રૂબેન્સ, (ઝ) પીટર પૉલ (જ. 28 જૂન 1577, સીજન, જર્મની; અ. 30 મે 1640, ઍન્ટવર્પ ફ્લૅન્ડર્સ) : બરૉક શૈલીના મહાન ફ્લૅમિશ ચિત્રકાર. બરૉક શૈલીની લાક્ષણિક કામોત્તેજક પ્રચુરતાના પ્રખર પુરસ્કર્તા. તેમની ઉત્તમ કૃતિઓમાં સંખ્યાબંધ વ્યક્તિચિત્રો અને ધાર્મિક ચિત્રોનો સમાવેશ થતો હોવા છતાં ગ્રેકોરોમન પુરાકથાઓના આલેખન માટે તેમને અસાધારણ લોકપ્રિયતા મળી. તેમનું કલાસર્જન વિપુલ હતું.
પિતા જાન રોમન કૅથલિક સંપ્રદાયમાં જન્મ્યા હતા; પરંતુ તેઓ ફ્રેન્ચ વિચારક કૅલ્વિનના પુરસ્કર્તા હોવાથી સ્પૅનિશ શાસકો દ્વારા ફ્લૅન્ડર્સમાંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી. આથી જ પીટર પૉલ રૂબેન્સનો જન્મ જર્મનીમાં થયો હતો. પિતા જાન રૂબેન્સ ફ્લૅન્ડર્સના સ્પૅનિશ રાજકર્તાઓના વિરોધી વિલિયમ ધ સાયલન્ટ અને તેમનાં પત્ની રાજકુમારી આનાના એલચી બન્યા. આ યુગલ ફ્લૅન્ડર્સ પર શાસન ચલાવતી સ્પૅનિશ સત્તાને લડત આપતું હતું. પિતા જાનના અવસાન બાદ માતા બાળકોને લઈને ઍન્ટવર્પ પાછાં ફર્યાં. રૂબેન્સનો ઉછેર અહીં જ થયો. અહીં તેમણે સ્થાનિક ચિત્રકાર ટૉબિયાસ વેર્હેખ્ટ પાસે ચિત્રકલાની તાલીમ લેવી શરૂ કરી. આ પછી ઍડમ વાન નૂર્ટ નામના ચિત્રકાર પાસે 4 વરસ અને ઑટો વાન વીન નામના ચિત્રકાર પાસે એક વરસ તાલીમ લીધી. 1598માં રૂબેન્સ ‘ઍન્ટવર્પ ગિલ્ડ ઑવ્ પેન્ટર્સ’ના સભ્ય બન્યા. 1600માં તેઓ પોતાના પ્રથમ શિષ્ય ડિયોડેટસ દેલ મૉન્તે સાથે ઇટાલીના પ્રવાસે નીકળી પડ્યા. ઇટાલિયન રેનેસાં-ચિત્રકારો અને શિલ્પકારોની કૃતિઓને નજીકથી નીરખવાની તેમને તક મળી. રોમમાં ચિત્રકાર ઍનિબેલે કારાચીને તેમના શિષ્યો સાથે પાલાત્ઝો ફાર્નેસ નામના મહેલમાં કામ કરતા નિહાળવાની તક પણ મળી. કારાચીની રેખાંકનો (drawings) કરવાની ટૅકનિકની રૂબેન્સ પર ઊંડી અસર પડી. આ ઉપરાંત વૅનિશ્યન ચિત્રકારો ટિન્ટોરેટ્ટો અને વેરોનિઝનાં ચિત્રો નિહાળવાથી વૅનિશ્યન શૈલીના રંગ, પ્રકાશ અને રંગલેપનના શિથિલ લસરકાની શૈલીનો રૂબેન્સ પર આજીવન પ્રભાવ રહ્યો.
1603માં રૂબેન્સને માન્ટુઆથી કીમતી ભેટસોગાદો ફિલિપ ત્રીજાને માડ્રિડના દરબાર સુધી પહોંચાડવાનું રાજદ્વારી કામ મળ્યું. રૂબેન્સ માટે આ પ્રથમ રાજદ્વારી કામ હતું. આ સમયની તેમની પ્રતિનિધિ ચિત્રકૃતિ તરીકે જિનોઆ(Genoa)ના જેસ્વિટ ચર્ચના પ્રભુભોજનના ટેબલ માટે તૈયાર કરેલ ‘સર્કમ્સિઝન’ ચિત્રની ગણના થાય છે. 1607માં પોપના બૅન્કર જિનોઆના મૉંસેન્થર, જેકૉપો સેરાનો આશ્રય મેળવ્યો, જેમણે રૂબેન્સને વેલિચેલાના ચર્ચ સેન્ટ મારિયાના પ્રભુભોજનના ટેબલ પર મૂકવા માટેનું ચિત્ર તૈયાર કરવાનું કામ મેળવી આપ્યું અને તેમણે ‘ઍડોરેશન ઑવ્ શૅફર્ડ્સ’નું સર્જન કર્યું.
