વૈકુંઠમ્, થોટા (Vaikuntham, Thota)
February, 2005
વૈકુંઠમ્, થોટા (Vaikuntham, Thota) (જ. 1940, ગામ બૂરુગુપલ્લી, જિ. કરીમનગર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ) : તેલંગાણાનાં ગ્રામીણ અને આદિવાસી સ્ત્રીપુરુષોનું શોભનશૈલીએ નિરૂપણ કરવા માટે જાણીતા આધુનિક ભારતીય ચિત્રકાર.
માત્ર શાલેય શિક્ષણ પ્રાપ્ત કરનાર વૈકુંઠમ્ કલાની બાબતમાં પૂર્ણપણે સ્વશિક્ષિત છે. તેલંગાણાની ગ્રામીણ મહિલાઓ, પુરુષો, ચર્ચા અને અભ્યાસમાં વ્યસ્ત બ્રાહ્મણો અને આદિવાસીઓ વૈકુંઠમના વિષયો છે. આ બધાંની ત્વચાનો રંગ તે અત્યંત ઘેરો કથ્થાઈ કે કાળોડિબાંગ ચીતરે છે. તેલંગાણાનાં વિશિષ્ટ ઘરેણાં અને દક્ષિણ ભારતીય પદ્ધતિની કછોટો મારીને પહેરવામાં આવતી સાડી પણ તેમનાં ચિત્રોમાં ધ્યાન ખેંચે છે. તેમનાં ચિત્રોમાં મહિલાઓનો દેખાવ અત્યંત કામોત્તેજક જણાય છે. ચિત્રોમાં માનવઆકૃતિઓની પાછળની પૃષ્ઠભૂમિકા તેઓ કોઈ પણ એક રંગની સાવ સપાટ રાખે છે, જેના પરથી ખ્યાલ આવે છે કે તેમનો મુખ્ય અને એકમાત્ર રસ મનુષ્ય છે.
થોડાં વરસો સુધી તેમણે હૈદરાબાદના બાલભવન ખાતે બાળકોને કલાશિક્ષણ આપેલું. હાલમાં તેઓ બૂરુગુપલ્લીમાં કલાસર્જનમાં વ્યસ્ત છે.
અમિતાભ મડિયા