વૅલાક, ઓટો (Wallach, Otto) (જ. 27 માર્ચ 1847, કૂનિસબર્ગ, પ્રશિયા; અ. 26 ફેબ્રુઆરી 1931, ગુટિંજન, જર્મની) : સુગંધિત તેલોનું વિશ્ર્લેષણ કરી ટર્પિન જેવાં સંયોજનોની ઓળખ આપવા માટે 1910ના વર્ષ માટેનો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર રસાયણવિદ. કુદરતી સુગંધવાળાં તેલોના વિશ્ર્લેષણ માટે તેમનું સંશોધન ખૂબ નોંધપાત્ર રહ્યું છે. તેમણે ગુટિંજન વિશ્વવિદ્યાલયમાં પ્રો. ફ્રેડરીક વોહ્લરના હાથ નીચે અભ્યાસ કરીને 1869માં ડૉક્ટરેટની પદવી મેળવી. ત્યારબાદ તેઓ કેક્યૂલે સાથે બોન વિશ્વવિદ્યાલયમાં જોડાયા. ત્યાં તેઓ ઔષધનિર્માણવિજ્ઞાન શીખવતા. દરમિયાન ત્યાં જ 1876માં પ્રાધ્યાપક બન્યા. 1889થી 1915 સુધી તેઓ ગુટિંજનના રાસાયણિક ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર રહ્યા હતા. બોનમાં હતા તે દરમિયાન વૅલાકે ઔષધકીય બનાવટોમાં વપરાતા ઈથરી (ethereal) તેલોના ઘટકો અંગે રસ દર્શાવ્યો અને કેક્યૂલેએ સૂચવ્યું કે આવા ઘટકોનું વિશ્ર્લેષણ થઈ શકે નહિ; પરંતુ વૅલાક પોતે ખૂબ જ અનુભવી પ્રયોગશાસ્ત્રી હોવાથી આવા સંકીર્ણ મિશ્રણમાંથી વારંવાર નિસ્યંદન કરીને વિવિધ ઘટકો છૂટા પાડ્યા અને પ્રત્યેકના ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કર્યો. આ અનુભવે તેઓ ઘણા ઘટકો પારખી શક્યા.
આમ સતત 40 વર્ષ સુધી કામ કર્યા બાદ તેમણે ઔષધમાં વપરાતા છોડવામાંથી કપૂર(કૅમ્ફર)ના ઘટકો, સાઇટ્રસ તેલો તથા સુગંધિત (essential) તેલો અલગ પાડી તેમનું રસાયણ સ્પષ્ટ કર્યું. ટર્પિનમાંનો મૂળ ઘટક આઇસોપ્રીન છે તેવું તેમણે પ્રસ્થાપિત કર્યું. તેમના કાર્ય દ્વારા આધુનિક અત્તર(perfume)-ઉદ્યોગનો પાયો નંખાયો. કાર્બનિક રસાયણ તથા રાસાયણિક ઉદ્યોગોમાંનાં તેમનાં ઍલિસાઇક્લિક સંયોજનોનાં સંશોધન માટે ઉપર્યુક્ત પારિતોષિક તેમને એનાયત થયું હતું.
જ. પો. ત્રિવેદી