વેર્ફેલ, ફ્રાન્ઝ (. 10 સપ્ટેમ્બર 1890, પ્રાગ, ઑસ્ટ્રિયા; . 26 ઑગસ્ટ 1945, બીવર્લી હિલ્સ, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : ઑસ્ટ્રિયાના યહૂદી નવલકથાકાર, કવિ, નાટ્યકાર અને નિબંધકાર. પિતા હાથમોજાં બનાવવાનો ગૃહઉદ્યોગ કરતા. જોકે ફ્રાન્ઝ નાની ઉંમરે હેમ્બર્ગમાં જહાજી સેવાની પેઢીમાં જોડાયા. પ્રેમ, શ્રદ્ધા અને ભ્રાતૃભાવના વિષય પરની તેમની નવલકથાઓ આજે પણ વંચાય છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઑસ્ટ્રિયાના લશ્કરમાં તેમણે સેવાઓ આપેલી. જ્યારે 1938માં જર્મનીએ ઑસ્ટ્રિયાને જીતીને પોતાના પ્રદેશમાં જોડી દીધું ત્યારે ફ્રાન્ઝ ફ્રાન્સ થઈને અમેરિકા ચાલ્યા ગયેલા.

‘સ્પીઝેલમૅન્શ્ચ’ (‘મિરર ઑવ્ મૅન’) (1920) ચમત્કારિક (miracle) નાટક છે. ત્યારપછી આધ્યાત્મિક મુક્તિની વસ્તુ પર જુદા જુદા સ્તરવાળાં 4 નાટકો લખ્યાં. ‘જૅકોબાઉસ્કી ઍન્ડ દેર ઑબૅર્સ્ટ’ (‘જૅકોબાઉસ્કી ઍન્ડ ધ ર્ક્ધાલ; 1944માં તેનું રૂપાંતર ન્યૂયૉર્કમાં એસ. એન. બેર્માને રજૂ કરેલું) હાસ્યપ્રધાન સુખાંત નાટકમાં પણ તેમની આધ્યાત્મિક ખોજ ચાલે છે.

ફ્રાન્ઝની નવલકથાઓએ તેમને આંતરરાષ્ટ્રીય કીર્તિ અપાવી છે. તેમની શ્રેષ્ઠ નવલકથા ‘ડી વિર્ઝિગ ટેગ દેસ મુઝા દેધ’(1933, ‘ધ ફૉર્ટી ડેઝ ઑવ્ મુઝા દેધ’)માં તુર્કોએ આર્મેનિયાની ચડાઈ વખતે કરેલા જોરજુલમની મહાકાવ્ય સમી કહાણી છે. ‘દાસ લીડ વૉન બર્નાડેટ્ટ’ (1941, ‘ધ સૉન્ગ ઑવ્ બર્નાડેટ્ટ’) લૉર્ડ્ઝના સાધુપુરુષનું ચરિત્ર છે. ફ્રાન્ઝનું મહત્વાકાંક્ષી સર્જન તેમની નવલકથા ‘દેર સ્ટર્ન દેર યુંઝેબૉર્નેન’ (‘ધ સ્ટાર ઑવ્ ધી અનબૉર્ન’) છે, જેમાં એક લાખ વર્ષ પછીની દુનિયા છે; જ્યાં ભૌતિક સાધનોથી માનવજાતને તેમની તમામ સમસ્યાઓથી છુટકારો મળી ગયો છે. જોકે ભયાનક યુદ્ધને લીધે પાછું બધું છિન્નભિન્ન થઈ ગયું છે; પરંતુ ગુમાવેલું સ્વર્ગ કૅથલિક ધર્મસંઘના અનુયાયિત્વ અને યહૂદીઓના એકશ્વરી ધર્મના પાલનથી પરત આવશે તેવો સંદેશ આ નવલકથા આપે છે. તેમનાં કાવ્યોનું મરણોત્તર પ્રકાશન થયું છે. ભૌતિકવાદની વિરુદ્ધ લખાયેલાં તેમના નિબંધો ‘બિટવીન હૅવન ઍન્ડ અર્થ’(1944)માં સંકલિત થયા છે. તેમનાં ટૂંકાં ગદ્યલખાણો ‘એર્ઝાલુન્ઝૅન ઑસ ઝ્વી વૅલ્ટેન’(194852, ‘સ્ટૉરિઝ ફ્રૉમ ટુ વર્લ્ડ્ઝ’)માં પ્રસિદ્ધ થયાં છે.

વિ. પ્ર. ત્રિવેદી