રુબિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ : દ્વિદળી, ઉપવર્ગ : યુક્તદલા (Gamopetalae), શ્રેણી : અધ:સ્ત્રીકેસરી (Inferae), ગોત્ર : રુબિયેલ્સ, કુળ : રુબિયેસી. આ કુળમાં ક્રૉન્ક્વિસ્ટના મતાનુસાર 500 પ્રજાતિઓ (genera) અને 6,520 જેટલી જાતિઓ(species)નો સમાવેશ થયેલો છે. તેનું ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં વિપુલ પ્રમાણમાં વિતરણ થયું હોવા છતાં ઘણી જાતિઓ સમશીતોષ્ણ પ્રદેશોમાં થાય છે. ગૅલીઈ, ઍન્થોસ્પર્મી અને ઑલ્ડેન્લડીઈ મુખ્યત્વે શાકીય જનજાતિઓ (tribes) છે અને તેઓ સમશીતોષ્ણ પ્રદેશો સુધી વિસ્તરેલી છે (Nertera વિષુવવૃત્તથી કેપ હૉર્ન સુધી અને Galium વિષુવવૃત્તથી ઉત્તર ધ્રુવ સુધી). ઉત્તર-દક્ષિણ અમેરિકામાં આ કુળની ઘણી જાતિઓ થાય છે. 50 જેટલી પ્રજાતિઓ મેક્સિકોની અને 14 પ્રજાતિઓ અમેરિકાની વતની છે. ભારતમાં 77 પ્રજાતિઓ અને 286 જેટલી જાતિઓ થાય છે. ગુજરાતમાં 19 પ્રજાતિઓ અને ૩0 જાતિઓ નોંધાઈ છે. ભારતમાં હિમાલય, આસામ, મલબાર, નીલગિરિ, પશ્ચિમઘાટની પર્વતમાળા અને સપાટ મેદાનોમાં તે ઊગે છે. કેટલીક જાતિઓ ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. આ કુળમાં મજીઠ (madder) થતી હોવાથી તેને ‘મજીઠાદિ’ કુળ તરીકે ઓળખાવવામાં આવે છે. આ કુળની જાણીતી વનસ્પતિઓમાં મજીઠ (Rubia cordifolia Linn. sensu Hook. f.), ગંધરાજ (Gardenia jasminoides Ellis.), કૉફી (Coffea arabica Linn.), ક્વિનાઇન (Cinchona officinalis Linn.), નેવરી (Ixora parviflora Vahl.) વગેરેનો સમાવેશ થાય છે.

તે મોટે ભાગે ક્ષુપ (Coffea, Hamelia, Ixora, Gardenia) અને વૃક્ષ (Anthocephalus, Adina, Morinda) સ્વરૂપ ધરાવે છે. કેટલીક જાતિઓ વળવેલ (Rubia cordifolia, Manettia) તરીકે કે શાકીય (Oldenlandia) સ્વરૂપે થાય છે. Uncaria અંકુશારોહી છે, જ્યારે Galium કડક અને પ્રતિવક્રિત (recurved). રોમ દ્વારા નજીકની વનસ્પતિઓ સાથે ચોંટીને આરોહણ કરે છે. પર્ણો સાદાં, સંમુખ કે ચક્રિલ (whorled), અખંડિત કે ક્વચિત જ દંતુર (toothed) હોય છે. ઉપપર્ણો આંતરવૃંતીય (interpetiolar), દા.ત. Ixora, કે પર્ણદંડાંતરીય (intrapetiolar), દા.ત. Gardenia. ગૅલીઈ જાતિમાં પર્ણાભ (foliaceous) અને પર્ણોથી અલગ ઓળખવાં મુશ્કેલ, અથવા Pentasમાં ગ્રંથીય વજ્રકેશો(setae)માં પરિણમેલાં હોય છે.

