કૅક્ટસ : દ્વિદળીના કુળ કૅક્ટેસીની થોર જેવી વનસ્પતિઓ.
ગુજરાતમાં કૅક્ટસની ફક્ત એક જ દેશી જાત મળે છે તે ફાફડો
થોર (લૅ. Opuntia elatior Mill). ખેતરોમાં તેની વાડ અભેદ્ય ગણાય છે. તેનાં ફૂલ-ફળ ડિસેમ્બરથી મે માસ સુધી રહે છે. પીળાંથી અંતે રાતાં-ભૂરાં એકાકી પુષ્પો સાંધાવાળા પ્રકાંડની ધાર પર બેસે છે. તેનું રસાળ ફળ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. તેનાં સાદાં પર્ણો તરત જ ખરી પડતાં નાજુક કાંટાળાં ઉપપર્ણોથી હાથિયા જેવું પ્રકાંડ છવાઈ જાય છે.
કૅક્ટસની જુદા જુદા આકારની અને જુદી જુદી વિચિત્રતાઓવાળી શોભાયમાન અને આકર્ષક જાતો કૂંડામાં કે ક્યારામાં સોહામણી લાગે છે. તેનો દુશ્મન પાણી છે. મૂળમાં અથવા મૂળની આસપાસ પાણી ભરાતાં તે સડવા લાગે છે. રેતાળ જમીન અને ઓછું પાણી તેને વધારે પસંદ પડે.
લાંબી પાઇપ જેવી, ગોળ દડા જેવી, કમળની ચપટી પાંખડીઓની જેમ ગોઠવાયેલી, ગોળ, તૂરિયાની માફક બે કે વધારે ધારવાળી, લંબગોળ વગેરે અનેક આકારોમાં કૅક્ટસ થાય છે. તેમાં ખાસ કરીને પ્રજાતિ Mammilaria અને Cereus, Echinocactus, Epiphyllum ગોળ દડા જેવી કાંટાવાળી હોય છે; તેને ઉનાળામાં મોટાં પુષ્પો આવે છે. લાંબો પણ ઉપરથી થોડો વળેલો, આખા છોડ ઉપર સફેદ ધારદાર કાંટાવાળો વળી ગયેલ વૃદ્ધ જેવો થોર (Hymenia), કાંટા વિનાનો ફાફડો થોર (Consolea), ગોળ દડા જેવો પણ ટોચ ઉપર ખાડો ધરાવતો અને ફક્ત એ ખાડા પૂરતું જ કાંટા ધરાવતો થોર (Maynea) છે. પેશીય સંસ્કરણ(tissue culture)માં કૅક્ટસના કોષો ઘણા જ પોચા અને સહેલાઈથી ઘાટ કે આકાર આપી શકાય તેવા સુઘટ્ય (plastic) પુરવાર થયા છે. એક જાતનું બીજી જાત ઉપર કલમરૂપે સફળતાપૂર્વક આરોપણ (grafting) થાય છે. ઘરઆંગણે તેની ટેકરી સુંદર લાગે છે. કૅક્ટસ શોખીનોનું અમદાવાદમાં ‘કૅક્ટસ સોસાયટી’ નામે મંડળ પણ ચાલે છે. તેમણે તેની 200 જેટલી જાતો વિકસાવી છે.
કૅક્ટસને વાડથોર સાથે કાંઈ જ સંબંધ નથી. ગિધારો, ભુંગરો, ખરસાણી, લાલપત્તા, એકલકંટો વગેરે થોરની જાતો કુળ યુફોરબિયેસીની છે તે કૅક્ટસમાં ગણાઈ જાય છે.
ઘણી જાતિઓનાં ફળ ખાદ્ય હોય છે. ફાફડા થોરનાં ફળ કાંટા કાઢી નાખીને ખાઈ શકાય. ફાફડા થોર પર ક્યારેક ડૅક્ટિલોપિયસ કૉકસ નામનાં જીવડાં ઉછેરવામાં આવે છે, જેમાંથી લાલ રંગ મળે છે. પેરેસકિયાનું લાકડું ઉપયોગી છે. લોફોફોરા જેવી પ્રજાતિઓમાં વિવિધ આલ્કેલૉઇડ મળે છે, જેનો મેક્સિકોના આદિવાસીઓ ઔષધ તથા ધાર્મિક વિધિઓમાં ઉપયોગ કરે છે.
મીનુ પરબિયા
દીનાઝ પરબિયા