રૉકફેલર, નેલ્સન એ. (જ. 8 જુલાઈ 1908, બાર હાર્બર, મૅસેચૂસેટ્સ; અ. 26 જાન્યુઆરી 1979, ન્યૂયૉર્ક શહેર) : અમેરિકાના રાજકારણી, પૂર્વ ઉપપ્રમુખ, ન્યૂયૉર્કના પૂર્વ ગવર્નર, રિપબ્લિકન પક્ષના સમર્થનકાર અને કલાસંગ્રાહક. અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર જૉન ડી. રૉકફેલરના તેઓ પૌત્ર હતા. 1930માં ડાર્ટમથ કૉલેજમાંથી તેઓ સ્નાતક થયા અને ન્યૂયૉર્ક, પૅરિસ અને લંડનની બૅંકોમાં કામ કરી બૅંકિંગ વ્યવસાયની તાલીમ મેળવી. અમેરિકાનો આ રૉકફેલર પરિવાર તેની ઉદાર સખાવતો માટે પ્રસિદ્ધ હતો. આ કુટુંબ દ્વારા સ્થપાયેલા રૉકફેલર સેન્ટરના ડિરેક્ટર તરીકે તેમણે સેવાઓ આપેલી. 1940માં અમેરિકાના પ્રમુખ એફ. ડી. રૂઝવેલ્ટે તેમને ઇન્ટર-અમેરિકન અફેર્સના સંકલનકાર બનાવ્યા, તેમજ 1944–45માં ગૃહખાતાના ઉપમંત્રીનો હવાલો સોંપી સમવાય (કેન્દ્ર) સરકારમાં તેમની સેવાઓ લીધી. 1950–51માં ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટ એડવાઇઝરી બૉર્ડના તેઓ અધ્યક્ષ નિમાયા. 1954માં તેમણે ન્યૂયૉર્ક શહેરમાં મ્યુઝિયમ ઑવ્ પ્રિમિટિવ આર્ટ સ્થાપ્યું. તેઓ આ શહેરના મૉડર્ન આર્ટ મ્યુઝિયમના ટ્રસ્ટી હતા. તેમણે 1954–55માં પ્રમુખ ડી. ડી. આઇઝનહોવરના ખાસ મદદનીશ હોવા ઉપરાંત 1952થી 1958 પ્રેસિડન્ટ્સ એડવાઇઝરી કમિટી ઑન ગવર્નમેન્ટ ઑર્ગેનિઝેશનના અધ્યક્ષ રૂપે તથા વિદેશી સંબંધોના ખાસ સલાહકાર તરીકેની કામગીરી બજાવી.
1958માં તેઓ ન્યૂયૉર્કના ગવર્નર ચૂંટાયા અને ફરી ફરી ’62, ’66 અને ’70માં ચૂંટાતાં સતત ચાર મુદત માટે રિપબ્લિકન પક્ષના સભ્ય તરીકે તે રાજ્યનું ગવર્નરપદ સંભાળ્યું. આ કામગીરી દરમિયાન તેમણે રાજ્યમાં શિક્ષણ, વાહનવ્યવહાર, આવાસ, કલ્યાણ અને પર્યાવરણીય અંકુશ જેવાં ક્ષેત્રોમાં સરકારી સેવાઓ વિસ્તારી. આ કામગીરી માટે કરવેરાના દર પણ ઊંચા લઈ ગયા, છતાં સમાજસેવાનાં કાર્યો માટે તેમનું ગવર્નરપદ જાણીતું બનેલું. 1960, ’64 અને ’68માં રિપબ્લિકન ઉમેદવાર તરીકે પ્રમુખપદની ચૂંટણીમાં ઝંપલાવ્યું પણ સફળ થઈ શકેલા નહિ. 1969માં લૅટિન અમેરિકાના દેશોની મુલાકાત લીધી. 18 ડિસેમ્બર 1973ના રોજ તેમણે ગવર્નરપદેથી રાજીનામું આપ્યું હતું. 1974–1977 તેમણે ઉપપ્રમુખપદનો હોદ્દો સંભાળ્યો. તે સમયે જેરાલ્ડ ફૉર્ડ પ્રમુખ હતા. 25મા બંધારણીય સુધારાની જોગવાઈ હેઠળ તેમને ઉપપ્રમુખ નીમવામાં આવેલા. આ પદની મુદ્દત પૂરી થતાં તેમણે નિવૃત્તિ લીધી.
‘ધ ફ્યૂચર ઑવ્ ફેડરાલિઝમ’ (1988), ‘યૂનિટી, ફ્રીડમ ઍન્ડ પીસ’ (1968) અને ‘અવર એન્વાયરન્મેન્ટ કૅન બી સેવ્ડ’ (1970) તેમના જાણીતા ગ્રંથો હતા.
રક્ષા મ. વ્યાસ