કૅનાવાલિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ફૅબેસી કુળની આરોહી શાકીય પ્રજાતિ. તે લગભગ 48 જાતિઓની બનેલી છે અને ઉષ્ણકટિબંધમાં બધે જ વિતરણ પામેલી છે. બે જાતિઓ (Canavalia ensiformis અને C. gladiata) ખૂબ જાણીતી છે અને તેને ખાદ્ય શિંબી-ફળો અને દાણા માટે ઉછેરવામાં આવે છે.
C. ensiformis (Linn.) DC. (સં. મહાશિંબી, ખડ્ગશિંબી; ગુ. અબઈ, આબુવો, તરવારડી; મ. અબઈ; હિં. સેમ, સુઅરાસેમ, ગોજિયાસેમ, સફેદ કડસુંબલ; બં. શ્વેત શિમ, મોંગલાઈ શિમ; ક. શિંબીકાચિ; તે. કારુચિકટુ, અં. જૅકબીન) વેસ્ટ ઇંડિઝની મૂલનિવાસી છે અને ભારતમાં મર્યાદિત પ્રમાણમાં વાવવામાં આવે છે. તે એકવર્ષાયુ, અર્ધ-ઉન્નત (semi-erect), 0.6 મી.થી. 1.5 મી. ઊંચું શિંબી ઝાડવું છે. તે તલવાર આકારનાં, 20 સેમી.થી 37.5 સેમી. લાંબાં અને 2.5 સેમી. પહોળાં શિંબી-ફળો ધરાવે છે. પ્રત્યેક શિંબમાં 10-12 સફેદ બીજ હોય છે. પ્રત્યેક બીજ બદામી રંગની નાભિ (hilum) ધરાવે છે, જે બીજની અર્ધી લંબાઈ સુધી વિસ્તરેલી હોય છે.
તે ખડતલ (hardy), શુષ્કતારોધી (drought-resistant) અને મોટાભાગના રોગો માટે અવરોધક છે. તે ચારા અને લીલા ખાતર માટે વાવવામાં આવે છે. તેનાં કુમળાં ફળો અને કાચાં બીજ શાકભાજીમાં વપરાય છે. તે પ્રતિ હેક્ટર લગભગ 40થી 50 ટન લીલો ચારો અને 1350 કિગ્રા. બીજ ઉત્પન્ન કરે છે. તે લીલા ખાતરના પાક તરીકે શેરડી, કૉફી, રબર અને સીસલની હરોળો વચ્ચે ઉગાડવામાં આવે છે. ચારા માટેની તેની ઉપયોગિતા શંકાસ્પદ છે; કારણ કે તે અરોચક (unpalatable) અને અપાચ્ય (indigestible) છે. ઉંદર પર થયેલા તેના ખોરાકના પ્રયોગો દર્શાવે છે કે આબુવો તાપમાન-અસ્થાયી (thermo-labile) વિષાળુ ઘટક ધરાવે છે; જે જઠરના શ્લેષ્મસ્તરમાં રક્તસ્રાવ માટે જવાબદાર છે અને આબુવો લાંબો સમય ઢોરને ખવડાવવામાં આવે તો આંતરડાંમાં પણ રક્તસ્રાવ થાય છે. ઘઉંના લોટ સાથે તેનું 30 % સુધી મિશ્રણ કરતાં તે નુકસાનકારક નથી. તેનાં બીજ ભૂંજ્યા પછી કૉફીની અવેજીમાં કે કૉફીમાં અપમિશ્રક (adulterant) તરીકે ઉપયોગમાં લેવાય છે.
આબુવામાંથી ગ્લોબ્યુલિન પ્રકારનાં પ્રોટીન મળી આવ્યાં છે. યુરિયેઝ જેવી સક્રિયતા દર્શાવતું ગ્લોબ્યુલિન સ્ફટિક-સ્વરૂપમાં મેળવવામાં આવ્યું છે. કૅનાવેલિન (અણુભાર, 113,000), કનકૅનાવેલિન A (અણુભાર, 96,000) અને કનકૅનાવેલિન B (અણુભાર, 42,000) પ્રકારનાં ગ્લોબ્યુલિન અલગ કરવામાં આવ્યાં છે. (સ્ફટિકમય ડાઇઍમિનો-ઍસિડકૅનાવેનિન (C5H12O3N4 – r – ગ્વાનિડૉક્સીઍમિનો-બ્યુટિરિક ઍસિડ) મેળવવામાં આવ્યાં છે. સુવરના યકૃતના નિષ્કર્ષમાં રહેલા ઉત્સેચક દ્વારા કૅનાવેનિનનું યુરિયા અને કૅનાલિનમાં જલાપઘટન થાય છે. આબુવામાં રહેલા અન્ય નાઇટ્રોજનયુક્ત ઘટકોમાં આર્જિનિન, કૅસઍમિનો કૅનાવેનિન, કોલિન, ટ્રાઇગોનેલિન, બિટોનિસિન, કેનેઇન (C12H24O3N2) અને કિટોજિન(C7H7O3N)નો સમાવેશ થાય છે.
