રેગોલિથ (Regolith) : ખડકદ્રવ્ય(શિલાચૂર્ણ)નું આવરણ. આચ્છાદિત ખડકદ્રવ્ય. કાંપ, કાદવ, માટી, શિલાચૂર્ણનું બનેલું અવશિષ્ટ આચ્છાદન.
કોઈ પણ પ્રકારની ઉત્પત્તિવાળું, છૂટું, નરમ ચૂર્ણનું પડ, જે ભૂમિસપાટી પર લગભગ બધે જ જોવા મળે છે. તેની જાડાઈ પ્રદેશભેદે જુદી જુદી હોઈ શકે. બધે જ તે નીચેના તળખડકની ઉપર રહેલું હોય છે. તેમાં જમીન અને ખડકચૂર્ણ મિશ્રિત સ્થિતિમાં હોઈ શકે છે. તે પૂરનાં મેદાનો, ત્રિકોણપ્રદેશ, રેતીના ઢૂવાઓ, દરિયાકિનારાના પ્રદેશો, આડશોઅવરોધો, હિમઅશ્માવલીઓ તથા પહાડોના ઢોળાવો પર તેમજ તળેટીમાં જમા થયેલા નિક્ષેપો પર જોવા મળે છે. જ્વાળામુખી ભસ્મ, વાતનિર્મિત નિક્ષેપ, વનસ્પતિજન્ય દ્રવ્ય (પીટ) અને જમીનો પૈકી ગમે ત્યાં તે રહેલું હોય છે. ‘જમીન’ માટે સમાનાર્થી પર્યાય તરીકે તેનો ઉપયોગ કરવાનું ઉચિત નથી. આવા સ્થાનાંતરિત રેગોલિથને તેની નીચેના તળખડક સાથે કોઈ પણ પ્રકારનો ઉત્પત્તિજન્ય સંબંધ હોતો નથી. જ્યાં તે મળે છે ત્યાં તળખડકો સાથેનો તેનો સંપર્ક ત્વરિત હોય છે, સંક્રાંતિજન્ય હોતો નથી.
ગિરીશભાઈ પંડ્યા