રૅમ્બ્રાં, હાર્મેન્ઝૂન વાન રીન

January, 2004

રૅમ્બ્રાં, હાર્મેન્ઝૂન વાન રીન (જ. 15 જુલાઈ 1606, લીડન, નેધરલૅન્ડ્ઝ; અ. 4 ઑક્ટોબર 1669, ઍમ્સ્ટરડૅમ, નેધરલૅન્ડ્ઝ) : બરૉક શૈલીના પુરસ્કર્તા મહાન ડચ ચિત્રકાર અને છાપચિત્રકલા (મુદ્રણક્ષમકલા, printmaking)ના કસબી. પવનચક્કીઓના માલિક ધનિક પિતા હાર્મેન ગૅરિટ્ઝૂનના નવ પૈકીના તેઓ આઠમા સંતાન હતા.

1620માં રૅમ્બ્રાંએ સ્થાનિક લીડન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ સ્થાનિક ચિત્રકાર જૅકબ આઇઝેક્સ સ્વાનેન્બર્ગના શિષ્ય બનવા માટે તુરત જ યુનિવર્સિટીનો અભ્યાસ પડતો મૂક્યો. 1623માં તેમણે ઍમ્સ્ટરડૅમ જઈ ચિત્રકારો જેન પાઇન્સ અને પીટર લાસ્ટ્મૅન પાસે ચિત્રકલાનો અભ્યાસ કર્યો અને ઇટાલિયન ચિત્રકલા અંગેની પૂરી જાણકારી મેળવી. 1825માં અભ્યાસ પૂરો કરી લીડન આવી તેમણે પોતાનો સ્ટુડિયો શરૂ કર્યો અને શિષ્યોને પણ ચિત્રકલાનું શિક્ષણ આપવા માંડ્યું, તેમાંથી ગેરાર્ડ ડોઉ સૌથી વધુ જાણીતા થયા.

1631 કે 1632માં રૅમ્બ્રાં ઍમ્સ્ટરડૅમમાં સ્થિર થયા. 1635 સુધીમાં તો તેઓ ખાસા જાણીતા અને સંપત્તિની દૃષ્ટિએ એક સૌથી સફળ ચિત્રકાર બની રહ્યા. 1635માં તેમણે એક ધનિક કુટુંબની કન્યા સાસ્કિયા વાન ઉલનબર્ગ સાથે લગ્ન કર્યું. તેમની જીવનશૈલી હવે ભભકાદાર અને ઠાઠમાઠવાળી બની. રહેવા માટે તેમણે વિશાળ બંગલો ખરીદ્યો; પરંતુ લગ્ન પછી 4 બાળકો શિશુ-અવસ્થામાં જ મૃત્યુ પામ્યાં. 1642થી રૅમ્બ્રાંના જીવનની અંધારી બાજુ વધુ ઘેરી બનતી ગઈ. 1642માં પત્ની સાસ્કિયા મૃત્યુ પામી. રૅમ્બ્રાં અને સાસ્કિયાથી જન્મેલો તેનો એકમાત્ર જીવિત પુત્ર ટાઇટસ સાસ્કિયાની વિશાળ સંપત્તિના સરખે ભાગે ભાગીદાર બન્યા. રૅમ્બ્રાંને એકલતામાં સાથ આપવા માટે આ એકમાત્ર એક વરસના પુત્ર ટાઇટસનો જ સાથ રહ્યો. ત્યારબાદ તેઓ ટાઇટસની આયા ગીર્કે ડકર્સના પ્રેમમાં પડ્યા, પરંતુ 1649માં ડકર્સ ઘર છોડીને ભાગી ગઈ. 1645 પછી રૅમ્બ્રાં હેન્ડ્રિકી સ્ટૉફેલ્સના પ્રેમમાં પડ્યા અને તેઓ બંને સાથે રહેવા લાગ્યાં; પરંતુ સાસ્કિયાના વીલને કારણે તેઓ બંને કાયમ માટે કાયદેસરના લગ્ન કરી શકે તેમ ન હતાં. જો તે હૅન્ડ્રિકી સાથે લગ્ન કરે તો સાસ્કિયાએ આપેલો વારસો જતો કરવો પડે તેમ હતું અને હાલની નબળી આર્થિક સ્થિતિમાં એ વારસો જતો કરવો પોસાય તેમ ન હતું. લગ્ન વગર સાથે રહેવા બદલ સમાજ અને ચર્ચની ખફગી પણ હૅન્ડ્રિકી અને રૅમ્બ્રાંએ વહોરી લીધી. 1654માં હૅન્ડ્રિકીએ પુત્રી કોર્નેલિયાને જન્મ આપ્યો, પરંતુ રૅમ્બ્રાંની નાણાકીય હાલત વધુ કથળતી ગઈ અને 1655માં રૅમ્બ્રાંએ નાદારી નોંધાવી. આ પછી પોતે સર્જેલી તેમજ પોતે ભેગી કરેલી કલાકૃતિઓ વેચીને નાણાં મેળવવા માટે તેના પર કાયદેસર પ્રતિબંધ આવી પડ્યો, આથી 1658માં ટાઇટસ અને હૅન્ડ્રિકીએ રૅમ્બ્રાંનું કામકાજ ભાગીદારીમાં સંભાળી લઈ કલાકૃતિઓનું વેચાણ શરૂ કર્યું. 1663માં હૅન્ડ્રિકી અને 1668માં ટાઇટસ માત્ર 6 માસના લગ્નજીવન બાદ મૃત્યુ પામતાં રૅમ્બ્રાંનાં અંતિમ વર્ષો વધુ વિષાદગ્રસ્ત બન્યાં. તેમને માત્ર પુત્રી કૉર્નેલિયાનો જ સાથ રહ્યો. 1669માં ટાઇટસની મરણોત્તર પુત્રી ટિટિયાનો જન્મ થયો અને 6 માસ પછી રૅમ્બ્રાં તથા તેના 2 સપ્તાહ પછી પુત્રી કૉર્નેલિયા મૃત્યુ પામ્યાં.

