રોટી : ચલચિત્ર. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માણ-વર્ષ : 1942. નિર્માણ-સંસ્થા : નૅશનલ સ્ટુડિયો. દિગ્દર્શક : મેહબૂબ ખાન. કથા : આર. એસ. ચૌધરી. પટકથા : વઝાહત મિરઝા. ગીતકાર : સફદર ‘આહ’, મુનશી આરઝુ લખનવી, વઝાહત લખનવી, વઝાહત મિરઝા. છબિકલા : ફરદુન ઈરાની. સંગીત : અનિલ બિશ્વાસ. મુખ્ય કલાકારો : ચંદ્રમોહન, શેખ મુખતાર, સિતારાદેવી, અખતરી ફૈઝાબાદી, અશરફ ખાન, જમશેદજી, ચોબેજી, આગા.

આઝાદીનો સીધો ઉલ્લેખ નહિ, પણ દેશમાં જબરદસ્ત અન્નસંકટના સમયે બનાવાયેલા આ ચિત્રના પ્રતીકાત્મક સંવાદોને કારણે વિવાદાસ્પદ બનેલા આ ચિત્ર પર અંગ્રેજ સરકારે દેશભરમાં પ્રતિબંધ લાદી દીધો હતો. શોષણવિહીન આદિવાસી સમાજ અને શોષણ પર જ જેનો પાયો છે તે મૂડીવાદી સમાજને સામસામે મૂકી દઈને દિગ્દર્શકે ઘણું કહી દેવાનો સફળ પ્રયાસ કર્યો હતો. ચિત્રની કથામાં મુખ્ય ચાર પાત્રો છે. શેઠ લક્ષ્મીદાસ (ચંદ્રમોહન) અને ડાર્લિંગ (અખતરીબાનુ ફૈઝાબાદી જેઓ સમય જતાં ખ્યાતનામ ગઝલ-ગાયિકા બેગમ અખતર તરીકે ઓળખાયાં હતાં) એકબીજાના પ્રેમમાં છે. હકીકતમાં દોલતભૂખ્યો લક્ષ્મીદાસ પ્રેમિકાના પિતાની દોલત પર કબજો જમાવવા પ્રયત્નશીલ છે અને એક દિવસ તક મળતાં તે તેના ભાવિ સસરાની હત્યા પણ કરી નાખે છે. પ્રેમિકા આ જાણે છે પણ મનોમન લક્ષ્મીદાસને ધિક્કારવા સિવાય તે બીજું કંઈ કરી શકતી નથી. એક દિવસ લક્ષ્મીદાસ તથા ડાર્લિંગ પોતાના અંગત વિમાનમાં મુસાફરી કરી રહ્યાં છે ત્યારે વિમાન એક આદિવાસી વિસ્તારમાં તૂટી પડે છે. એક આદિવાસી યુગલ બાલમ (શેખ મુખ્તાર) અને કિનારી (સિતારાદેવી) આ બંનેની સારવાર કરે છે અને તેમની બે ભેંસ તેમને આપીને શહેરમાં પરત મોકલે છે. ભેંસ પરત નથી આવતી એટલે તેને શોધવા આદિવાસી યુગલ શહેરમાં આવે છે. જે બાબત તેમણે કદી સપનામાં પણ નથી વિચારી એનો અનુભવ તેમને શહેરમાં થાય છે. તેમને એ પણ ખબર નથી કે શહેરમાં કોઈ ચીજ મફત મળતી નથી. એક જગ્યાએ તેઓ ખાઈપીને પૈસા નથી ચૂકવી શકતા એટલે પોલીસ પકડીને જેલમાં પૂરી દે છે. તેમને વેઠિયા બનવાનો વારો આવે છે અને અહીં તેઓ શેઠ લક્ષ્મીદાસના શોષણનો ભોગ બને છે. દરમિયાન ડાર્લિંગ બાલમના પ્રેમમાં પડે છે. તેની મદદથી આદિવાસી યુગલ જેલમાંથી છુટકારો મેળવી શકે છે અને પોતાના ઘેર જવા નીકળી પડે છે. બીજી બાજુ ભારે ખોટમાં ઊતરી જતાં લક્ષ્મીદાસ પોતાની પાસે જે કંઈ સોનું છે તે કારમાં ભરીને ભાગી છૂટે છે અને અંતે રણપ્રદેશમાં કાર ખોટકાઈ જાય છે. તે પછી તે ભૂખ્યો અને તરસ્યો મરણ પામે છે. ચિત્રમાં એક વિદૂષક જેવું પાત્ર પણ છે, જે દરેક પ્રસંગ વખતે મોજૂદ હોય છે અને નુક્તેચીની કરતું રહે છે. આ પાત્ર એ વખતના જાણીતા નાટ્ય-અભિનેતા અશરફખાને ભજવ્યું હતું. ‘માંગને સે દુનિયા મેં કુછ નહીં મિલતા હૈ, રોટી ચાહિયે તો રોટી છીન લો.’  અશરફખાનનો આ સંવાદ એ સમયે ખૂબ ચર્ચાસ્પદ બન્યો હતો. ભૂખે મરતા લોકોને ફિલ્મમાં દર્શાવાયા હતા. એ માટે મેહબૂબખાને બંગાળ અને બિહારમાં જઈને વાસ્તવિક દૃશ્યોનું શૂટિંગ કર્યું હતું.

હરસુખ થાનકી