રેમાક, રૉબર્ટ (જ. 26 જુલાઈ 1815, પોસેન; અ. 29 ઑગસ્ટ 1865, કિસિન્જેન) : જર્મન ગર્ભવિજ્ઞાની (embryologist) અને ચેતાશાસ્ત્રજ્ઞ (neurologist). રેમાક ખ્યાતનામ દેહધર્મવિજ્ઞાની જોહૅન મ્યુલરના વિદ્યાર્થી. રેમાકે ઈ. સ. 1835માં બર્લિન વિશ્વવિદ્યાલયમાંથી M.D.ની ઉપાધિ પ્રાપ્ત કરી, પરંતુ તેઓ યહૂદી હોવાને કારણે આ વિદ્યાલયમાં તેમને નોકરી આપવાની ના પાડવામાં આવી. આમ છતાં તેઓ ઉદરનિર્વાહ માટે ખાનગી ચિકિત્સક તરીકે વ્યવસાય કરીને, વેતન વિના મ્યુલરના સહાયક તરીકે બર્લિન વિશ્વવિદ્યાલયમાં સંશોધનકાર્યમાં રોકાયા. ત્યારબાદ, એટલે કે ઈ. સ. 1843માં રેમાક ચેરાઇટ હૉસ્પિટલમાં જૉર્ડન લુક્સ શોન્લિનની પ્રયોગશાળામાં જોડાયા અને ત્યાં ચેતાપેશી પરનું સંશોધન ચાલુ રાખ્યું, પરિધીય (peripheral) ચેતાનો ચેતાક્ષ (axon) મજ્જાદંડમાં આવેલ ચેતાકોષના ભાગરૂપે આવેલો છે અને તે છેક ચેતાના અંત્ય છેડા સુધી લંબાયેલો છે તેમ બતાવ્યું. જૂની માન્યતા મુજબ ચેતાઓ પોલી નથી હોતી, પરંતુ નક્કર હોય છે તેની સાબિતી આપી. નવા કોષો જૂના કોષોના વિભાજનથી નિર્માણ થતા હોય છે તેમ પણ જણાવ્યું. તદુપરાંત ઈ. સ. 1842માં ગર્ભવિકાસ દરમિયાન શરૂઆતમાં ત્રણ ગર્ભીય સ્તરો નિર્માણ થાય છે, તેનું નિરીક્ષણ કરી, આ સ્તરોનું બાહ્યગર્ભસ્તર (ectoderm), મધ્યગર્ભસ્તર (mesoderm) અને અંત:ગર્ભસ્તર (endoderm) એવું નામાભિધાન કર્યું.
સંશોધન-ક્ષેત્રે હાંસલ કરેલ સિદ્ધિને લીધે યહૂદી હોવા છતાં બર્લિન વિશ્વવિદ્યાલયમાં અધ્યાપક તરીકે તેઓ નિમાયા અને ઈ. સ. 1859માં સહાયક પ્રાધ્યાપક તરીકે તેમની બઢતી કરવામાં આવી. આમ બર્લિન વિશ્વવિદ્યાલયના તેઓ પ્રથમ યહૂદી અધ્યાપક હતા.
મ. શિ. દૂબળે