રૉય, જામિની (જ. 1887, બંગાળ; અ. 1972, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : આધુનિક ભારતીય યુગપ્રવર્તક ચિત્રકાર. બંગાળી જાગીરદાર કુટુંબમાં જન્મ. મૅટ્રિકની પરીક્ષા પસાર કરી કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં વિદ્યાર્થી તરીકે જોડાયા. કારકિર્દીના પ્રારંભે તેઓ તત્કાલીન પ્રવર્તમાન યુરોપીય ઍકેડેમિક શૈલીની ગાઢ અસર નીચે હતા, પણ તે અસર તુરત જ દૂર થઈ. બંગાળ અને ઓરિસાનાં ગામડાંની લોકકલા તથા સાંથાલ આદિવાસીઓની કલાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે દ્વિપરિમાણી સપાટી પર ત્રિપરિમાણી આભાસ આપતી ઍકેડેમિક યુરોપીય શૈલી ત્યાગી બંગાળ અને ઓરિસાની લોકકલા અને રમકડાંની શૈલીથી ત્વરિત જથ્થાબંધ ચિત્રોનું ઉત્પાદન શરૂ કર્યું અને પોતે દોરેલાં રેખાંકનોમાં ઝડપથી રંગો પૂરી ચિત્રો રચવા માટે કારીગરો રાખ્યા. તેમનાં ચિત્રો બ્રિટિશ અફસરો અને લશ્કરી જવાનોમાં લોકપ્રિય થઈ પડ્યાં અને તે સસ્તા ભાવે ચપોચપ વેચાવા માંડ્યાં. બ્રિટિશ ગ્રાહકોની વિશેષ રુચિને ધ્યાનમાં લઈ તેમણે બંગાળી, ઊડિયા, ગામઠી શૈલીમાં બાઇબલના વિવિધ પ્રસંગો આલેખતાં ચિત્રો પણ સર્જ્યાં.

તેમને પોતાની સુદીર્ઘ કારકિર્દી દરમિયાન સમકાલીન રવિવર્માની પ્રશિષ્ટતા કે બંગાળ શૈલીની ભારતીયતાનું પુનર્જાગરણ કે સ્વાતંત્ર્યોત્તર ભારતીય કલાની આધુનિકતા ક્યારેય સ્પર્શી ન શક્યાં અને પોતાને ચીલે તેઓ અડગ અને મક્કમ રહ્યા.

1929માં તેમણે પોતાની કલાનું પ્રથમ પ્રદર્શન કોલકાતામાં કર્યું હતું.

1955માં તેમને ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અમિતાભ મડિયા