હાર્મેન્ઝૂન વાન રીન રૅમ્બ્રાંનું એક આત્મચિત્ર

કાર્ય : રૅમ્બ્રાંએ આશરે 600 તૈલચિત્રો; 1,600 રેખાંકનો તથા 300 એચિંગ પદ્ધતિએ તૈયાર કરેલાં છાપચિત્રોનું સર્જન કર્યું છે.

રૅમ્બ્રાંના સર્જન પર પ્રથમ અને સૌથી વધુ અસર ઇટાલિયન બરૉક ચિત્રકાર કારાવાજિયોની છે. તીવ્ર છાયાપ્રકાશના વિરોધી અભિગમથી ચિત્રિત રૅમ્બ્રાંની ચિત્રસૃષ્ટિમાં અપૂર્વ મનોવૈજ્ઞાનિક નિરૂપણ જોવા મળે છે. શરીરના માત્ર દેખાવ કે હાવભાવ જ નહિ, પણ આંતરિક મનોમંથનો પણ રૅમ્બ્રાં કૅન્વાસ પર ચિત્રિત કરી શક્યા છે. બર્લિન મ્યુઝિયમમાં રહેલા તેમના આરંભકાલીન ચિત્ર ‘ધ મની ચેન્જર’(1627)માં ખૂણામાં બેઠેલો ચશ્માંધારી વૃદ્ધ પુરુષ એકાઉન્ટના ચોપડાઓની થપ્પીઓથી વીંટળાયેલો અને કાર્યમગ્ન બતાવ્યો છે. એના હાથ પાછળ રહેલી એકમાત્ર મીણબત્તીથી જ સમગ્ર ચિત્ર પ્રકાશિત થયેલું છે. અંધારિયા વાતાવરણમાં વૃદ્ધના ચહેરા પાછળ ચાલી રહેલી મથામણો આ ચિત્રનો વિષય છે.

એક અન્ય આરંભકાલીન ચિત્ર ‘સ્કૉલર ઇન હિઝ સ્ટડી’માં ઊંચી છતવાળા વિશાળ અભ્યાસખંડમાં પથરાયેલ સૌમ્ય પ્રકાશનો વિષય છે.

સમગ્ર કારકિર્દી દરમિયાન રૅમ્બ્રાંએ મનોવૈજ્ઞાનિક સૂક્ષ્મતાઓને નાટ્યાત્મક પરિસ્થિતિમાં ચિત્રિત કરી છે. પૅરિસના મુઝી ઝાકેમા-આન્દ્રેમાં રહેલા તેમના ચિત્ર ‘સપર ઍટ એમાઉસ’માં બાઇબલના બે યાત્રીઓને ધાબા(inn)માં અજાણ્યો માણસ ભટકાઈ જાય છે તે કથા ચિત્રિત કરી છે. એક જ ટેબલ પર તે ત્રણેય જમવા બેઠા છે. બ્રેડનું પહેલું બટકું તોડતાં જ બંને યાત્રીઓ અજાણ્યા સહભોજીને ઈસુ તરીકે ઓળખી કાઢે છે. રૅમ્બ્રાંએ પીઠ પાછળથી આવતા જોરદાર પ્રકાશમાં ઈસુની આકૃતિ કાળી ધબ્બ (silhouetted) આલેખી છે. બે યાત્રીઓમાંથી એક અહોભાવ અને આશ્ચર્યથી સંકોડાઈ ગયેલો અને બીજો ભોંય પર ગબડી પડેલો આલેખાયો છે. પ્રકાશ-છાયાની રમત શારીરિક મુદ્રાઓ અને યાત્રીઓ તથા ઈસુના ચહેરાના ભાવો દ્વારા સમગ્ર ચિત્રની નાટ્યાત્મક ચોટ રચાય છે.

