વેરોકિયો, આન્દ્રેઆ દેલ્લ (જ. 1435, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 1488, ફ્લૉરેન્સ, ઇટાલી) : રેનેસાંસની ફ્લૉરેન્ટાઇન શાખાના સોની, ચિત્રકાર અને શિલ્પી. મૂળનામ : આન્દ્રેઆ દી મિકેલી દી ફ્રાન્ચેસ્કો દાચિયોની. ચિત્રકાર કરતાં તેઓ શિલ્પી તરીકે જ વધુ પંકાયા. રેનેસાંસ-શિલ્પી દોનાતેલ્લોના એ સમોવડિયા ગણાય છે. પિતા ઈંટો અને ટાઇલ્સ બનાવનાર કુંભાર હતા.
વેરોકિયો મહાન રેનેસાંસ-ચિત્રકાર લિયૉનાર્દો દ વિન્ચીના ગુરુ હતા. વેરોકિયોના એક ચિત્ર ‘ધ બૅપ્ટિઝમ ઑવ્ ક્રાઇસ્ટ’માં શિષ્ય લિયૉનાર્દોએ ભાગીદારીમાં ચિત્રકામ કરેલું. અહીં લિયૉનાર્દોએ ચીતરેલા ખડકાળ નિસર્ગ ઉપરાંત ડાબે ખૂણે ઘૂંટણીએ પડતા બે યુવાન દેવદૂતોને એટલા રૂપાળા ચીતર્યા કે શિષ્યની કલાનો પરચો જોઈ ગુરુ વેરોકિયોએ ચિત્રકલાને કાયમ માટે તિલાંજલિ આપી દીધી અને ચિત્રકલાક્ષેત્રે શિષ્ય આગળ પોતાની હાર સ્વીકારી લીધી. પછી માત્ર શિલ્પ-સર્જન પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
શિલ્પમાં વેરોકિયો, પકવેલી માટી, આરસ, કાંસા અને ચાંદીના માધ્યમોમાં કામ કરતા. શિલ્પીઓ ઍન્તૉનિયો દેલ પોલાઇઉલો અને ઍન્તૉનિયો રોઝેલિનોની શૈલીઓનું સંયોજન કરી તેમણે પોતીકી શૈલી ઉપજાવેલી. કાંસાંમાં તેમણે બનાવેલા શિલ્પ ‘ડાઉટિન્ગ ઑવ્ થૉમસ’માં ક્રાઇસ્ટ અને થૉમસના હાવભાવો અને અદાઓ એટલાં બળૂકાં છે કે તે અભિવ્યક્તિમાં શિલ્પી દોનાતેલ્લોની સિદ્ધિઓને આંબી શકતું લાગે છે. આ શિલ્પની ઊંડી અસર માઇક્લૅન્જેલો ઉપર પડેલી.
વેરોકિયોનું સર્વોત્તમ (‘માસ્ટરપીસ’) શિલ્પ ‘ઇક્વેસ્ટ્રિયન મૉન્યુમેન્ટ ઑવ્ કૉલોયોની’ નામનું ઘોડેસવારનું ગણાય છે. કાંસાંમાંથી બનેલું ચાર મીટર ઊંચું આ વિરાટ સ્મારક શિલ્પ વેનિસના લશ્કરના સેનાપતિ બાતૉર્લોમ્યુ કૉલોયોનીએ પોતાના વિલ મારફત પોતાના મરણ બાદ તૈયાર કરવાનું સૂચવેલ. અગાઉ દોનાતેલ્લો ‘ગાતામાલેતા’ નામનું ભવ્ય ઘોડેસવાર શિલ્પ તૈયાર કરેલું; તેવું જ ભવ્ય વિરાટ શિલ્પ પોતાને કંડારતું હોય તેવું સ્વપ્ન તેમણે સેવેલું. વેરોકિયોએ શરીરરચના અનુસાર ઘોડાના પ્રત્યેક સ્નાયુ અને નસને ઉપસાવીને જીવંત શિલ્પ ઘડ્યું છે. ઘોડાએ આગલો ડાબો પગ ચાલવાની મુદ્રામાં ઊંચો ઉઠાવ્યો છે. ઉપર કૉલોયોની અક્કડ અને સાહેબશાહી રોફ અને દમામથી બેઠેલો છે.
વેરોકિયોએ કાંસામાં ડેવિડના શિલ્પનું પણ સર્જન કરેલું.
સંખ્યાબંધ નાનાં ભાઈબહેનોના ભરણપોષણની જવાબદારી વેરોકિયો ઉપર હતી. એ ઉપરાંત નાના ભાઈ તોમેસ્સોની પુત્રીઓને પણ એમણે જ ભણાવી, ગણાવી અને એમના લગ્નખર્ચ અને દહેજખર્ચ પણ ઉઠાવ્યાં. પોતે આમરણ કુંવારા જ રહ્યા. મેડિચી પરિવાર એમનો મુખ્ય આશ્રયદાતા હતો. લિયૉનાર્દોના ગુરુ હોવા ઉપરાંત એ માઇક્લૅન્જેલોના ગુરુ ધીલૉન્ડાયોના પણ ગુરુ હતા.
અમિતાભ મડિયા