રેનોલ્ડ, લુઈ (જ. 21 મે 1843, ઑટન, ફ્રાન્સ; અ. 8 ફેબ્રુઆરી 1918, બાર્બિઝિયૉન, ફ્રાન્સ) : ફ્રાન્સના પ્રખર ધારાશાસ્ત્રી અને 1907ના વર્ષ માટેના નોબેલ શાંતિ પુરસ્કારના સહવિજેતા. સમગ્ર શિક્ષણ પૅરિસમાં. 1868–73 દરમિયાન ડિજૉન યુનિવર્સિટીમાં રોમન અને વ્યાપાર-વિષયક કાયદાના અધ્યાપક તરીકે કામગીરી કર્યા બાદ 1881માં ત્યાં આંતરરાષ્ટ્રીય કાયદાના પ્રોફેસર તરીકે બઢતી મેળવી.

લુઈ રેનોલ્ડ

1882–89 દરમિયાન પૅરિસ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય કાયદાના પ્રોફેસર અને 1890થી  વિદેશ મંત્રાલયના સલાહકાર રહ્યા. આ પદ ખાસ તેમના માટે ઊભું કરવામાં આવ્યું હતું. ફ્રાન્સની સરકારે તે ગાળામાં કાયદાને લગતી જેટલી આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભાગ લીધો હતો તે બધી જ પરિષદોમાં રેનોલ્ડ લુઈએ પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરેલું. જેમાં હેગ ખાતે 1899 અને 1907ની પરિષદો તથા 1908–09 દરમિયાન લંડનમાં આયોજિત નૌકાદળને લગતી પરિષદનો સમાવેશ થાય છે. હેગ ખાતે 1905માં આયોજિત ખાનગી આંતરરાષ્ટ્રીય કાયદા(private international law)ની પરિષદને મળેલી નક્કર સફળતામાં રેનોલ્ડ લુઈનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો. 1906માં રેડ ક્રૉસના નિયમો(conventions)માં જે મહત્વના સુધારા-વધારા કરવામાં આવ્યા હતા તેની પાછળ પણ તેમના પ્રયત્નો કારણભૂત રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય વિવાદોના નિરાકરણની બાબતમાં રેનોલ્ડ લુઈ લવાદીના પ્રખર પુરસ્કર્તા હતા. ઘણા વિવાદોના નિરાકરણમાં તેઓ પોતે લવાદ તરીકે રહ્યા હતા. ભારતના સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરના, ફ્રાન્સમાં રાજકીય આશ્રય મેળવવા અંગેના કેસમાં પણ ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ આ બંને દેશોની સરકારોએ રેનોલ્ડ લુઈને ન્યાયપંચના અધ્યક્ષ તરીકે પસંદ કર્યા હતા, જે ઉપરથી તેમના તાટસ્થ્યનો પરિચય થાય છે. તે ઉપરાંત 1905નો જાપાનના મકાન વેરા અંગેનો વિવાદ, 1909નો કૅસા બ્લૅન્કા અંગેનો વિવાદ, 1913નો કાર્થેજ વિવાદ અને માનોબા (Manouba) વિવાદ દરમિયાન લવાદ તરીકે તેમણે કરેલ લવાદીનો પણ સમાવેશ થાય છે.

1907ના નોબેલ શાંતિ પુરસ્કારના તેમના સહવિજેતા હતા ઇટાલીના શાંતિવાદી અર્નેસ્ટો મૉનેટા (1833–1918).

આંતરરાષ્ટ્રીય કાયદા વિશેનાં તેમનાં ઘણાં લખાણો પ્રશંસાને પાત્ર બન્યાં હતાં. તે ઉપરાંત વ્યાપાર અને વાણિજ્યને લગતા કાયદાઓના સહલેખક તરીકે પણ તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે