રૉસીની, જ્યૉઆકિનો ઍન્તોનિયો (Rossini, Gioacchino Antonio)

January, 2004

રૉસીની, જ્યૉઆકિનો ઍન્તોનિયો (Rossini, Gioacchino Antonio) (જ. 29 ફેબ્રુઆરી 1792, પેસારો, ઇટાલી; અ. 13 નવેમ્બર 1668, પૅરિસ નજીક પેસી, ફ્રાન્સ) : કૉમિક ઑપેરા માટે પ્રખ્યાત ઇટાલિયન ઑપેરાસર્જક. ગુસેપે રૉસીની (Giuseppe Rossini) નામના ગરીબ ટ્રમ્પેટ-વાદક અને ઑપેરામાં ગૌણ પાત્રો ભજવતી આના ગ્યીદારિની નામની ગાયિકાનો તે પુત્ર. એથી રૉસીનીના બાળપણની શરૂઆત જ રંગમંચ ઉપર થઈ. વિદ્યાર્થી તરીકે સાવ આળસુ રૉસીનીને રમવું અને ગાવું ખૂબ ગમતું. ચૌદ વરસની ઉંમરે તે બોલોન્યાની સંગીતશાળા લિચિયો ફિલાર્મૉનિકોમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયો. પંદર વરસની ઉંમરે તે થોડા પૈસા કમાવા માટે રંગમંચ પર ગાતો. વાયોલિન, હૉર્ન અને હાર્પ્સિકૉર્ડ વગાડતાં તે શીખ્યો. 1806માં તેણે તેની પ્રથમ રચના ‘દેમેત્રિયો એ પોલિબિયો’ નામની ઑપેરા રચી, જેને 1810માં પોતાના આશ્રયદાતા મોમ્બેલી ગાયકકુટુંબે ગાઈ ભજવી. સોળ વર્ષે અવાજ ફાટતાં ગાવું અશક્ય બનતાં વાદ્યવૃંદ-સંચાલક તરીકેની તાલીમ તેણે લીધી. જર્મન શૈલી તરફ આકર્ષણ થતાં હાઇડન અને મોત્સાર્ટના સંગીતનું વાદ્યવૃંદ-સંચાલન કર્યું.

1808માં સ્વરનિયોજન શરૂ કર્યું. તેની પ્રથમ કૉમિક ઑપેરા (ઑપેરા બુફા) ‘ધ બિલ ઑવ્ મૅરેજ’ 1810માં વેનિસમાં ભજવાઈ. બોલોન્યા પાછા ફરીને 1811માં કેન્ટાટા ‘ડીડો’ઝ ડેથ’ રચી, અને મોમ્બેલી કુટુંબને તે અર્પણ કરી. એ જ વર્ષે દ્વિઅંકી કૉમિક-ઑપેરા ‘ધી એક્સ્ટ્રૅવેગન્ટ મિસઅન્ડર્સ્ટૅન્ડિન્ગ’ રચી. બીજે વર્ષે એ ઑપેરા એ પછી રચાયેલી બીજી બે કૉમિક ઑપેરાઓ સાથે વેનિસમાં ભજવાઈ. ઇટાલિયન પરંપરા તોડીને રૉસીનીએ પ્રવાહી સૂરાવલિઓનું સર્જન કર્યું, જેમાં અસામાન્ય લય તેણે પ્રયોજ્યા. એની આ શૈલી ‘બેલ કાન્ટો’ નામે ઓળખાઈ. 1812માં તેણે ‘સાયરસ ઇન બૅબિલોન’ નામનો ઑરેટોરિયો તથા કૉમિક ઑપેરા ‘ધ સિલ્કન લૅડર’ રચ્યાં. એ જ વર્ષે રૉસીનીના ઑપેરાના એક ગાયક મેરિયેટા માર્કોલિનીએ મિલાનના ‘લા સ્કાલા’ ઑપેરા હાઉસને રૉસીનીના નામની ભલામણ કરી. ‘લા સ્કાલા’ માટે હવે રૉસીનીએ કૉમિક ઑપેરા ‘ધ ટચસ્ટોન’ લખી. તેની છેલ્લી ગતમાં રૉસીનીએ પ્રથમ વાર ‘ક્રિસેન્ડો’ (crescendo) ટૅકનિક અજમાવી. પછીથી તો આ ક્રિસેન્ડો ટૅકનિકનું તેને ઘેલું લાગ્યું.