1608માં માતાની માંદગીના સમાચાર મળતાં રૂબેન્સ ઍન્ટવર્પ પાછા ફર્યા. તે જ વર્ષે માતાના મૃત્યુ પછી તરત તેઓ ફ્લૅન્ડર્સના સ્પૅનિશ રાજકર્તાઓની સેવામાં જોડાઈ ગયા. અહીં હવે તેમણે પોતાને માટે ભવ્ય બંગલો બાંધ્યો, જે ઍન્ટવર્પની આભૂષણરૂપ ઇમારત બની રહી. તેમણે ઇટાલીથી લાવેલ પ્રાચીન ગ્રેકોરોમન શિલ્પ, ઝવેરાત તથા સિક્કા ત્યાં પ્રદર્શિત કર્યાં.
ઍન્ટવર્પમાં સ્થિર થયા પછી તેમણે ઍન્ટ્વર્પના જાણીતા વિચારક જા બ્રાંટની પુત્રી ઇઝાબેલા સાથે લગ્ન કર્યું. માત્ર રાજદરબારના વ્યક્તિચિત્રોના સર્જક તરીકે જ નહિ પણ ધાર્મિક ચિત્રકાર તરીકે પણ રૂબેન્સની ખ્યાતિ પ્રસરી. ઘેન્ટ નગરના સેન્ટ બેવૉન કથીડ્રલ માટે ‘ધ મિરૅકલ ઑવ્ સેન્ટ બેવોન’, ઍન્ટવર્પના સેન્ટ વેલ્બર્ગા ચર્ચ માટે ‘ઇરેક્શન ઑવ્ ધ ક્રૉસ’ તથા ઍન્ટવર્પના ઍન્ટવર્પ કથીડ્રલ માટે ‘ડિસેન્ટ ફ્રૉમ ધ ક્રૉસ’ ચિત્રો તેમની શ્રેષ્ઠ કૃતિઓમાં સ્થાન પામે છે. સ્પૅનિશ રાજદરબારનું મુખ્ય મથક બ્રસેલ્સમાં હોવા છતાં રાજકર્તા દ્વારા ઍન્ટવર્પમાં રહેવાની તેમને છૂટ મળી હતી. જીવનનાં અંતિમ વરસોમાં તેમણે નિસર્ગચિત્રોનું સર્જન કર્યું. કૅન્વાસનું કદ વધતાં તેમની કળા વિશેષ નીખરી ઊઠેલી જોવા મળે છે.
રફાયેલ પછી યુરોપભરમાં સૌથી મોટો સ્ટુડિયો ધરાવનાર ચિત્રકાર રૂબેન્સ હતા. તેમનાં ચિત્રોની મોટી માંગને પહોંચી વળવા સંખ્યાબંધ સહાયક ચિત્રકારો રાખવા પડતા. ચિત્રોમાં આખરી ઓપ આપવા તેઓ છેક છેલ્લે ચિત્રને હાથમાં લેતા. તેમની કલાની લાક્ષણિકતામાં રંગોના ચળકાટ પરનો તેમનો કાબૂ સૌપ્રથમ ધ્યાનમાં આવે છે. આ ઉપરાંત નારીના નગ્ન દેહની મૃદુ માંસલતા અને નમણી સુંવાળી ત્વચા પણ ધ્યાનપાત્ર છે. વિરાટકાય ચિત્રોમાં રંગોના 1.83 મીટર(6 ફૂટ)થી પણ વધુ લંબાઈના લસરકા રૂબેન્સની આત્મશ્રદ્ધાની જાણે સાખ પૂરે છે.
1626માં પ્રથમ પત્નીનું મૃત્યુ થતાં રૂબેન્સે 1930માં 53 વરસની ઉંમરે 16 વરસની હેલેના ફૂર્મેન્ટ નામની રૂપાળી સુંદરી સાથે લગ્ન કર્યું. રૂબેન્સની અંતિમ કૃતિઓમાં આ સુંદરી વારંવાર દેખા દે છે.
