કેટૉનિયેલ્સ શ્રેણી : અનાવૃત બીજધારી વનસ્પતિઓના ટેરિડોસ્પર્મૉપ્સિડા વર્ગનું એક અશ્મીભૂત ગોત્ર. ઇંગ્લૅંડમાં મહાસરટ’ (Jurassic) ભૂસ્તરીય ખડકોમાંથી સૌપ્રથમ વાર થૉમસે (1921) આ ગોત્રની માહિતી આપી. તે ઉપરિ રક્તાશ્મ(upper Triassic)થી ઉપરિ ખટીયુગ (upper Cretaseous) ભૂસ્તરીય યુગમાં વિપુલ પ્રમાણમાં મળી આવે છે. બીજની દેખીતી બંધ પ્રકૃતિને લીધે તેની શરૂઆતમાં ‘આવૃત બીજધારી’ તરીકેની ઓળખ આપવામાં આવી હતી, પરંતુ હવે તેને ટેરિડોસ્પર્મોપ્સિડામાં મૂકવામાં આવે છે.
ફળધારી પ્રરોહોને Caytonia (Gristhorpia સહિત), લઘુબીજાણુવર્ણોને Caytonanthus (Antholithus સહિત) અને પર્ણોને Sagenopteris પ્રજાતિ હેઠળ મૂકવામાં આવે છે.
Sageropteris પાતળો પર્ણદંડ અને 3થી 6 ભાલાકાર, 2 સેમી.થી 6 સેમી. લાંબી પર્ણિકાઓ ધરાવતું પંજાકાર સંયુક્ત પર્ણ ધરાવે છે. તેનો શિરાવિન્યાસ જાલાકાર હોય છે.
લઘુબીજાણુપર્ણ (Caytonanthus) પિચ્છાકારે શાખિત હોય છે. તેની અંતિમ શાખાઓ સંબીજાણુધાનીઓ (synangia) ધરાવે છે. પ્રત્યેક સંબીજાણુધાની ચાર બીજાણુધાનીઓ કે પરાગધાનીઓની બનેલી હોય છે.
મહાબીજાણુપર્ણ કે ફલયુક્ત દંડ (caytonia) લગભગ 5 સેમી. લાંબી ચપટી રચના છે, જે તેની બે ધાર પર બે હરોળમાં ગોઠવાયેલાં ટૂંકા દંડવાળાં પાર્શ્વીય ફળ ધરાવે છે. પ્રત્યેક ફળ કે પ્યાલો (cupule) ગોળાકાર દેહ ધરાવે છે. તે નીચેની તરફ બીજદંડ પાસે મુખ કે ફાટ ધરાવે છે. અંદરની વાંકી બાજુ તરફ 7-8 ઊર્ધ્વમુખી (ortho tropous) બીજ હરોળમાં ગોઠવાયેલાં હોય છે. પ્રત્યેક બીજને ટૂંકું બીજછિદ્ર (micropyle) હોય છે, જે નીચે મુખ તરફ લંબાયેલાં હોય છે. કેટલાક કિસ્સાઓમાં બીજ અને તે જેમાં ઉત્પન્ન થયાં હોય તે દીવાલ માંસલ હોય છે; પરંતુ પરાગરજ બીજછિદ્રમાં જોવા મળે છે. પરાગરજ પ્યાલાના મુખ પાસે જોવા મળતી નથી; તેથી એવું ધારવામાં આવે છે કે પરાગનયન દરમિયાન પ્યાલાનું મુખ ખુલ્લું રહે છે અને મહાબીજાણુધાનીઓ ધરાવતા અક્ષના વળાંકને લીધે ફળ બને છે. તેથી તે વાસ્તવિક આવૃતબીજધારી નથી કહેવાતું. બંધ સ્ત્રીકેસર મોટાભાગના ટેરિડોસ્પર્મમાં જોવા મળતી પ્યાલાની રચના છે. બીજ માત્ર પરાગિત અંડક સ્વરૂપે જોવા મળ્યાં છે. તેમાં ગર્ભવિકાસ જાણવા મળ્યો નથી. અંડક પ્રદેહથી સંપૂર્ણ મુક્ત એક અંડાવરણ ધરાવે છે. કેટૉનિયેલ્સમાં પરાગનયન અને ફલન ટેરિડોટિકાડામાં હોય છે તે રીતે જોવા મળે છે.
આકૃતિ : કૅટોનિયા : (અ) Sagenopteris પર્ણ, (આ) Caytonia sewardi (Caytonanthus), (ઇ) Caytonanthusની વિચ્છેદિત લઘુબીજાણુધાની, (ઈ) Caytonia nathorstiનું મહાબીજાણુપર્ણ, (ઉ) C. Sewardi અને C. thomasiના પ્યાલાનો ઊભો છેદ
Caytoniaમાં જોવા મળતી ફળ-જેવી રચના આવૃતબીજધારીય સ્ત્રીકેસરના ઉદવિકાસ તરફનું સોપાન ગણાવી શકાય. કેટલાક અશ્મી વિજ્ઞાનીઓ ટેરિડોસ્પર્મને આવૃતબીજધારીઓના સંભવિત પૂર્વજ માને છે. કૅટૉનિયેલ્સ અનાવૃતબીજધારીઓના પૂર્વજની નજીકનું ગોત્ર હોવું જોઈએ. આવૃતબીજધારીનાં આદિ કુળોનાં બ્યુટોમોપ્સિસ અને લિમ્નોફાયટોન પ્રજાતિમાં આ લક્ષણ નોંધાયેલું છે. જોકે Caytoniaનું મહાબીજાણુપર્ણ પિચ્છાકાર હોવાથી તેનો આવૃતબીજધારી સાથેનો સંબંધ રહેતો નથી. આ ગોત્રનો ઉદવિકાસ તેનાથી અટકી જાય છે.
સરોજા કોલાપ્પન
બળદેવભાઈ પટેલ