જ્યૉઆકિનો ઍન્તોનિયો રૉસીની

હવે રૉસીનીનું નામ પ્રસ્થાપિત થઈ ચૂક્યું હોવાથી તેની ઑપેરાના ગાયકો નખરાં કર્યા વગર, ધમાલ મચાવ્યા વગર, ડાહ્યા બનીને, તે જે ગવડાવે તે ગાઈ લેતા થયા હતા. આથી હવે પોતાની મરજી મુજબના ઑપેરા-સર્જનનો માર્ગ રૉસીની માટે મોકળો થયો. 1813માં તેણે ‘સાન મોઇઝે’ ઑપેરા હાઉસ માટે કૉમિક ઑપેરા ‘ઇલ સિન્યૉર બ્રૂસ્કિનો’ તથા લ ફેનાઇસ ઑપેરા હાઉસ માટે ગંભીર ઑપેરા ‘તાન્ચ્રેડી’ લખી. ‘તાન્ચ્રેડી’માં તેણે નાટ્યાત્મક અસરો ધરાવતી આરોહ અને અવરોહાત્મક સૂરાવલિઓ સર્જીને ઇટાલિયન ગંભીર ઑપેરાની પરંપરા તોડી. વેનિસમાં બધા તે ઑપેરાનું ‘દી તાન્તી પાલ્પિતી’ ગીત ગાતા થઈ ગયા. આ પછી તેણે 1813માં ઑપેરા ‘ધી ઇટાલિયન ગર્લ ઇન અલ્જિયર્સ’ અને 1814માં ઑપેરા ‘ઑરેલિયાનો ઇન પાલ્મીરા’ અને ઑપેરા ‘ધ તુર્ક ઇન ઇટાલી’ સર્જી. એ પછી 1814માં તેની ઑપેરા ‘સિગિસ્મુન્ડો’ને ઘોર નિષ્ફળતા વરી.

નેપલ્સમાં રૉસીનીની ખ્યાતિ પ્રસરી ચૂકી હતી. અહીં બારમાં નોકરી કરનાર વેઇટરમાંથી કરોડપતિ બનેલા ડોમેનિકો બાર્બારિયાએ રૉસીનીને અઢળક પૈસાની ઑફર આપીને નેપલ્સ બોલાવી લીધો. એને માટે રૉસીનીએ 1815માં ‘એલિઝાબેથ, ક્વીન ઑવ્ ઇંગ્લૅન્ડ’ સર્જી, જે ખૂબ સફળ થઈ. આ પછી રોમમાં ભજવવા માટે તેણે ઑપેરા ‘આલ્મા વીવા’ લખી, જે સદંતર નિષ્ફળ ગઈ. પછી તેણે બ્યુમાર્સ્કાઇસના નાટક ઉપરથી કૉમિક ઑપેરા ‘ધ બાર્બર ઑવ્ સેવિલે’ લખી, જે સમગ્ર ઇટાલીમાં સફળ થઈ, પણ રોમમાં નિષ્ફળ ગઈ. આ પછી બે ગંભીર ઑપેરા ‘સિન્ડ્રેલા’ અને શેક્સપિયરથી પ્રેરિત ‘ઑથેલો’ લખી, જે બંને સફળ થઈ. પછી 1817માં તેણે અર્ધકૉમિક અર્ધગંભીર ઑપેરા ‘ધ થાઇવિન્ગ મૅગ્પાઇ’ લખી, જે મિલાનમાં ખૂબ સફળ થઈ.

આ પછી 1817માં એક સોપ્રાનો, એક બાસ, એક ટેનર અને એક કૉન્ટ્રાલ્ટો ગાયકો ધરાવતી ગ્રાન્ડ ઑપેરા ‘આર્મિડા’ લખી, જે સફળ થઈ. તેમાં તેની ‘બેલ કાન્ટો’ શૈલી સોળે કળાએ ખીલી ઊઠતી જોવા મળે છે. પછી સર વૉલ્ટર સ્કૉટની કવિતા ‘ધ લેડી ઑવ્ ધ લેક’ પરથી લખેલી ઑપેરા ‘લા ડૉના દે લ લાગો’ સાવ નિષ્ફળ ગઈ.

