રીવિયેરા : ભૂમધ્ય સમુદ્રના ઉત્તર કિનારા પરની આશરે 6°થી 10° પૂ. રે. વચ્ચેની સાંકડી ભૂમિપટ્ટી. તે દક્ષિણ ફ્રાન્સના હાયેર્સથી વાયવ્ય ઇટાલીના લા સ્પેઝિયા સુધી વિસ્તરેલી છે.
તેના પીઠપ્રદેશની ભૂમિ પરથી આલ્પ્સ પર્વતો શરૂ થાય છે. વાસ્તવમાં અહીંના દરિયાકિનારે દુનિયાના ઘણા ભાગોમાંથી, વિશેષે કરીને યુરોપમાંથી હજારો પ્રવાસીઓ સ્વાસ્થ્ય સુધારવા અને મનોરંજન માણવા આવે છે, તેઓ ત્યાંના હૂંફાળા સૂર્યતાપમાં (સૂર્ય)સ્નાન કરવાની મોજ માણે છે. અહીં આખુંયે વર્ષ સમુદ્ર તરફથી આહલાદક લહેરો વાય છે, ઉત્તર તરફ આવેલા આલ્પ્સ પર્વતોની અવરોધક દીવાલ ઉત્તર અને પૂર્વ તરફથી ફૂંકાતા ઠંડા પવનોને રોકે છે.
આ ભૂમિપટ્ટી પર ઇટાલી અને ફ્રાન્સનાં નગરો હારબંધ ગોઠવાયેલાં છે અને અન્યોન્ય પાકા માર્ગોથી સંકળાયેલાં છે. જૂનો રોમન માર્ગ પણ અહીંથી જ પસાર થતો હતો. સડકમાર્ગની સાથે સાથે અહીં રેલમાર્ગ પણ આવેલો છે. નગરોના રંગબેરંગી આવાસો અને લીલાછમ બાગબગીચા આ ભૂમિપટ્ટીને વધુ રમણીય બનાવે છે. લોકો અહીં ફૂલો, ખજૂર, કેળાં, દાડમ અને જામફળની ખેતી કરે છે.
આ પટ્ટી પર ફ્રાન્સનાં નગરોમાં હાયેર્સ, ઍન્ટિબીઝ, મેન્ટન, નાઇસ અને સેન્ટ ટ્રૉપેઝનો તથા ઇટાલીનાં નગરોમાં મૉન્ટે કાર્લો (મોનેકો), આલ્બેંગા, જિનીવા, લા સ્પેઝિયા, રાપાલો, સાન રેમા, સૅયોના અને વેન્ટિ મિગ્લિયાનો સમાવેશ થાય છે.
જાહ્નવી ભટ્ટ