રેસીડેસી (Resedaceae) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા પેરાઇટેલ્સ ગોત્રનું એક કુળ. આ કુળમાં 6 પ્રજાતિઓ અને લગભગ 70 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે પૈકી 60 જેટલી જાતિઓ પ્રથમત: ભૂમધ્યસમુદ્રીય પ્રજાતિ Resedaની છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં Reseda pruinosa, R. aucheri, oligomeris glaucescens અને ochradenus baccatus થાય છે. તેની જાતિઓ યુરોપ, ભૂમધ્ય સમુદ્રની આબોહવાવાળા પ્રદેશોમાં, ઉત્તર આફ્રિકા અને દક્ષિણ-પશ્ચિમ એશિયામાં નૈસર્ગિક રીતે ઊગે છે.
આ કુળની વનસ્પતિઓ એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય, ઉપક્ષુપીય (suffrutescent) કે ક્ષુપ (દા.ત., Ochradenus અને Randonia) સ્વરૂપે થાય છે અને પાણી જેવો રસ ધરાવે છે. પર્ણો સાદાં કે પક્ષવત્ (pinnately) છેદનવાળાં અને એકાંતરિક હોય છે. ઉપપર્ણો ઘણાં નાનાં અને ગ્રંથિમય હોય છે. પુષ્પો કલગી (raceme) કે શૂકી (spike) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પ્રત્યેક પુષ્પ અનિયમિત, દ્વિલિંગી અથવા ક્વચિત્ એકલિંગી અને એકગૃહી (monoecious), અધોજાય (hypogynous) અને નિપત્રી (bracteate) હોય છે. વજ્રપત્રો 4થી 8, કલિકા-અવસ્થામાં ધારાસ્પર્શી (valvate) અને મુક્ત હોય છે. દલપત્રોની સંખ્યા વજ્રપત્રો જેટલી અથવા બે. (દા.ત., Oligomerus કે Ochradenusમાં દલપત્રોનો અભાવ હોય છે. પશ્ર્ચ બે દલપત્રો ઘણાં મોટાં અને કેટલીક વાર વિદીર્ણત: (lacinately) ખંડિત (lobed) હોય છે. પુંકેસરો 3થી 40 જેટલાં હોય છે અને બિંબની એક બાજુએ જોવા મળે છે. પુંકેસરના તંતુઓ છૂટા કે ક્યારેક પરસ્પર જોડાયેલા હોય છે. પરાગાશયો ટૂંકા, દ્વિખંડી અને અંતર્મુખી (introse) હોય છે અને તેમનું લંબવર્તી સ્ફોટન થાય છે. સ્ત્રીકેસરચક્ર 2થી 6 મુક્ત કે યુક્ત સ્ત્રીકેસરોનું બનેલું અને ટોચ ઉપરથી ખુલ્લું હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ અને એકકોટરીય હોય છે અને ચર્મવર્તી (parietal) જરાયુઓ ઉપર અસંખ્ય અધોમુખી (anatropous) અંડકો ધરાવે છે. પરાગાસનો સૂક્ષ્મ અને સ્ત્રીકેસરોની સંખ્યા જેટલાં હોય છે પરંતુ પરાગવાહિની હોતી નથી. ફળ પ્રાવર (દા.ત., Reseda) કે અનષ્ઠિલ (દા.ત., Ochradenus) પ્રકારનું જોવા મળે છે. બીજ અસંખ્ય વૃક્કાકાર અને ભ્રૂણપોષી (endospermic) હોય છે; જેમાં ભ્રૂણવક્ર અને ભ્રૂણપોષ રસાળ હોય છે.
આ કુળ ગ્રંથિમય ઉપપર્ણો, અનિયમિત પુષ્પો, ખંડિત દલપત્રો, ખુલ્લું એકકોટરીય બીજાશય, સૂક્ષ્મ પરાગાસનો પરાગવાહિનીની ગેરહાજરી અને પ્રાવર પ્રકારના ફળ દ્વારા ઓળખી શકાય છે. અગ્લર, રેન્ડલ, બેસી અને હચિન્સનના મત પ્રમાણે જાતિવિકાસની દૃષ્ટિએ પૅરાઇટેલ્સ ગોત્રમાં આ કુળને પ્રગતિશીલ ગણવામાં આવે છે. બૅન્થામ અને હૂકર તેને વાયોલેસી કુળ સાથે સાંકળે છે. ઑર(1921)ના મતાનુસાર રેસીડેસી અને કેપ્પેરેસી બંને કુળોની જાતિઓમાં બીજને ત્રણ બીજાવરણો હોવાથી આ બંને કુળો તેમની વચ્ચે રહેલા ગાઢ સંબંધનો પુરાવો આપે છે. આર્બર(1942)ના તારણ મુજબ, સ્ત્રીકેસરચક્રની ટોચ ખુલ્લી હોવા છતાં પરાગાસનથી જરાયુઓ સુધી માર્ગ કરતી પરાગનલિકાઓ સ્ત્રીકેસરચક્ર આવૃત્તબીજધારીય (angiospermous) હોવાનો નિર્દેશ કરે છે.
Reseda luteolaમાં ગાઢા પીળા રંગનું લ્યૂટીઓલીન નામનું રંજકદ્રવ્ય આવેલું હોવાથી તેનો રેશમ કે ઊન રંગવામાં ઉપયોગ થાય છે. આ ઉપરાંત તેમાં એપીજેનિન પણ હોય છે. બીજમાં લ્યૂટીઓલીનનું પ્રમાણ વધારે હોય છે. પ્રકાંડ, પર્ણ અને ફળમાં તે અલ્પ પ્રમાણમાં હોય છે. તે મંદ વિષાળુ હોવાથી જ્ઞાનતંતુઓ ઉપર અસર કરે છે. તે મૂત્રલ ગણાય છે. ફળ અને બીજમાંથી પ્રાપ્ત થતા તેલમાં આઇસોથાયોસાઇનેટ ગ્લુકોસાઇડ હોય છે. વનસ્પતિનાં તમામ અંગો મૂત્રલ, કૃમિનાશક અને પ્રસ્વેદક ગણાય છે. ન્યૂ સાઉથ વેલ્સમાં તેનો ઉપયોગ રોગિષ્ઠ ઘેટાં-બકરાંને ઝેર આપવા થતો હતો.
R. odorataને મિગ્નોનેટ કહે છે અને ઉદ્યાનોમાં શોભન જાતિ તરીકે ઉછેરવામાં આવે છે. તેનાં પુષ્પોમાંથી મીઠી સુવાસવાળું બાષ્પશીલ તેલ કાઢવામાં આવે છે. તે ઠંડા વાતાવરણમાં જામી જઈ ઘટ્ટ બને છે અને યુજેનોલ, ફીનોલ, પૅરેફિન, ફૅટી ઍસિડ, એસેટિક ઍસિડ અને એસ્ટર ધરાવે છે. તેનો ઉપયોગ ઉચ્ચ કક્ષાનું અત્તર, સુગંધિત ટૅલ્કમ પાઉડર, સાબુ અને અગરબત્તીની બનાવટમાં થાય છે. આ તેલથી ખંજવાળ મટે છે અને ચામડી ઉપર ફોલ્લીઓ થતી નથી. મૂળનો ઉકાળો તીવ્ર રેચક ગણાય છે. તે પ્રસ્વેદક અને મૂત્રલ છે. બીજ છૂંદીને ગડ-ગૂમડ ઉપર લગાડવાથી તે જલદીથી પાકીને ફૂટી જાય છે.
જૈમિન વિ. જોશી
બળદેવભાઈ પટેલ