આ પછી તે કોલ્બ્રાન નામની ઑપેરા-ગાયિકાને પરણી જઈને બીથોવનને મળવા માટે વિયેના ગયો. પાછા વેનિસ આવીને ‘સેમિરામિડે’ નામની ઑપેરા લખી, જે સાવ નિષ્ફળ ગઈ.

હવે એણે યુરોપયાત્રા શરૂ કરી. 1823માં તે પૅરિસ ગયો. અહીં ફ્રેન્ચ લોકો એની પાછળ ઘેલા થયા. પછી તે લંડન ગયો. અહીં તેણે ગાયું તેમજ ઑપેરા-સંચાલન કર્યું, રાજા જ્યૉર્જ ચોથાની મુલાકાત લીધી અને પૅરિસ પાછો ફર્યો. પૅરિસમાં રૉસીનીએ પોતાની કેટલીક ઑપેરાઓનું મંચન-સંચાલન કર્યું. અહીં તે ‘મોન્સયેર ક્રિસેન્ડો’ના હુલામણા નામે પ્રિય થઈ પડ્યો. પછી રાજા ચાર્લ્સ દસમાના રાજ્યાભિષેક પ્રસંગ માટે તેણે ‘ધ જર્ની ઑવ્ રીમ્સ’ કૅન્ટાટા રચ્યો.

આ પછી 1826માં ‘ધ સીજ ઑવ્ કૉરિન્થ’ નામે ઑપેરા રચી, જેને મહાન ફ્રેન્ચ સ્વરનિયોજક હેક્ટર બર્લિયોઝે વધાવી લીધી. 1827માં ફ્રેન્ચ શૈલીમાં ‘કૉમ્તે ઓરી’ કૉમિક-ઑપેરા રચી.

રાષ્ટ્રપ્રેમ અને સ્વતંત્રતાની ઉમદા ભાવનાઓ વ્યક્ત કરતી ઑપેરા ‘વિલિયમ ટેલ’ રૉસીનીની છેલ્લી ઑપેરા છે. પૅરિસમાં તે 1829માં ભજવાઈ ત્યારે પૅરિસની જનતા ઘેલી બનીને બેકાબૂ બની ગઈ હતી. પણ ફ્રાન્સમાં તેની ઑપેરાઓ ભજવાવી બંધ થઈ. આથી તેણે ઑપેરાસર્જન પણ બંધ કર્યું.

1845માં તેની પત્ની કોલબ્રાન અવસાન પામી. 1847માં તેણે ઑલિમ્પી પૅલિસિયર સાથે લગ્ન કર્યું. તેણે ધાર્મિક કૃતિઓ ‘સ્ટાબાત માતર’ 1832માં અને ‘પિતાઇત મેસે સોલેનેલે’ 1834માં સર્જી. એક વાર ઇટાલીની મુલાકાત લઈ 1855થી ફરીવાર તે પૅરિસમાં ગયો અને નવસર્જન કર્યા વગર શાંતિથી જીવ્યો. હવે તે ખૂબ ધનાઢ્ય હતો; તેથી ફ્રાન્સના ધનાઢ્ય અને અગ્રગણ્ય કલાકારો તથા બુદ્ધિજીવીઓ સાથે હળતો-મળતો, મોટી મિજબાનીઓ આપતો, બીજાઓની મિજબાનીઓમાં મહેમાન તરીકે જતો. 1860માં મહાન જર્મન સંગીતજ્ઞ તથા સ્વરનિયોજક રિચાર્ડ વૅગ્નર તેને મળવા પૅરિસ આવ્યો. તેમની વચ્ચેના સંવાદને વૅગ્નરે યાદ કરીને લખીને પ્રકાશિત કર્યો.

1950 પછી રૉસીનીની લગભગ બધી જ ઑપેરાઓનું નિયમિત રૂપે મંચન થાય છે.

અમિતાભ મડિયા