ઍમ્સ્ટરડૅમમાં સ્થિર થયા પછી 1632માં રૅમ્બ્રાંની પ્રથમ ઉત્તમ કૃતિ રચાઈ : ‘ઍનટમી લેસન ઑવ્ ડૉ. ટુલ્પ’. નામાંકિત સર્જન ડૉ. ટુલ્પ અને અન્ય ડૉક્ટરોના સત્તાવાર સમૂહ-વ્યક્તિચિત્રણમાં રૅમ્બ્રાંએ જૂની પ્રણાલીનો ભંગ કરી નવી પ્રણાલીનો પ્રારંભ કર્યો છે. આ ચિત્રમાં જૂની પ્રણાલીની જેમ બધી વ્યક્તિઓને કૃત્રિમ સ્મિત પહેરાવી હારબંધ અક્કડ રીતે બેસાડવાને કે ઊભા રાખવાને બદલે રૅમ્બ્રાંએ ડૉ. ટુલ્પને

રૅમ્બ્રાંનું એક ચિત્ર : ‘ધ પોલિશ રાઇડર’

શબ-છેદનનું પ્રત્યક્ષ નિદર્શન કરતા બતાવ્યા છે અને અન્ય ડૉક્ટરોને કુતૂહલપૂર્વક ડોકાં લંબાવી તેનું નિરીક્ષણ કરતા બતાવ્યા છે. ચિત્રમાં ડૉક્ટરો ઉપરાંત શબ પર પણ ધ્યાન કેન્દ્રિત થાય છે. આ બધાં કારણોને લીધે આ સમૂહ-વ્યક્તિચિત્ર કૃત્રિમ અને સ્થિતિચુસ્ત બનવાને બદલે જીવંત બની શક્યું છે. આરંભકાળથી જ રૅમ્બ્રાંને આત્મચિત્રણનું ઘેલું લાગ્યું હતું. કિશોરાવસ્થાથી તે છેક વૃદ્ધાવસ્થા સુધી રૅમ્બ્રાંએ પોતાના અનેક મનોભાવોનું ચિત્રણ કર્યું છે અને તેથી જ આ ચિત્ર-શ્રેણી એક આત્મકથારૂપ બની રહી છે. આરંભકાળના એક આત્મચિત્રમાં રૅમ્બ્રાંએ પોતાને પોતાની પત્ની સાસ્કિયા સાથે આનંદની ચરમસીમામાં મહાલતો ચીતર્યો છે. મોંઘાંદાટ વસ્ત્રોમાં બંને સજ્જ છે અને રૅમ્બ્રાં પોતે આનંદના ઉન્માદમાં આવીને શરાબનો પ્યાલો ઊંચો કરતો નજરે પડે છે.

ઉત્તરકાળના સ્વવ્યક્તિચિત્રોમાં તેમણે પોતાને રાજા તરીકે તેમજ ભિખારી તરીકે તેમ જ ગાંડા તરીકે પણ ચીતર્યાં છે. મધ્ય તબક્કાની રૅમ્બ્રાંની ઉત્તમ કૃતિ છે 1642માં ચિત્રિત ‘નાઇટ વૉચ’ નામે ખ્યાતિ પામેલું ચિત્ર ‘પરૅડ ઑવ્ ધ સિવિક ગાર્ડ અન્ડર કૅપ્ટન ફ્રાન્ઝ બેનિન્ગ કૉક’. મૂળે દિવસનો પ્રકાશ ચિત્રિત કરતું આ ચિત્ર કાળક્રમે એટલું તો કાળું અને ધૂંધળું પડી ગયું કે તે ‘નાઇટ વૉચ’ નામે જાણીતું બન્યું ! ‘ઍનટમી લેસન ઑવ્ ડૉ. ટુલ્પ’ની જેમ આ ચિત્ર પણ 29 વ્યક્તિઓનું સમૂહચિત્રણ છે. દરેક વ્યક્તિ વિશિષ્ટ મનોભાવો અને અંગભંગિઓ ધરાવે છે. પ્રવેશદ્વારમાંથી બહાર નીકળતી 29 વ્યક્તિઓની ચાલવાની પ્રક્રિયા તો ગતિમાન લાગે જ છે, પણ તેમનાં ચહેરા અને શરીર પર પડતો છૂટોછવાયો પ્રકાશ રમ્ય સંતાકૂકડી રચે છે. આ લશ્કરી પુરુષોની કવાયતમાં સફેદ વસ્ત્રધારિણી અને કેડે સફેદ મૃત મરઘીને લટકાવીને ફરતી આઠેક વરસની રૂપકડી બાળા પર રૅમ્બ્રાંએ સૌથી વધુ પ્રકાશ ફેંકી આ ચિત્રમાં રંગ, લિંગ, ઉંમર અને વ્યવસાયની એક રસપ્રદ સહોપસ્થિતિ સર્જી છે.

