રોગ, વિકાર અને ચિકિત્સા : શારીરિક અને/અથવા માનસિક સ્વાસ્થ્યનો ભંગ અને તેની સારવાર. શારીરિક કે માનસિક ક્રિયામાં ઉદભવતી વિષમતાને પણ રોગ કહે છે. વિવિધ શબ્દકોશોએ ‘રોગ’ શબ્દની અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ‘રોગ’ની વ્યાખ્યા કરી નથી. રોગનું લક્ષણપટ વિશાળ છે, તેમાં લક્ષણરહિત (asymptomatic) અથવા ઉપનૈદાનિક (subclinical) માંદગીથી માંડીને તીવ્ર અને ઘાતક દેહવિકારનો સમાવેશ થાય છે. ક્યારેક તેની શરૂઆત ઉગ્ર સ્વરૂપે થાય છે તો ક્યારેક તે અલક્ષણીય (insidious) હોય છે. કેટલાક ચેપમાં વ્યક્તિ તેના કારક સૂક્ષ્મજીવોને શરીરમાં ધારણ (carrier state) કરી રાખે છે, પરંતુ તેને કોઈ વિકાર થયેલો જણાતો નથી. કેટલાક રોગો ટૂંકા સમય માટે તો કેટલાક લાંબા સમય માટે અસર કરે છે. કેટલાક રોગો સમસ્થિતિ (normalcy) અને વિષમતા(abnormality)ની વચ્ચેની સ્થિતિ જેવા હોય છે. રોગનો અંત રોગશમન (remission), રોગમુક્તિ (cure) અથવા મૃત્યુ રૂપે જોવા મળે છે. ક્યારેક રોગો લાંબા ગાળાના બને છે અને મટતા નથી. તેમને દીર્ઘકાલ (chronic) રોગો કહે છે.
સુનિશ્ચિત વ્યાધિકરણ(pathogenesis)વાળી શારીરિક કે માનસિક દુષ્ક્રિયતા(dysfunction)ને રોગ કહે છે. બાહ્યકારક ઘટક કે પરિબળથી થતા રોગને વ્યાધિ પણ કહે છે. વ્યાધિકરણ સુનિશ્ચિત ન હોય તેવી સ્થિતિને ફક્ત દુષ્ક્રિયતા કે દુષ્ક્રિયાશીલતા કહે છે. જો ફક્ત ક્રિયાશીલતા (function) અસરગ્રસ્ત હોય તો તેને વિકાર (disorder) કહે છે, જ્યારે તેમાં શારીરિક સંરચના(structure)માં વિષમતા હોય તો તેને વિકૃતિ અથવા કુરચના (malformation, anomaly) કહે છે. ચોક્કસ લક્ષણો (symptoms) તથા ચિહ્નો(signs)ના સમૂહને સંલક્ષણ (syndrome) કહે છે. કોઈ રોગના પૂર્ણવિકસિત સ્વરૂપ પહેલાં જોવા મળતા લક્ષણસમૂહને પૂર્વલક્ષણ (prodrome) કહે છે. દર્દી પોતે અસ્વસ્થ છે એવું જાણે અને અનુભવે તેને માંદા પડવું અથવા આમયભાવ (illness) કહે છે અને તેના સામાજિક પરિમાણને માંદગી અથવા રોગગ્રસ્તતા (sickness) કહે છે. તબીબ સામાન્ય રીતે આમયભાવ અથવા ‘માંદો પડ્યો છે’ એવા માનસિક ભાવવાળા દર્દીઓને તપાસીને તેમનાં રોગ કે વ્યાધિ, વિકાર કે વિકૃતિ, દુષ્ક્રિયતા કે સંલક્ષણનું નિદાન કરે છે.
