રૉસ સમુદ્ર : પૅસિફિક મહાસાગરનું દક્ષિણ તરફનું વિસ્તરણ. ભૌગોલિક સ્થાન : 75° દ. અ. અને 175° પ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. આંતરરાષ્ટ્રીય દિનાંતરરેખા આ સમુદ્રની મધ્યમાંથી પસાર થાય છે. તેના મથાળે વિશાળ હિમછાજલી (Ross Ice Shelf) સહિત તે ઍન્ટાર્ક્ટિકા ખંડની ગોળાકાર ખંડીય આકારરેખામાં મોટો ખાંચો પાડે છે. આ સમુદ્ર પ્રમાણમાં છીછરો છે અને આશરે 9,60,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો દરિયાઈ વિસ્તાર પશ્ચિમ તરફ ઉત્તર વિક્ટોરિયા લૅન્ડની અડારેની ભૂશિર અને પૂર્વ તરફ એડ્વર્ડ-VII દ્વીપકલ્પની કૉલબૅકની ભૂશિર વચ્ચે આવેલો છે. તેની ઉત્તર સીમા ખંડીય છાજલીની ધાર પર, જ્યારે દક્ષિણ સીમા રૉસ આઇસ શેલ્ફના અગ્રભાગરૂપે વિશાળ અવરોધક હિમદીવાલ (Ice-Barrier mountain) પર આવેલી છે.
વિક્ટોરિયા લૅન્ડની ઊંચી હારમાળાઓની સામે, રૉસ સમુદ્રનું તળ ઉત્તર તરફ પહોળી છાજલીના રૂપમાં વિસ્તરેલું છે. ત્યાંથી તેનું તળ અગ્નિ પૅસિફિક થાળા તરફ સ્કૉટ ટાપુથી કૉલબૅકની ભૂશિરને જોડતી રેખા પરથી ઊંડાણમાં ફેરવાય છે. તેનો પશ્ચિમ તરફી અર્ધો ભાગ પહોળો છે અને તેની ઊંડાઈ 300 મીટર જેટલી છે. નૈર્ઋત્ય તરફનો ભાગ ફ્રૅન્કલીન ટાપુના નાના ખડકાળ જ્વાળામુખી જૂથોવાળો છે. આ વિભાગના તળની ઊંડાઈ 700 મીટર જેટલી છે. કિનારાના ભાગો પર છૂટક છૂટક વિતરણ પામેલા નૂતન વયના જ્વાળામુખીઓ આવેલા છે, જ્યારે પશ્ચિમ કિનારા તરફ મોટો વિસ્તાર આવરી લેતા આલ્કલી-બૅસાલ્ટ બંધારણવાળા જૂના, ખંડિત જ્વાળામુખી-જૂથ જોવા મળે છે; તેમાં અડારે ભૂશિર, હૉલેટ ભૂશિર, માઉન્ટ મૅલબૉર્ન, ફ્રૅન્કલીન ટાપુ અને રૉસ ટાપુનો સમાવેશ થાય છે; જ્યારે પૂર્વ કિનારે પશ્ચિમી મૅરી બાયર્ડમાં ઓછાં જાણીતાં ઘણાં સ્થળો આવેલાં છે.
ઍન્ટાર્ક્ટિકાની કિનારી પરના દરિયાઈ વિભાગોમાં રૉસ એકમાત્ર એવો સમુદ્ર છે જે ઓછામાં ઓછા બરફવાળો છે, તેથી એમાં સરળતાથી જઈ શકાય છે. આ કારણે જ ઍન્ટાર્ક્ટિકા ખંડના અભ્યાસ માટેનાં અભિયાનોનો માર્ગ મોકળો બનેલો છે. 1841ના જાન્યુઆરીની પાંચમી તારીખે જેમ્સ ક્લાર્ક રૉસની ટુકડીએ સર્વપ્રથમ વાર પ્રવેશ કરેલો, પરંતુ ત્યાંથી ચુંબકીય દક્ષિણ ધ્રુવ પર પહોંચવામાં તેઓ અસફળ રહેલા. તે પછીથી તો નૉર્વે, ગ્રેટબ્રિટન, જાપાન, યુ.એસ., ન્યૂઝીલૅન્ડ તેમજ રશિયાએ આ સમુદ્રમાં મથકો સ્થાપેલાં છે.
