કૃષ્ણરાવ અરકલગુડુ નરસિંહરાવ (જ. 9 મે 1908, કોલાર, જિ. બૅંગલોર, કર્ણાટક; અ. 8 જુલાઈ 1971, બેંગાલુરુ, કર્ણાટક) : કન્નડ સાહિત્યના ‘નવલકથા સમ્રાટ’. કર્ણાટક રાજ્યના હસન જિલ્લાનું અરકલગુડુ ગામ તેમના પૂર્વજોનું વતન હતું. પિતાનું નામ નરસિંહરાવ તથા માતાનું નામ અન્નપૂર્ણમ્મા. સાહિત્યમાં અ. ન. કૃ. નામથી તે જાણીતા હતા.
બાલ્યકાળથી જ કૃષ્ણરાવે સાહિત્યપ્રેમ તથા દેશપ્રેમના સંસ્કારો ઝીલ્યા. સાહિત્યક્ષેત્રમાં તેમનો પ્રવેશ નાટકના માધ્યમથી થયો. ‘મદુવેત્રો મનેહાળુ’ (એટલે કે વિવાદના ઘરનો નાશ) નામનું નાટક તેમણે સોળ વર્ષની ઉંમરે લખ્યું.
તેમની પ્રતિભા બહુમુખી હતી. નાટક, સંગીત, નૃત્ય, ચિત્ર, શિલ્પ ઇત્યાદિ અનેક કલાઓના તેઓ સમર્થ વિવેચક હતા.
તેમણે કુલ 190 ગ્રંથો આપ્યા છે. ‘કથાંજલિ’, ‘રંગભૂમિ’, ‘કન્નડનુડિ’, ‘પરિષત્ પત્રિકે’ વગેરે પત્રિકાઓના તે સંપાદક હતા. તેમની પ્રથમ નવલકથા ‘જીવન યાત્રે’ 1934માં પ્રકટ થઈ. ત્યારપછીના ગાળામાં તેમણે 150થી પણ વધારે નવલકથાઓ લખી છે, જે પૈકી 15 સામાજિક વિષયોના વ્યાપક ફલકની છણાવટ કરે છે. તેમાં ‘સંધ્યારાગ’, ‘નટ સાર્વભૌમ’, ‘મંગલસૂત્ર’, ‘અમર અગસ્ટ’, ‘મુચ્ચિગે મુચ્ચિ’, ‘હલિયુગુસ’ વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત ‘કિડિમિત્રુ’ જેવા આઠ વાર્તાસંગ્રહો, ‘સ્વર્ણમૂર્તિ’, ‘હિરણ્યકશિપુ’, ‘રજપૂત લક્ષ્મી’ જેવાં નાટકો; ‘ભારતીય કલાદર્શન’, ‘ભારતીય સંસ્કૃતિદર્શન’, ‘વીરશેત સાહિત્ય મત્તુ સંસ્કૃતિ’, ‘નરાવણ્ણનવર અમૃતવાણી’ જેવા ચિન્તન-વિવેચનના ઇતર ગ્રંથો પણ તેમણે લખ્યા છે.
1960માં અખિલ ભારતીય કન્નડ સાહિત્ય સંમેલનના તે અધ્યક્ષ હતા. 1969માં તેમને કર્ણાટક સાહિત્ય અકાદમી તરફથી પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. 1970માં મૈસૂર વિશ્વવિદ્યાલયે તેમનું ડૉક્ટર ઑવ્ લેટર્સની પદવીથી સન્માન કર્યું. 1971માં ‘રસચિન્તન’ નામનો ગૌરવગ્રંથ તેમને અર્પણ કરવામાં આવ્યો. તે કર્ણાટક સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યા હતા.
જે સમયમાં કન્નડમાં વિદ્યાવ્યાસંગ તથા લેખન તિરસ્કૃત ગણાતું તે ગાળામાં અ.ન.કૃ.એ સાહિત્યસર્જનની પ્રવૃત્તિ આરંભી હતી. પોતાની આકર્ષક શૈલી દ્વારા તેમણે વાચકોનો એક મોટો સમૂહ ઊભો કર્યો હતો.
એચ. એસ. પાર્વતી