રોનો, હેન્રી (જ. 12 ફેબ્રુઆરી 1952, કૅપ્રિર્સેંગ, નંદી હિલ્સ, કેન્યા) : કેન્યાના ઍથ્લેટિક્સના ખેલાડી. શ્રેણીબંધ નોંધપાત્ર વિશ્વવિક્રમોને પરિણામે તેમની તેજસ્વી પ્રતિભા જોવા મળી હતી. જોકે કેન્યા દ્વારા કરેલ બહિષ્કારને લીધે તેઓ 1976 અને 1980ના ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લઈ શક્યા ન હતા. પરંતુ 1978નું વર્ષ તેમને માટે મહાન નીવડ્યું; કૉમનવેલ્થ રમતોત્સવ ખાતે 5,000 મી. અને 3,000 મી.ની સ્ટીપલચેઝમાં બેવડો વિજય મેળવવા ઉપરાંત આફ્રિકન રમતોત્સવ ખાતે 10,000 મી.ની સ્ટીપલચેઝમાં વિજેતા નીવડ્યા. એ જ વર્ષે તેમણે ત્રણ વિશ્વવિક્રમ પણ નોંધાવ્યા : બર્કલી ખાતે 8 એપ્રિલ, 1978ના રોજ 5,000 મી. માટે 13 મિ. 08.4 સે.; 13 મે 1978ના રોજ સિઍટલ ખાતે 3,000 મી.ની સ્ટીપલચેઝ માટે 8 મિ., 05.4 સે. અને 11 જૂન, 1978ના રોજ વિયેના ખાતે 10,000 મિ. માટે 27 મિ., 22.4 સે. . 1981માં તેમણે નૉર્વે ખાતે 5,000 મી.નો વિક્રમ સુધારીને 13 મિ., 06.20 સે. જેટલો નોંધાવ્યો હતો.
મહેશ ચોકસી