પુષ્પવિન્યાસ મૂળભૂત રીતે દ્વિશાખિત (dichasial) પરિમિત (cymose) હોય છે. Gardeniaમાં માત્ર મધ્યસ્થ પુષ્પ જ હોય છે. Morinda કે Sarcocephalusમાં દ્વિશાખી પુષ્પવિન્યાસોનું સમુચ્ચયન (aggregation) થતાં ગોળાકાર મુંડક(head)માં રૂપાંતર થાય છે. Cinchonaમાં પરિમિત છત્રક (umbel) અને Hameliaમાં એકશાખી (monochasial) એકતોવિકાસી (helicoid) પરિમિત સ્વરૂપે અને કેટલીક જાતિઓમાં કક્ષીય ગુચ્છ સ્વરૂપે કે ચતુષ્કિત (decussate) લઘુપુષ્પ ગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પુષ્પ સામાન્યત: નિયમિત, ક્વચિત જ અનિયમિત અને કેટલેક અંશે દ્વિઓષ્ઠીય (દા.ત., Henriquezia), દ્વિલિંગી, ઉપરિજાયી (epigynous), ચતુર્ કે પંચાવયવી (tetra or pentamerous) અને નિપત્રી (bracteate) હોય છે. વજ્ર 4થી 5 વજ્રપત્રોનું બનેલું હોય છે અને તે યુક્તવજ્રપત્રી (gamosepalous) અને ધારાસ્પર્શી (valvate) હોય છે. Nematostylisમાં તે વર્ધનશીલ (accrescent) અને Mussaendaમાં એક વજ્રપત્ર દલાભ (petaloid) અને મોટું બને છે. દલપુંજ 4થી 5 દલપત્રોનો બનેલો (ભાગ્યે જ 8થી 10 દલપત્રો), નિવાપાકાર, દીપકાકાર (hypocrateriform) કે ચક્રાકાર (rotate) અને યુક્તદલપત્રી (gamopetalous) હોય છે અને તેનો પુષ્પદલવિન્યાસ (aestivation) ધારાસ્પર્શી, કોરછાદી (imbricate) કે વ્યાવૃત (contorted) પ્રકારનો હોય છે. પુંકેસરચક્ર 4થી 5 પુંકેસરો ધરાવે છે. તેઓ દલલગ્ન (epipetalous), દલપત્રો સાથે એકાંતરિક અને ઊર્ધ્વસ્થ (superior) હોય છે. પરાગાશય દ્વિખંડી હોય છે અને તેનું સ્ફોટન લંબવર્તી અને અંતર્મુખી (introse) રીતે થાય છે. સ્ત્રીકેસરચક્ર બે કે તેથી વધારે સ્ત્રીકેસરોનું બનેલું અને યુક્ત હોય છે. બીજાશય અધ:સ્થ (inferior), ભાગ્યે જ ઊર્ધ્વસ્થ (દા.ત., Pogemea) કે અર્ધઅધ:સ્થ (દા.ત., Synaptanthera) હોય છે અને સામાન્યત: દ્વિકોટરીય અક્ષવર્તી (axile) જરાયુવિન્યાસ (placentation) અથવા ઉપલક દૃષ્ટિએ તલસ્થ (basal) કે ચર્મવર્તી (parietal) જરાયુવિન્યાસ (દા.ત., Gardenia) ધરાવે છે. પ્રત્યેક કોટરમાં અસંખ્ય અંડકો હોય છે. Pavettaમાં માત્ર એક જ અંડક હોય છે, જે રસાળ અંડનાલમાં ખૂંપેલું હોય છે. પરાગવાહિની એક અને પાતળી હોય છે. તે ઘણી વાર દ્વિશાખી હોય છે. પરાગાસન સામાન્યત: રેખીય હોય છે. બીજાશયની ફરતે આવરણરૂપે વધતે-ઓછે અંશે વલયાકાર રસાળ બિંબ (disc) આવેલું હોય છે. ફળ વિવરસ્ફોટી (loculicidal) કે પટસ્ફોટી (septicidal) પ્રાવર અથવા અસ્ફોટી (indehiscent) અને એકબીજમય ખંડોમાં અલગ થતું (દા.ત., Galium) અથવા Coffea અને Mitchella જેવી પ્રજાતિઓમાં રસાળ અનષ્ઠિલ (berry), અથવા અનષ્ઠિલ (drupe) કે સંયુક્ત (multiple) સરસાક્ષ (sorosis) (દા.ત., Morinda) પ્રકારનાં જોવા મળે છે. બીજ કેટલીક વાર સપક્ષ (winged) અને ભ્રૂણપોષી (endospermic) હોય છે. ભ્રૂણપોષ સામાન્યત: વિપુલ પ્રમાણમાં અને રસાળ કે ક્વચિત્ કાસ્થિમય (cartilagenous) હોય છે. Guettardeae જનજાતિમાં ભ્રૂણપોષનો અભાવ હોય છે. ભ્રૂણ સીધો કે વક્ર હોય છે.

આ કુળનું પુષ્પીય સૂત્ર (floral formula) આ પ્રમાણે છે :

આકૃતિ : રુબિયેસી : Cinchona : (અ) પુષ્પીય શાખા, (આ) પુષ્પ, (ઇ) ખુલ્લો દલપુંજ, (ઈ) બીજાશયનો ઊભો છેદ, (ઉ) ફળ, (ઊ) સપક્ષ બીજ, (ઋ) પુષ્પારેખ

આ કુળની અનેક વનસ્પતિઓ આર્થિક અગત્ય ધરાવે છે. તે પૈકી કેટલીક આ પ્રમાણે છે :

(1) Adina cordiflora Benth. & Hook. f. (હલધરા) ભારત અને ગુજરાતનાં જંગલોમાં ઊગતું વૃક્ષ છે. તેનું કાષ્ઠ ટકાઉ અને કીટ તેમજ ઊધઈ-અવરોધક હોય છે. તેનો બાંધકામ, રાચરચીલું, હળ અને ગાડાની બનાવટમાં ઉપયોગ થાય છે. તેની છાલનો રસ પ્રતિરોધી (antiseptic) છે અને ઉકાળો જ્વરશામક છે. છાલમાં ટૅનિન વિપુલ પ્રમાણમાં હોય છે.

(2) Anthocephalus cadamba Miq. (કદંબ) ભારતનું મૂલનિવાસી વૃક્ષ છે અને ગુજરાતનાં જંગલોમાં ઊગે છે. કૃષ્ણલીલામાં આ વૃક્ષનું વર્ણન છે. તેનાં પુષ્પો સુગંધિત હોય છે અને માળા, ગજરા વગેરે બનાવવામાં વપરાય છે. તેનું કાષ્ઠ ચા અને પૅકિંગ માટેની પેટીઓ બનાવવામાં ઉપયોગી છે.

(૩) Cinchona calisaya Wedd., C. officinalis Linn. અને અન્ય ઘણી ક્વિનાઇનની જાતિઓ બ્રાઝિલમાં થાય છે અને દક્ષિણ ભારતમાં ઉછેરવામાં આવે છે. છાલમાં ક્વિનિડિન, સિંકોનિડિન, સિંકોનિન જેવાં 20 જેટલાં આલ્કેલૉઇડ રહેલાં છે, જેમાંથી ક્વિનિન સલ્ફેટ બનાવવામાં આવે છે. તે મલેરિયા ઉપર અકસીર પુરવાર થયેલું ઔષધ છે અને માનવ-રુધિરમાં રહેલા પ્લાસ્મોડિયમ નામના પ્રજીવની રોગજન (pathogen) જાતિઓનો નાશ કરે છે.

(4) Cephaelis ipecacuanha (Brot.) A. Rich. (ઇપેકાક) બ્રાઝિલની વૃક્ષજાતિનું મૂળ ઇમેટિન અને સિફેઇલિન નામનાં આલ્કેલૉઇડ ધરાવે છે, જેમાંથી ઇપેકાકકુઆન્હા નામનું ઔષધ મેળવવામાં આવે છે, જે અતિસાર (diarrhoea) અને મરડા(dysentry)માં ઉપયોગી છે.

