રીટા લેવિ-મોન્ટાલ્સિની (Rita Levi-Montalcini)
January, 2004
રીટા લેવિ-મોન્ટાલ્સિની (Rita Levi-Montalcini) (જ. 1909, ટ્યુરિન, ઇટાલી) : સન 1986ના નોબેલ પારિતોષિકના સ્ટેન્લી કોહેન સાથેનાં વિજેતા. તેઓને વૃદ્ધિકારક ઘટકો (growth factors) અંગેના સંશોધન માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. સન 1953માં આ બંને વૈજ્ઞાનિકોએ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં કરેલા સંશોધનમાં શરીરમાંના અપક્વ કોષોના વિકાસમાં કાર્યરત એવા પ્રોટીન–વૃદ્ધિઘટકો–માંથી
પ્રથમ વૃદ્ધિકારક ઘટકને શોધી કાઢ્યું. લેવિ-મોન્ટાલ્સિની ઇટાલિયન અને અમેરિકન એમ બંને રાષ્ટ્રીયતાઓ ધરાવતાં હતાં. તેમણે ચેતાતંત્ર (nervous system) પર તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમનાં સંશોધન પહેલાં વિકસતા ચેતાકોષો (nerve cells) કેવી રીતે તેમની સાથેનાં ચેતાકીય જોડાણો માટે સંકેતો પાઠવતા હશે તે જાણમાં ન હતું. સન 1951માં તેમણે સૂચવ્યું કે આવા સંકેત રૂપે ચેતાકોષ માટેના લક્ષ્યરૂપ અવયવમાં કોઈ વૃદ્ધિ-ઉત્તેજક રસાયણ ઉત્પન્ન થતું હોવું જોઈએ. સન 1952માં તેમણે મરઘીના ભ્રૂણ(પ્રાગર્ભ, embryo)માંના એક ચેતાકોષનું ઉંદરની ગાંઠની પેશી (અર્બુદ પેશી) સાથે સંવર્ધન (ઉછેર, culture) કર્યું. તે સમયે તેમણે દર્શાવ્યું કે ચેતાકોષમાંથી સૂર્યનાં કિરણોની માફક અર્બુદ પેશી (tumour tissue) તરફ ચેતાતંતુઓ વિકસ્યા હતા. તેમણે તેના પરથી તારણ કાઢ્યું કે અર્બુદ પેશીમાં કોઈક રાસાયણિક ઘટક છે, જે વૃદ્ધિકારક ઘટક તરીકે કાર્ય કરી રહ્યું છે. તે પછીનાં સંશોધનોમાં તેમણે આવું વૃદ્ધિકારક ઘટક સાપના ઝેર અને ઉંદરની લાળગ્રંથિમાં પણ હોવાનું દર્શાવ્યું. જોકે કોહેને પાછળથી તે શુદ્ધ અને સક્રિય પ્રોટીનને અર્ક (extract) રૂપે અલગ પાડી બતાવ્યું. તેને હાલ ચેતા-વૃદ્ધિકારક ઘટક (nerve growth factor) કહે છે. કોહેને ત્યારબાદ અધિત્વકીય વૃદ્ધિકારક ઘટક (epidermal growth factor, EGF) શોધ્યું તથા કોષો પરનો તેના માટેનો સ્વીકારક પણ શોધી બતાવ્યો હતો.
શિલીન નં. શુક્લ