કેદારનાથ : ઉત્તરાખંડના મધ્ય કુમાઉં પ્રદેશના ગઢવાલ જિલ્લાના પૌડી ઘાટની વાયવ્યે 72 કિમી. અને હરદ્વારથી 230 કિમી. દૂર રુદ્ર હિમાલયના શિખર પર આવેલું શૈવ તીર્થધામ. 30° 44′ ઉ. અ. અને 76° 5′ પૂ. રે. ઉપર 3,643 મી.ની ઊંચાઈએ આવેલું છે. અહીં નજીકમાં ગંગા (અલકનંદા) વહે છે અને શંકરાચાર્યની સમાધિ છે. આ મંદિરનો અહલ્યાબાઈ હોલકરે જીર્ણોદ્ધાર કરાવ્યો છે. ભારતનાં બાર પ્રસિદ્ધ જ્યોતિર્લિંગો પૈકી તે એક છે.
દંતકથા પ્રમાણે ભીમ તથા તેના ભાઈઓ સ્પર્શ કરવા જતાં શિવજી મહિષ રૂપ ધારણ કરીને જમીનમાં લુપ્ત થઈ ગયા અને માત્ર પીઠનો જ ભાગ હાલ દેખાય છે. શિરોભાગનું નેપાળમાં પશુપતિનાથના મંદિરમાં પૂજન થાય છે. કેદારનાથનું શિવલિંગ પાડાની પીઠ જેવું દેખાતું હોવાથી આ આખ્યાયિકા પ્રચલિત થઈ હશે.
શંકરાચાર્ય પૂર્વે કેદારનાથ બૌદ્ધોનું મોટું કેન્દ્ર હતું. પણ શંકરાચાર્યે અહીં બૌદ્ધોને પરાજિત કરીને આ તીર્થનો શૈવ તીર્થ તરીકે પુનરુદ્ધાર કરેલ છે. દેવી પુરાણમાં તેના માહાત્મ્યમાં જણાવ્યું છે કે કેદારનું પાણી પીનારનો પુનર્જન્મ થતો નથી. આ લિંગ ઉપર જળનો અભિષેક થતો નથી પણ ઘીનું માર્જન થાય છે અને પૂજા બાદ છાતી સાથે સ્પર્શ કરવામાં આવે છે. પૂજારી નાંબુદ્રિ બ્રાહ્મણ હોય છે. કેદારનાથનું મંદિર અક્ષયતૃતીયાથી દિવાળી સુધી ખુલ્લું રહે છે. કેદારનાથની ગાદી છ માસ પર્યંત ઊચીમઠમાં રહે છે. શિખર અને મંડપ એક જ સમયે બંધાયેલાં છે. શિખર બ્રાહ્મી પદ્ધતિનું છે. મંદિરનું મહાદ્વાર પ્રશસ્ત છે. તેની બંને બાજુ બે દ્વારપાળની મોટી મૂર્તિઓ છે. સભામંડપની ભીંત નજીક પાંચ પાંડવો, દ્રૌપદી, કુંતી, પાર્વતી, લક્ષ્મી વગેરેની પથ્થરની મૂર્તિઓ છે. નજીકમાં આઠ કુંડો આવેલા છે. અહીંથી છ કિમી. ઉપર આવેલા ભૈરવજાપ નામના સ્થળે દેહત્યાગ કરવાથી મનુષ્યની સર્વ ઇચ્છાઓ પછીના ભવમાં પૂર્ણ થાય છે, એવી માન્યતા પ્રવર્તે છે. લોકો બદરીનાથની સાથે કેદારનાથની યાત્રા કરે છે. ઉત્તરાખંડમા વર્ષાઋતુના સમયગાળા દરમિયાન અહીં અવારનવાર ભૂસ્ખલન થતું રહે છે, અથવા વાદળ ફાટવાની ઘટના પણ બને છે. આવી જ એક ઘટના 16 જૂન 2013ના વર્ષમા થઈ હતી. આશરે સવારના 7.30 કલાકે ચોરાબારી તળાવ કે જે ગાંધી તળાવ તરીકે ઓળખાય છે. આ તળાવ મંદાકિની નદીના પાણીથી નિર્માણ પામેલુ હતું. તે એકાએક ફાટી જવાથી ખડક શિલાઓ અને કાંપ તણાઇ આવ્યા હતા. આ પૂરને કારણે કેદારનાથની વસાહતો સંપૂર્ણ નાશ પામી હતી. આશરે એક લાખ કરતા વધુ લોકોને ભૂમિદળ અને હવાઈદળના જવાનોએ બચાવ્યા હતા. આ સિવાય સામાજિક સંસ્થાએ પણ સહકાર આપ્યો હતો. કેદારનાથ મંદિરનો બચાવ એક વિશાળ શિલાને કારણે થયો હતો.
ચીનુભાઈ નાયક