1621થી 1630 સુધીના ગાળામાં સ્પૅનિશ રાજકર્તાઓએ રૂબેન્સનો રાજદૂત તરીકે ઘણો ઉપયોગ કર્યો. સ્પૅનિશ, ફ્લૅન્ડર્સ અને ડચ રિપબ્લિક વચ્ચે તેમણે ઘણી મંત્રણા હાથ ધરેલી, પરંતુ મંત્રણા પડી ભાંગતાં યુદ્ધ લાંબું ચાલ્યું. 1621માં તેઓ ફ્લૅન્ડર્સના આર્ચડ્યૂક આલ્બર્ટનાં વિધવા અને રાજકર્તા ઇન્ફન્ટા ઇઝાબેલાના સલાહકાર બન્યા.
1622માં ફ્રાન્સના રાજા લૂઈ તેરમાનાં માતા અને હેન્રી ચોથાની વિધવા મેરી દ મેડિચીએ રૂબેન્સને પૅરિસ આવવાનું આમંત્રણ આપ્યું. ફ્લૉરેન્સની આ રાજકુમારી મેરી દ મેડિચીએ રૂબેન્સને તત્કાલ બંધાયેલા લક્ઝમ્બર્ગ મહેલમાં બે ચિત્રશ્રેણીઓનું કામ સોંપ્યું. બે વરસે પૂરી થયેલી કુલ 21 ચિત્રોની એક ચિત્રશ્રેણી હાલમાં લૂવ્ર મ્યુઝિયમમાં છે, જેનો વિષય છે મેરીનું જીવન; જ્યારે હેન્રી ચોથાના જીવનને આલેખતી બીજી ચિત્રશ્રેણી અપૂર્ણ રહી કારણ કે લૂઈ તેરમાએ સ્પેનના દુશ્મન ડચ રિપબ્લિક સાથેના સંબંધોને મિત્રતાપૂર્ણ બનાવતાં તેમના સલાહકાર રીશલ્યુને રૂબેન્સ, કલાકાર કરતાં સ્પૅનિશ જાસૂસ હોવાની શંકા પડી. એટલા માટે કે રૂબેન્સે આ દરમિયાન પૅરિસ-સ્થિત ઇંગ્લૅન્ડના ચાર્લ્સ પહેલાના પ્રીતિપાત્ર ડ્યૂક ઑવ્ બકિંગહામ સાથે ઘનિષ્ઠ મિત્રતા કેળવી હતી અને ડ્યૂકને તે ડચ રિપબ્લિક સાથેના સંબંધો તોડી નાખી સ્પેન જોડે મિત્રતા કેળવવા સલાહ આપી રહ્યા હતા.
ડ્યૂક ઑવ્ બકિંગહામના મૃત્યુ પછી રૂબેન્સ મેડ્રિડ ગયા અને અહીં સ્પૅનિશ રાજકર્તા ફિલિપ ચોથાને ઇંગ્લૅન્ડ સાથે યુદ્ધ નહિ પણ મિત્રતા કેળવવા તેમણે સલાહ આપી અને સાથે સાથે રાજવી કુટુંબીજનોનાં વ્યક્તિચિત્રો પણ આલેખ્યાં. ફિલિપ ચોથાએ રૂબેન્સને રાજદૂત તરીકે ઇંગ્લૅન્ડ મોકલ્યા. રૂબેન્સ 1630માં ઇંગ્લૅન્ડ અને સ્પેન વચ્ચે શાંતિકરાર કરાવવામાં સફળ નીવડ્યા. આથી કેમ્બ્રિજ યુનિવર્સિટીએ 1630માં તેમને માનાર્હ પદવી આપી, તેમનું સન્માન કર્યું. અહીં ચાર્લ્સ પહેલા તરફથી તેમને વ્હાઇટહૉલ પૅલેસના બેક્વિટિંગ હાઉસની છતનું ચિત્રકામ મળ્યું. તેમના જીવનનો અંતકાળ સ્પેનના રાજા ફિલિપ ચોથાની સેવામાં વીત્યો. મેડ્રિડ નજીક ટોરે દ લા પારડા મહેલમાં રોમન કવિ ઑવિડનાં લખાણો પરથી 120 ચિત્રો તેમણે આલેખ્યાં. ઍન્ટવર્પમાં 1640માં સંધિવાથી પીડાતા રૂબેન્સ મૃત્યુ પામ્યા.
અમિતાભ મડિયા