રોગનિયમન

January, 2004

રોગનિયમન :  રોગ થવાની સંભાવનાનો દર, રોગનો સમયગાળો તથા તેના ફેલાવાની શક્યતા, તેની શારીરિક અને માનસિક અસરો તથા સમાજ પર તેના આર્થિક ભારણને ઘટાડવા માટે નિરંતર ચાલતું અભિયાન. નિયમનની પ્રક્રિયામાં પ્રાથમિક તથા દ્વૈતીયીક પૂર્વનિવારણ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. મોટાભાગના રોગનિયંત્રણ (disease control)-કાર્યક્રમોમાં આ બંને બાબતોને સમાવાય છે. આ પ્રકારનાં અભિયાનોમાં તૃતીય કક્ષાના પૂર્વનિવારણને ખાસ મહત્વ અપાતું નથી. રોગનિયંત્રણ-કાર્યક્રમોમાં રોગકારક ઘટક સમાજમાં ટકી રહે છે, પણ તેની અસરકારકતા અને સમાજની સહ્યતા સરખી કક્ષામાં હોય તેવી સ્થિતિ સર્જાય છે. આધારદાતા (host), રોગકારક ઘટક અને વાતાવરણને લગતાં પરિબળો વચ્ચે આ પ્રકારનું સંતુલન સ્થાપવામાં આવે છે.

રોગનિયંત્રણથી વધુ આક્રમક અભિયાન છે રોગનિષ્કાસન(disease elimination)નું, તે રોગનિયંત્રણ અને રોગનિર્મૂલન(disease eradication)ની વચ્ચેની સ્થિતિ છે. તેમાં રોગકારક ઘટકની સંક્રામકતા(transmission)ને અટકાવવામાં આવે છે. મલેરિયાના રોગમાં રોગનિયંત્રણ અને રોગનિર્મૂલન-અભિયાનો થયેલાં છે; જ્યારે ઓરી, પોલિયો અને ડિપ્ફથેરિયામાં રોગનિષ્કાસનના કાર્યક્રમો હાથ ધરાયેલા છે. પ્રાદેશિક રોગનિર્વસન-કાર્યક્રમ રોગનિર્મૂલન-અભિયાનનો પ્રાથમિક તબક્કો બની રહે છે.

રોગનિર્મૂલન એટલે રોગને જડમૂળથી દૂર કરવો તે. તેમાં રોગસંક્રમણ(transmission)ને બધી રીતે અટકાવવા માટે મૂળ રોગકારક ઘટકોનો નાશ કરવાનું કાર્ય હાથ ધરાય છે. તે એક નિરપેક્ષ અથવા સંપૂર્ણ પ્રક્રિયા છે અને તેનાં પરિણામોને સાપેક્ષ રીતે જોવામાં આવતાં નથી. તેથી તેમાં ‘શૂન્ય-વા-સર્વ’નો નિયમ (all-or-none law) લાગુ પડે છે. હાલ શીતળાનો રોગ નાબૂદ (રોગનિર્મૂલન) થયેલો છે, તેવી રીતે પોલિયોનું રોગનિર્મૂલન કરવા માટે અખિલ ભારતીય કાર્યક્રમ હાથ ધરાયેલો છે. હવે રોગનિર્મૂલનનો અર્થ પૂરા વિશ્વમાંથી જે તે રોગ કે ચેપને સંપૂર્ણપણે નાબૂદ કરવો એવો કરાય છે. હાલ વિશ્વમાંથી ફક્ત શીતળાના રોગને નાબૂદ કરાયેલો છે. તેવી રીતે બાળલકવો (polio), ઓરી તથા ‘વાળા’ના રોગને પણ નાબૂદ કરવા માટેનાં અભિયાનો હાથ ધરી શકાય તેમ છે. તેમાંથી બાળલકવો નાબૂદ કરવાનું અભિયાન શરૂ થયેલું છે. મલેરિયા તથા યૉઝ(yaws)ના રોગનિર્મૂલન-કાર્યક્રમોની નિષ્ફળતાએ દર્શાવ્યું છે કે જ્યારે જે-તે રોગથી થતી માંદગીનું પ્રમાણ એકદમ ઘટી જાય છે ત્યારે વસ્તીમાં ‘શેષ’ ચેપ રહી જાય છે. આ થવાનું કારણ ચેપકારક સૂક્ષ્મજીવ, વાતાવરણ અને આદાતા (host) વ્યક્તિઓ વચ્ચે ઉદભવતું એક નવું સંતુલન છે. જ્યારે પણ આ સંતુલન બગડે છે ત્યારે ચેપ(રોગ)નો ફરીથી વાવર ફેલાવા માંડે છે. આ કારણોસર મલેરિયા, પોઝ, પ્લેગ, કાલા-આજાર અને પીતજ્વર (yellow fever) અંગેના રોગનિર્મૂલન-કાર્યક્રમો નિષ્ફળ ગયેલા છે.

રોગનિયમન-કાર્યક્રમોની સફળતા માટે વાતાવરણ તથા વસ્તીની સ્વાસ્થ્યકક્ષાની સતત નિરીક્ષા (monitoring) તથા રોગકારક ઘટકો અંગેની સતત મોજણી (surveillance) કરાય છે. આ ઉપરાંત કાર્યક્રમમાં વચ્ચે અને અંતે મૂલ્યાંકન-કસોટીઓ પણ કરાય છે.

શિલીન નં. શુક્લ