રૅમ્બ્રાં છાપચિત્રોની એચિંગ શાખાના પણ મહારથી હતા. મનોવૈજ્ઞાનિક નિરૂપણમાં તૈલચિત્ર ક્ષેત્રે જોવા મળતું તેમનું નૈપુણ્ય એચિંગમાં પણ જોવા મળે છે.

રૅમ્બ્રાંને અજાયબીભરી ચિત્રવિચિત્ર ચીજવસ્તુઓ એકઠી કરવાનો નાદ યુવાવસ્થાથી જ લાગ્યો હતો. તેમાં પ્રાચીન પૂતળાં, પૌરસ્ત્ય પોશાક, જાતજાતની પાઘડીઓ અને મુકુટો, વાસણો ઇત્યાદિ વસ્તુઓનો સમાવેશ થતો હતો. પ્રાચીન પોશાકનો તેઓ પોતાનાં ઐતિહાસિક અને પૌરાણિક ચિત્રોમાંનાં માનવપાત્રોના આલેખનમાં લાભ લેતા હતા. તેમણે મુઘલ લઘુચિત્રો પણ એકઠાં કરેલાં અને તેમાંનાં કેટલાંકની મોટા કદની અનુકૃતિઓ પણ તૈયાર કરેલી.

જીવનના ઉત્તરકાળમાં પોતાની કૃતિઓમાં રહેલા પીંછીના શિથિલ લસરકાઓની અને માનવ-ચહેરા પાછળ રહેલા એના મનનાં સંચલનોના નિરૂપણની તેમના સમકાલીનો કદર કરી શક્યા લાગતા નથી અને તેથી જ તેઓ અવગણના કે અવહેલનાની ઊંડી ગર્તામાં ફેંકાઈ ગયા, તેમ આજે માનવામાં આવે છે. ઍમ્સ્ટરડૅમના ટાઉનહૉલમાં મૂકવા માટે રૅમ્બ્રાંએ સર્જેલા ચિત્રને રૅમ્બ્રાંની દુન્યવી નિષ્ફળતાનું પ્રતીક માનવામાં આવે છે. રોમન ઇતિહાસકાર ટૅસિકટસે નોંધેલ બેટેવિયનોના શપથવિધિને આલેખતું આ વિરાટકાય ચિત્ર ઍમ્સ્ટરડૅમના ટાઉનહૉલમાં પ્રદર્શિત કરાયું ખરું, પણ તુરત જ તેને ઉતારી લેવામાં આવ્યું અને તેના નાના નાના ટુકડા કરી નાંખવામાં આવ્યા. તેમાંથી બચેલા ટુકડા આજે સ્ટૉકહોમ એકૅડેમીમાં પ્રદર્શિત કરેલા છે. આ ટુકડાઓને ભેગા કરીને મૂળ ચિત્રને સમગ્રરૂપે જોવાનો પ્રયત્ન કરતાં એવું લાગે છે કે મહા કદનું મૂળ ચિત્ર રૅમ્બ્રાંની કેટલીક ઉત્તમ કૃતિઓમાં સ્થાન પામી શકે.

અઢારમી સદીમાં વીસરાઈ ગયેલા રૅમ્બ્રાંની પુનર્શોધ છેક ઓગણીસમી સદીના અંતમાં થઈ અને તેમને ટોચના ચિત્રકારોમાં કાયમી સ્થાન મળ્યું. પોતે ચીતરેલાં વ્યક્તિચિત્રોનાં મૉડેલો તેમજ બાઇબલ અને પુરાકથાઓનાં પાત્રો તરફની રેમ્બ્રાંની સહાનુભૂતિ ઈસુની સમગ્ર માનવજાત પ્રત્યેની સહાનુભૂતિ જેવી જોવા મળે છે. તેથી જ આજે રૅમ્બ્રાંની તુલના શેકસ્પિયર સાથે કરવામાં આવે છે.

અમિતાભ મડિયા