રૉસ સમુદ્રના બધા જ દરિયાકિનારાના ભાગોનું ભૂસ્તરીય પૂર્વેક્ષણ કરવામાં આવેલું છે. મૅક મર્ડોસાઉન્ડ નજીકનો દક્ષિણ વિક્ટોરિયા લૅન્ડ વિસ્તાર લગભગ સંપૂર્ણપણે જાણી શકાયો છે. અહીંનાં દૃશ્યો રમણીય હોવાથી પ્રવાસી વહાણો નિયમિત અવરજવર કરતાં રહે છે.
રૉસ સમુદ્રની ખંડીય લઘુખાડી(embayment)ની ઉત્પત્તિ અંગે ઘણાં અનુમાનો મુકાયાં છે. જૂના ભૂસ્તરવિદો એમ માનતા હતા કે રૉસ સમુદ્ર એ હિમનદીજન્ય ખાઈનું વિસ્તરણ છે, કદાચ તે વેડેલ સમુદ્ર સાથે સંકળાયેલું તર્કમાન્ય રૉસ-વેડેલ સ્તરભંગ ગર્ત પણ હોય ! પરંતુ પછીથી ત્યાં વચ્ચેના ભાગમાં અવરોધ રચતા એલ્સવર્થ પર્વતોએ આ માન્યતાને નકારી કાઢી છે. રૉસ આઇસ શેલ્ફ પરનો ભૂભૌતિક અભ્યાસ દર્શાવે છે કે તેની નીચેના જાડા ખડકથરમાં પસાર થતા ભૂકંપીય તરંગો ઓછી ગતિવાળા જણાયા છે, તેથી ત્યાં જળકૃત ખડકો હોવા જોઈએ. આ પરથી તારણ એ નીકળે છે કે લઘુખાડી ખંડીય ખડકોનો એવો વિભાગ છે જે સ્તરભંગ મારફતે નીચે તરફ સરકી ગયો હોય અથવા તો તે જળકૃત ખડકોથી પૂરણી પામેલું, નીચે બેસી ગયેલું નિમ્નવળાંકમય થાળું હોય.
અહીંથી મળતા વનસ્પતિ-પ્રાણી અવશેષો દક્ષિણ ઍન્ટાર્ક્ટિક દરિયાઈ વિસ્તારના અન્ય ભાગો જેવા જ છે. આ સમુદ્રનું પોષણ-સમૃદ્ધ જળ વિપુલ પ્રમાણમાં પ્લૅન્ક્ટૉનિક જીવનને નિભાવે છે. આ પ્લૅન્ક્ટૉનિક જીવન પર માછલીઓ, સીલ, વહેલ, તેમજ દરિયાકિનારાનાં પક્ષીઓ જેવાં મોટાં પ્રાણીઓ પણ નભે છે. રૉસ સમુદ્રના કિનારાના ભાગોમાં સંખ્યાબંધ સ્થળો પર પૅંગ્વિન પક્ષીઓ વસે છે.
રૉસ સમુદ્રના કિનારા પર પૂર્વીય પવન-પ્રવાહો વહે છે, તેમાંથી દક્ષિણાવર્તી પવનો ફૂંકાય છે; ઊંડાઈ પરથી પાણીના પ્રવાહો ઉપર તરફ આવે છે. સપાટીપ્રવાહો પશ્ચિમ તરફ – હિમછાજલી તરફ – વહે છે, ત્યાંથી તે ઉત્તર તરફ વિક્ટોરિયા લૅન્ડ બાજુએ ફંટાય છે અને ત્યાંના પશ્ચિમિયા પવનોના પ્રવાહની સાથે મળી જાય છે. આ પ્રવાહોને કારણે જળ-ઉછાળા અને ભરતીના પ્રવાહો ઉદભવે છે. અહીંનું 300 મીટર ઊંડાઈના જળનું લઘુતમ તાપમાન આશરે –2.1° સે. જેટલું અને મૅક મર્ડો સાઉન્ડમાંની જળસપાટીનું સરેરાશ તાપમાન આશરે –1.8° સે. જેટલું રહે છે.
ગિરીશભાઈ પંડ્યા