રેની, ગુઇડો (જ. 4 નવેમ્બર 1575, બોલોન્યા, ઇટાલી; અ. 18 ઑગસ્ટ 1642, બોલોન્યા, ઇટાલી) : બરોક શૈલીના ઇટાલિયન ચિત્રકાર. પુરાકથાઓ અને ધાર્મિક વિષયોનાં ચિત્રો ચીતરવા માટે તે જાણીતા બનેલા.

પ્રારંભે ફ્લેમિશ ચિત્રકાર ડેનિસ કાલ્વાઇર્ટ પાસે તાલીમ મેળવી, પછી બોલોન્યાના ચિત્રકાર કારાચીથી તે પ્રભાવિત થયા. 1600માં તેમણે રોમમાં સ્ટુડિયો શરૂ કર્યો અને મદદકર્તા તરીકે જિયોવાની લેન્ફ્રેન્ચો, ફ્રાન્ચેસ્કો એલ્બાની અને એન્તોનિયોની કારાચી મળ્યા. મૃદુ રંગો વડે કોમળ વાતાવરણ ઊભું કરવાની શક્તિને કારણે તેમનાં ચિત્રોની તુલના રફાયેલ સાથે થઈ છે. મોન્ટે કેવેલોના ચેપલમાં તેમણે ચીતરેલાં વર્જિનનાં ભીંતચિત્રો  તેમજ બોલોન્યાના પેલાત્ઝો ચેસ્પિલ્યોસી મહેલમાં ચીતરેલ ભીંતચિત્ર ‘ફોબસ ઍન્ડ ધી અવર્સ, ‘પ્રિસીડેડ બાય ઑરૉરા’ તેમની શ્રેષ્ઠ ચિત્રકૃતિઓ ગણાય છે.

અમિતાભ મડિયા