રુબિયા, કાર્લો (જ. ૩1 માર્ચ 19૩4, ગોરિઝિયા, ઇટાલી) : મંદ આંતરક્રિયાના સંવાહકો તરીકે ક્ષેત્ર-કણો (field-particles) W અને Zની શોધ બદલ સાઇમન વાન દર મીર સાથે 1984નો નોબેલ પુરસ્કાર મેળવનાર ઇટાલિયન ભૌતિકવિજ્ઞાની.
કાર્લોએ સ્નાતક સુધીનું શિક્ષણ કોલંબિયા અને રોમ યુનિવર્સિટીમાંથી લીધું. 1960થી તેમણે CERN(જિનીવા)માં સંશોધક ભૌતિકવિજ્ઞાની તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ તેમણે 1989થી 1994ના ગાળા દરમિયાન તેના નિયામક તરીકે કામગીરી બજાવી. 1972થી તેઓ હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે ભૌતિકવિજ્ઞાનના મુલાકાતી પ્રાધ્યાપક તરીકે જોડાયા.
1970 પછીના દસકામાં વીનબર્ગ સલામ અને ગ્લેશોને એકીકૃત વિદ્યુત-મંદ (unified electro-weak) સિદ્ધાંતની દરખાસ્ત કરી. આ માટે વચગાળાના સદિશ બોસૉનના અસ્તિત્વની જરૂરિયાત સમજાઈ. આવા બોસૉન (પેટાપારમાણ્વિક કણો જે મંદ બળનું વહન કરે છે) દળદાર, અલ્પજીવી અને પ્રોટૉનથી આશરે 100ગણા વધારે ભારે હોવા જોઈએ.
આ માટે એવી ભૌતિક આંતરક્રિયા જરૂરી છે, જે પૂરતા પ્રમાણમાં વધારે ઊર્જા પેદા કરે, જેનાથી આવા કણો રચી શકાય. શૂન્યાવકાશ કરેલી કાચની નળીમાં પ્રોટૉનને ઘણા વધારે પ્રવેગિત કરીને વિરુદ્ધ દિશામાં જતા પ્રતિકણો (antiparticle) સાથે અથડાવવામાં આવે છે. પરિણામે ઘણી વધારે ઊર્જા પ્રાપ્ત થાય છે. આ હેતુ પાર પાડવા માટે કાર્લો રુબિયાએ CERN ખાતેના ઉચ્ચ પ્રોટૉન સિન્ક્રોટ્રૉન-(synchrotron)માં જરૂરી ફેરફારો કર્યા. કિરણાવલીમાં કણો(અથવા પ્રતિકણો)ની ગતિક ઊર્જા 270 GeV (= 270 109 ev) અને પરિણામે 540 GeVનો સંઘાત મળે છે. આ ઊર્જા પૂરતી છે, જે(આશરે 81 GeV)ના ભારે કણોનું સર્જન થાય છે. આ માટેના પ્રાયોગિક સંઘાતની શરૂઆત 1982થી થઈ. 198૩માં કાર્લોએ કરેલા પ્રયોગ દરમિયાન આશરે 81 GeV દળ તથા ધન અને ઋણ વિદ્યુતભાર ધરાવતા W કણોની સાબિતી મળી. વધુ ભ્રામક Z કણોની સાબિતી તે પછી તુરત જ મળી. Z કણો મળવાની સંભાવ્યતા W કણોની સંભાવ્યતા કરતાં 20મા ભાગની હોય છે.
આ રીતે વિદ્યુત-મંદ આંતરક્રિયાના વાહકો તરીકે W અને Z કણો પ્રાયોગિક રીતે જાણી શકાયા. આ કણો વિદ્યુત-મંદ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે.
હરગોવિંદ બે. પટેલ