આયુર્વેદ અનુસાર ધોળો અને રાતો આબુવો જડ, શીતળ, કફકર, રસ વખતે મધુર, બલકર અને પિત્તવાયુનો નાશ કરે છે. કાળો આબુવો ગરમ, ગુરુ, બલકર, રુચિપ્રદ, શુક્રવૃદ્ધિકારક, અગ્નિમાંદ્યજનક, મલસ્તંભક, તૂરી, માદક, કફ-વાતનાશક અને પિત્ત કરે છે. તે પ્લીહોદર અને રેચમાં ઉપયોગી છે.
C. gladiata (Jacq). DC. syn. C. enisiformis Baker non DC. (હિં. બરાસેમ, લાલ કડસુંબલ; બં. મખન શીમ; મ. અબાઈ, તા. સેગાપુ થામ્બાત્તાઈ; તે યેરા તામા, ક. શેમ્બી આવરે, તુમ્બેકાઈ; અં. સ્વૉર્ડબીન.) મોટી, બહુવર્ષાયુ આરોહો અને પૂર્વમાં બધે પુષ્કળ પ્રમાણમાં વવાય છે. તે ભારતમાં વન્ય સ્થિતિમાં મળી આવતી નથી. એવું માનવામાં આવે છે કે તેનો ઉદભવ C. virosa Wight & Arn.માંથી થયો છે. આ વન્ય વેલ પશ્ચિમ આફ્રિકા અને ફિલિપાઇન્સમાં થાય છે. તે શિંગની લંબાઈ અને બીજની સંખ્યા બાબતે કેટલીક વિભિન્નતાઓ દર્શાવે છે.
તે ઘરોની અને ખેતરોમાં વાડની નજીક ઉગાડવામાં આવે છે અને દીવાલો તેમજ વૃક્ષો પર ચઢવા દેવામાં આવે છે. તેનો ઉપયોગ આવરણ-પાક (cover crop), ચારો અને શાકભાજી તરીકે થાય છે. તે ખૂબ ઝડપથી વૃદ્ધિ પામે છે અને મોટાં સફેદ કે ગુલાબી પુષ્પો અને તલવાર-આકારનાં 20 સેમી.થી 30 સેમી. લાંબાં અને 2.5 સેમી.થી 3.0 સેમી. પહોળાં શિંબી ફળો ધારણ કરે છે. ફળો C. ensiformis કરતાં વધારે વાંકાં અને વધારે ખાંચોવાળાં હોય છે. બીજ ગુલાબી રંગનાં કે કેટલીક વાર ભૂખરાં કે સફેદ હોય છે. તે ખૂબ ચપટાં હોય છે અને તેની નાભિ લગભગ બીજની લંબાઈ જેટલી હોય છે.
કાચાં લીલાં ફળ અને દાણા ભારત, મ્યાનમાર, શ્રીલંકા અને પૂર્વ એશિયાના દેશોમાં શાકભાજી તરીકે વપરાય છે. તાજા દાણામાં પાણી 88.6 %, પ્રોટીન 2.7 %, લિપિડ 0.2 %, ખનિજ-દ્રવ્ય 0.6 %, કાર્બોદિતો 6.4 અને રેસા 1.5 % હોય છે. કેરોટિન-વિટામિન ‘A’ તરીકે 40 આઈ.યુ./100 ગ્રા. હોય છે.
C. maritima (Aubl) Thou. syn. C. obtusifolia Auct.; C. rosea DC. દક્ષિણ ભારતમાં રેતીવાળા દરિયાકિનારે થાય છે અને રેતીબંધક તરીકે ઉપયોગી છે. C. virosa (Roxb.) Wight & Arn. syn. C. ensiformis Baker, var. virosa Baker & var. mollis Baker ભારતમાં કાંટાળાં જંગલોમાં બધે થતી બહુવર્ષાયુ વેલ છે. તે ટૂંકી, સીધી, 10 સેમી.થી 15 સેમી. લાંબું શિંબી ફળ ધરાવે છે. ફળમાં 46 કર્બુરિત (mottled) બદામી બીજ હોય છે. કાચી શિંગો કડવી અને ઝેરી હોય છે.
બળદેવભાઈ પટેલ