લુઈ પાશ્ચર(1822–1895)નાં સંશોધનો પહેલાં રોગ થવાનાં કારણો અંગે જુદા જુદા દેશોમાં અનેક પ્રકારની વિભાવનાઓ પ્રચલિત હતી. લુઈ પાશ્ચરનાં સંશોધનોએ સૂક્ષ્મ જીવોને વિવિધ રોગના કારણસ્વરૂપ ઘટકો તરીકે ઓળખી બતાવ્યા. ત્યારબાદ અનેક સૂક્ષ્મજીવવિદોએ પણ આ વિભાવનાને બલવત્તર કરી. જેમ સૂક્ષ્મજીવો જૈવિક (biologic) ઘટકો છે એમ ભૌતિક (physical) અને રાસાયણિક ઘટકો પણ રોગ કરે છે તે ક્રમશ: શોધાતું ગયું. વધુ સંશોધનોએ બતાવ્યું કે આવા રોગકારક ઘટકો રોગ કરે તે માટે કેટલાંક શારીરિક પરિસ્થિતિ અથવા આધારક પરિબળો (host factors) અને વાતાવરણીય પરિબળો પણ હોવાં જરૂરી છે. આમ કારક ઘટક, આધારક પરિબળો અને વાતાવરણનો એક ત્રિભુજ બને છે, જે વ્યાધિકરણ (રોગ-સર્જન) કરે છે. આ ત્રણેય પ્રકારના ઘટકોની હાજરી વડે નિદાન કરાય છે, અને તેમના કાર્યને અવરોધીને કે તેમનો નાશ કરીને રોગને થતો અટકાવી શકાય છે (પૂર્વનિવારણ), ઘટાડી કે શમાવી શકાય છે અથવા મટાડી શકાય છે (ચિકિત્સા).
વિષાણુઓ, જીવાણુઓ, ફૂગ, પરોપજીવો વગેરે જૈવિક રોગકારકો છે. પોષક દ્રવ્યોની અધિકતા કે ન્યૂનતા પણ રોગકારક બને છે. ગરમી, ઠંડી, ભેજ, દબાણ, વિકિરણ (radiation), વીજળી, અવાજ વગેરે ભૌતિક રોગકારકો છે. રાસાયણિક રોગકારકો શરીરની અંદરના હોય (યુરિયા, કીટૉન, બિલિરૂબિન વગેરે) અથવા બહારનાં ઝેર અથવા વિષ પણ હોઈ શકે. વિવિધ પ્રકારની ઈજાઓ રોગ કરે છે. જીવનશૈલીને કારણે થતા રોગોમાં સામાજિક રોગકારકોનો મોટો ફાળો છે; જેમ કે ગરીબી, વ્યસનો, સામાજિક અલગતા, માતૃવિહીનતા વગેરે. વ્યક્તિની અંદરનાં રોગકારક ઘટકો અને પરિબળોને આધારકલક્ષી (lost related) ઘટકો કહે છે. કોઈ પણ બીજ યોગ્ય જમીનમાં જ ઊગે એમ કોઈ પણ બાહ્ય રોગકારક યોગ્ય આધારક પરિબળો ઉપસ્થિત હોય ત્યારે જ રોગ કરે છે. વ્યક્તિલક્ષી પરિબળોમાં વારસો, જનીની બંધારણ, સામાજિક અને આર્થિક કારણો તથા જીવનશૈલીનો સમાવેશ થાય છે. વ્યક્તિની આસપાસનું ભૌતિક, સામાજિક, માનવેતર જૈવિક, સામાજિક અને મન:સામાજિક વાતાવરણ કેવું છે તેની પણ વ્યાધિકરણમાં મહત્ત્વની કામગીરી રહેલી છે. વ્યક્તિલક્ષી (આધારકલક્ષી) અને વાતાવરણલક્ષી પરિબળો રોગ થવાની સંભાવના વધારે છે માટે તેમને જોખમકારક ઘટકો (risk factor) પણ કહે છે. આવું જોખમ ધરાવતાં વ્યક્તિજૂથોને જોખમી જૂથો (risk groups) કહે છે.
શિલીન નં. શુક્લ