રેડફર્ડ, રૉબર્ટ

January, 2004

રેડફર્ડ, રૉબર્ટ (જ. 18 ઑગસ્ટ 1937, સાન્ટા મૉનિકા, કૅલિફૉર્નિયા) : અભિનેતા-નિર્માતા-દિગ્દર્શક. મૂળ નામ : ચાર્લ્સ રૉબર્ટ રેડફર્ડ જુનિયર. તેમના પિતા હિસાબનીસ હતા. રૉબર્ટ રેડફર્ડ અભિનેતા બન્યા એ પહેલાં બેઝબૉલના ખેલાડી હતા. એને કારણે જ તેમને શિષ્યવૃત્તિ મળતાં તેઓ કૉલોરાડો યુનિવર્સિટીમાં જોડાયા હતા, પણ 1957માં યુનિવર્સિટી છોડી દીધી. તેમનો ઇરાદો ચિત્રકાર થવાનો હતો. એ માટે તેમણે આખા યુરોપનો પ્રવાસ પણ કર્યો. અમેરિકા પરત આવીને તેઓ બ્રુકલિનના પેટ્સ આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કળાના વિદ્યાર્થી તરીકે જોડાયા અને અભિનયમાં રસ પડતાં તેની પણ તાલીમ શરૂ કરી. 1959માં

રૉબર્ટ રેડફર્ડ

બ્રૉડવેના એક નાટક ‘ટૉલ સ્ટૉરી’માં એક નાની ભૂમિકા ભજવીને અભિનય-યાત્રાનો પ્રારંભ કર્યો. 1963 સુધીમાં તેમને નાટકોમાં મહત્વની ભૂમિકાઓ મળવા માંડી હતી. દરમિયાનમાં તેઓ ટીવી કાર્યક્રમોમાં પણ અભિનય કરવા માંડ્યા હતા, જેમાં ‘પ્લેહાઉસ 90’, ‘ટ્વાઇલાઇટ ઝોન’ અને ‘આલ્ફ્રેડ હિચકૉક પ્રેઝન્ટ્સ’નો સમાવેશ થાય છે. 1962માં તેમણે ચલચિત્રોમાં પ્રવેશ કર્યો. પ્રારંભે ચિત્રોમાં સોહામણા નાયકોની ભૂમિકાઓ તેમણે ભજવી. પહેલી વાર પૉલ ન્યૂમૅન સાથે ‘બુચ કેસિડી ઍૅન્ડ ધ સન્ડેન્સ કિડ’ (1969) ચિત્રમાં તેમને વ્યાવસાયિક રીતે સફળતા મળી. એ પછી બંને અભિનેતાઓની જોડી જામી ગઈ અને તેમણે ‘ધ સ્ટિંગ’(1973)માં પણ કામ કર્યું. આ ચિત્ર પણ વ્યાવસાયિક સફળતા પામ્યું. રૉબર્ટ રેડફર્ડને ઑસ્કર માટે નામાંકન પણ મળ્યું. એ પછી ‘ડાઉનહિલ રેસર’, ‘ધ કૅન્ડિડેટ’, ‘જેરેમિયા જૉનસન’ અને ‘ધ વે વી વેર’ ચિત્રો ખૂબ સફળ થતાં રેડફર્ડ હૉલિવુડના અગ્રણી પંક્તિના અભિનેતા બની ગયા. તેમણે પોતાની નિર્માણ કંપની ‘વાઇલ્ડવુડ એન્ટરપ્રાઇઝ’ની સ્થાપના કરી. આ સંસ્થાના નેજા હેઠળ અમેરિકન પ્રમુખ નિક્સનના બહુચર્ચિત વૉટરગેટ કૌભાંડનો પર્દાફાશ કરતું ચિત્ર ‘ઑલ ધ પ્રેસિડેન્ટ્સ મેન’નું નિર્માણ થયું હતું, જેમાં રૉબર્ટ રેડફર્ડ કાર્યકારી નિર્માતા હતા. એમાં તેમણે ‘વૉશિંગ્ટન પોસ્ટ’ અખબારના પત્રકાર બૉબ વુડવર્ડની ભૂમિકા ભજવી હતી. 1980માં ‘ઑર્ડિનરી પીપલ’ ચિત્રનું તેમણે પહેલી વાર દિગ્દર્શન કર્યું અને શ્રેષ્ઠ દિગ્દર્શનનો ઑસ્કર ઍવૉર્ડ મેળવ્યો. એ પછી ફિલ્મનિર્માણ અને દિગ્દર્શન ઉપરાંત ખાસ પસંદગીની ભૂમિકા હોય તો અભિનય-ક્ષેત્રે પણ તેઓ સક્રિય રહ્યા છે. 1993માં ‘ઇન્ડિસન્ટ પ્રપોઝલ’ ચિત્રમાં એક શ્રીમંતની તેમની ભૂમિકા ચર્ચાસ્પદ બની હતી. 1994માં તેમણે ‘ક્વિઝ શો’ ચિત્રનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું હતું. આ ચિત્રને શ્રેષ્ઠ ચિત્ર અને શ્રેષ્ઠ દિગ્દર્શન માટે ઑસ્કરનાં નામાંકન મળ્યાં હતાં.

નોંધપાત્ર ચિત્રો : બેરફુટ ઇન ધ પાર્ક’ (1967), ‘બુચ કેસિડી ઍન્ડ ધ સન્ડેન્સ કિડ’ (1969), ‘ડાઉનહિલ રેસર’ (1969), ‘ધ હૉટ રૉક’ (1972), ‘ધ કૅન્ડિડેટ’ (1972), ‘ધ વે વી વેર’ (1973), ‘ધ સ્ટિંગ’ (1973), ‘ધ ગ્રેટ ગેટ્સબાય’ (1974), ‘ઑલ ધ પ્રેસિડન્ટ્સ મેન’ (1976), ‘એ બ્રિજ ટૂ ફાર’ (1977), ‘ઑર્ડિનરી પીપલ’ (1980), ‘ધ ન્યૂટ્રલ’ (1984), ‘આઉટ ઑફ આફ્રિકા’ (1985), ‘એ રિવર રન્સ થ્રૂ ઇટ’ (1992), ‘ઇન્ડિસન્ટ પ્રપોઝલ’ (1993), ‘ક્વિઝ શો’ (1994).

હરસુખ થાનકી