રીજેન્ટ (હીરો) : રીજેન્ટ અથવા પિટ્ટ હીરાના નામથી ઓળખાતો ઐતિહાસિક ખ્યાતિ પામેલો હીરો. ભૂરી ઝાંયવાળો દેખાતો આ હીરો તેજસ્વી અને પાણીદાર બને તે રીતે કાપેલો છે. આ હીરો ભલે કદમાં મોટો ન હોય, પરંતુ તે અત્યંત સુંદર અને પૂર્ણ હીરા તરીકે લેખાય છે; એટલું જ નહિ, આકાર, કદપ્રમાણ અને તેજસ્વિતામાં તે મોખરાનું સ્થાન ધરાવે છે. એક વખતે તે ફ્રેન્ચ મુગટમાં જડેલાં રત્નો પૈકીનું એક રત્ન હતો.
આ હીરો સર્વપ્રથમ 1701માં ગોવળકોંડાથી આશરે 216 કિમી. દૂર આવેલા પુટિયલ ખાતેથી એક ગુલામને મળેલો, ત્યારે આ કાચા હીરાનું વજન 410 કૅરેટ હતું. આ ગુલામે પગમાં કાપો મૂકીને પાછળના માંસલ ભાગમાં તે છુપાવી રાખેલો. એક અંગ્રેજ ખલાસીને આ હીરાની જાણ થતાં, તેને વેચીને તેમાંથી અડધી કિંમત આપવાની લાલચ આપીને ગુલામને પોતાના વહાણમાં લઈ ગયો. બધી જ કિંમત મેળવી લેવાના લોભે ખલાસીએ ગુલામને દરિયામાં ફેંકી દીધો. ખલાસીએ આ હીરો જામચંદ નામના એક પારસી વેપારીને 10,000 રૂપિયામાં વેચી દીધો. 1701માં જ આ વેપારીએ 1,25,000 રૂપિયામાં મદ્રાસ(ચેન્નઈ)ના તત્કાલીન ગવર્નર સર ટૉમસ પિટ્ટ(કૅથામના અર્લના દાદા)ને વેચેલો. આ હીરો તેમણે ચોરેલો એવી અફવા ઊડવાથી તેને રદિયો આપવાના હેતુથી તેમણે લંડનના ‘ડેઇલી પોસ્ટ’માં એક પત્ર પ્રકાશિત કરાવેલો.
તે પછીથી આ હીરાને તકિયા આકારમાં કપાવીને 136Q કૅરેટનો કરવામાં આવ્યો અને તેને ‘પિટ્ટ’ નામ અપાયેલું. ત્યારે તેની કિંમત 50,000 રૂપિયા મુકાયેલી, બાકીના કપાયેલા ટુકડાઓને વેચીને 35,000 રૂપિયા મેળવાયેલા. 1717માં ઑર્લિયન્સના ડ્યૂક, રીજેન્ટ ઑવ્ ફ્રાન્સ દ્વારા આ હીરો 13,50,000 રૂપિયામાં ખરીદાયો. ત્યારથી તેનું નામ ‘રીજેન્ટ’ પડ્યું છે.
1792માં ગાર્ડે મ્યુબલ ખાતેથી બીજા હીરાઓ સાથે આ હીરો પણ ચોરાઈ ગયો. પછીથી તે તેના માલિકને જ કોઈ અજાયબ રીતે પાછો મળેલો. તે પછીથી આ હીરો બર્લિનના એક વેપારી પાસે ગીરો રાખીને પાછો લીધેલો. ત્યારબાદ નેપોલિયન પહેલો તેને તલવારની મૂઠના મોગરામાં રાખતો હતો. પોતાની મહાનતા માટે તે હંમેશાં આ હીરાને જ યશ આપતો. 1855ના ફ્રેન્ચ પ્રદર્શનમાં તેને જોવા માટે રખાયેલો. 1887થી તે લુવ્રમાં પ્રદર્શિત કરાયેલો છે.
ગિરીશભાઈ પંડ્યા