમની દસ વર્ષ જીવવાની શક્યતા 25 %થી 30 % જેટલી જ છે. આવા સંજોગોમાં દવાઓ ઉપયોગી નીવડી શકે, પરંતુ તેની હજુ સંતોષકારક ઔષધચિકિત્સા વિકસી નથી. મુખ્ય દવાઓ ડેકાર્બાઝિન (DTIC) અને નાઇટ્રોસોયૂરિયા જૂથની દવાઓ છે. અન્ય સક્રિય દવાઓમાં વિન્ક્રિસ્ટિન, વિન્બ્લાસ્ટિન, વિન્ડેસાઇન, મેક્લિટેક્સેલ, ડોસિટેક્સેલ વગેરેનો સમાવેશ થાય છે. પ્રતિરક્ષાલક્ષી (immunologic) સારવાર રૂપે ક્ષયવિરોધી રસી (BCG), લિવામેઝોલ તથા મિલેનોમા કૅન્સરકોષ-રસી ઇન્ટરફીરૉન તથા ઇન્ટરલ્યુકિન અને LAK  કોષોના પ્રયોગો થઈ રહ્યા છે. આ ઉપરાંત એકકોષગોત્રી પ્રતિદ્રવ્યો(monoclonal antibodies)નો પ્રાયોગિક ઉપયોગ થઈ રહ્યો છે. હાડકાં, મગજ, ચામડી તથા મૃદુપેશીમાંના ફેલાવાની સારવારમાં વિકિરણનચિકિત્સા (radiotherapy) વાપરવાના પણ પ્રયોગ થાય છે.

સારણી : મેલિગ્નન્ટ મિલેનોમાના તબક્કા

તબક્કો રોગનો ફેલાવો
IA

 

 

IB

સ્થાનિક રોગ : 0.75 મિમી. તલકલા (basement

membrane) અને ત્વચાની કલિકા(derinal papilla)માં

ફેલાવો. T1 N0 M0, ક્લાર્કનો તબક્કો 2

સ્થાનિક રોગ : 0.76થી 1.5 મિમી., કલિકામય અને જાલીમય

(reticular), ત્વચાના જોડાણ સ્થાને, T2 N0 M0, ક્લાર્ક

તબક્કો 3

IIA

 

IIB

સ્થાનિક રોગ : 1.6થી 4 મિમી., જાલીમય ત્વચામાં ફેલાવો,

T3 N0 M0, ક્લાર્ક તબક્કો 4

સ્થાનિક રોગ : 4 મિમી.થી વધુ, ચામડી નીચેના ચરબીના

થરમાં ફેલાવો, T4 N0 M0, ક્લાર્ક તબક્કો 5

III લસિકાગ્રંથિમાં મર્યાદિત ફેલાવો, એક સ્થાનિક જૂથની 5થી

ઓછી લસિકાગ્રંથિમાં ફેલાવો, ગમે તે T, N1 M0

IV સ્થાનિક લસિકાગ્રંથિમાં કે અન્યત્ર બિનમર્યાદ ફેલાવો, કોઈ

પણ T N2 M0 કે કોઈ પણ T અને N M1

(4) ત્વકીય લસિકાર્બુદ (cutaneous lymphoma) : જુઓ કૅન્સર, લિમ્ફોમાજૂથ.

(5) કાપોસીનું માંસાર્બુદ (Kaposi’s sarcoma) : નસોની અંદરના આવરણ(અંતછદ, endothelium)ના કોષોનું તે કૅન્સર છે. તે મુખ્યત્વે ચામડીમાં ઉદભવે છે. તે યુરોપની યહૂદી પ્રજા તથા પોલૅન્ડ, રશિયા અને ઇટાલીના લોકોમાં જોવા મળે છે. તે પુરુષોમાં વધુ જોવા મળે છે. જેમાંના 34 % સ્વજાતીય લૈંગિક સંબંધ(homosexuality)વાળા પુરુષો અને 10 % પરજાતિ લૈંગિક સંબંધ(heterosexuality)વાળા પુરુષોને એઇડ્ઝનો રોગ થયેલો હોય છે. અવયવના પ્રત્યારોપણ (transplantation) પછી પ્રતિરક્ષાની ઊણપ થાય છે અને તે સમયે પણ તેનું પ્રમાણ વધે છે. તે અન્ય ઘણાં કૅન્સર અને રોગો સાથે જોવા મળે છે. જનીનીય કારણો પણ કાપોસીના માંસાર્બુદના મૂળમાં છે એવું મનાય છે. ધડ (trunk) પર એક અથવા બંને બાજુ અનિયમિત લાલાશ પડતા ભૂરા કે છીંકણી અથવા જાંબુડી રંગના ડાઘા (macules), ફોલ્લીઓ (papules), ગંડિકાઓ (nodules) અને છેલ્લે ચકતીઓ (plaques) બને છે. ક્યારેક ડોક અને માથા પર પણ જોવા મળે છે. નાકની ટોચ અને કાનની બુટ્ટી પર ખાસ થાય છે. સામાન્ય રીતે કોઈ લક્ષણ હોતું નથી. ક્યારેક થોડો દુખાવો, ખૂજલી કે બળતરા થાય છે. રોગ ફેલાય ત્યારે લસિકાગ્રંથિઓ, જઠર-આંતરડાં અને ફેફસાં અસરગ્રસ્ત થાય છે. એઇડ્ઝના દર્દીમાં 1 સેમી.થી નાના રોગવિસ્તારો હોય છે અને ઝડપથી અન્યત્ર ફેલાય છે. શસ્ત્રક્રિયા અને વિકિરણનસારવાર પછી તે ફરીથી થાય છે. ઍક્ટિનોમાયસિન-ડી, DTIC, સાઇક્લોફૉસ્ફેમાઇડ, વિન્ક્રિસ્ટિન, વિન્બ્લાસ્ટિન, ડૉક્સોરુબિસિન અને બ્લિયોમાયસિનની દવાઓ એઇડ્ઝમાં 15 % અને અન્ય દર્દીઓમાં 90 % સફળ રહે છે.

શિલીન નં. શુક્લ

ભાર્ગવ મહારાજા