(5) Coffea arabica Linn., C. liberica Bull. ex Hiern, C. robusta Linden. અનુક્રમે અરબસ્તાન, લાઇબેરિયા અને કૉંગોની કૉફીની મૂલનિવાસી જાતિઓ છે. દક્ષિણ ભારતમાં નીલગિરિ, કુર્ગ, ત્રાવણકોર અને કર્ણાટકમાં તથા મધ્યપ્રદેશમાં પંચમઢીમાં તેનું વાવેતર થાય છે. કૉફીનાં બીજ (બુંદદાણા) શેકી અને દળીને તેનો પાઉડર બનાવાય છે. તેનો પીણા તરીકે ઉપયોગ થાય છે. તે મૂત્રલ હોવા ઉપરાંત બંધકોશ કરે છે. બીજમાં કૅફીન નામનું સ્ફૂર્તિદાયક આલ્કેલૉઇડ હોય છે.

(6) Gardenia gummifera Linn. F., G. resinifera Roth અને G. lucida Roxb. દિકામાળીની જાતિઓ છે અને ગુજરાતનાં જંગલોમાં ઊગે છે. પ્રકાંડ અને પર્ણકલિકા ગુંદરયુક્ત પદાર્થનો સ્રાવ કરે છે, જેને દિકામાળી (‘કુમ્બીગમ’) કહે છે. તે ઉષ્ણ, વાતહર, કફઘ્ન, કૃમિનાશક અને પિત્તશામક છે અને પાચનતંત્રને ઉત્તેજિત કરે છે તથા અજીર્ણ મટાડે છે.

(7) Morinda tomentosa Heyne ex Roth (આલ) : ગુજરાતનાં જંગલોમાં થતા આ વૃક્ષનાં પુષ્પો સુગંધિત હોય છે. ફળનું ચૂર્ણ શીતપ્રદ, રક્તશુદ્ધક અને મૂત્રલ છે. તેનું દૂધ જેવું ક્ષીર કમળો મટાડે છે.

(8) Mitragyna parviflora (Roxb.) karth. (ધારાકદંબ) : ઉપહિમાલય અને ગુજરાતનાં જંગલોમાં થતી વૃક્ષજાતિની છાલમાંથી રેસા કાઢી દોરડાં બનાવવામાં આવે છે. તેનાં પુષ્પો સુગંધિત હોય છે.

(9) Rubia cordifolia Linn. sensu Hook. F. (મજીઠ) અને R. manjith Roxb. ex Flem. જંગલોમાં વિપુલ પ્રમાણમાં થતી આરોહી જાતિઓ છે. મૂળમાંથી પ્રાપ્ત થતો મજીઠ તરીકે ઓળખાતો લાલ રંગ મળે છે; જે કાપડના રંગાટી કામમાં ઉપયોગી છે.

(10) Randia dumetorum Poir(મીંઢળ)નો લગ્ન અને ધાર્મિક વિધિઓમાં ઉપયોગ થાય છે. તે કૃમિનાશક છે.

Gardenia jasminoides Ellis, Ixora coccinea Linn. (ઇશ્વાકુ), I. parviflora Vahl. (નેવરી), Hamelia patens Jacq., Mussaenda frondosa Linn., અને Rubia, Nertera, Mitchella, Galium, Asperula, Bouvardia, Manettia, Coprosoma તથા Serissaની જાતિઓ ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિ તરીકે ઉછેરવામાં આવે છે.

Hydnophytum અને Myrmecodia ઇંડોમલાયામાં થતી પરરોહી પ્રજાતિઓ છે અને તેમનાં ગ્રંથિલોમાં કીડીઓ વસવાટ ધરાવે છે. Oldenlandia corymbosa L. (પિત્તપાપડો) ઔષધ-વનસ્પતિ તરીકે પ્રસિદ્ધ છે.

જૈમિન વિ. જોશી

બળદેવભાઈ પટેલ