વેરેફ્કીન, મારિયાને (. 1860, ટુલા, રશિયા; . 1938, ઍસ્કોના, જર્મની) : જર્મન અભિવ્યક્તિવાદી ચળવળ સાથે સંકળાયેલાં મહિલા- ચિત્રકાર. તેમનો ધનાઢ્ય કુટુંબમાં જન્મ થયેલો. નાનપણમાં ચિત્રો દોરવાના શોખને માતાએ ટેકો આપેલો. થોડો વખત ચિત્રોનાં અંગત ટ્યૂશનો લીધા બાદ તેમણે મૉસ્કો સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાનો વિધિવત્ અભ્યાસ આદર્યો. ત્યારબાદ તેઓ સેંટ પિટર્સબર્ગ ગયાં અને ત્યાં 1886માં તેઓ વિખ્યાત રશિયન ચિત્રકાર ઇલ્યા રેપિનની શિષ્યા બન્યાં. તેમની પર ખિતાબો અને ઇનામોની વર્ષા શરૂ થઈ તથા સામયિકોમાં ઠેર ઠેર તેમની તારીફથી ભરપૂર લેખો છપાવા માંડ્યા. એક વાર શિકાર દરમિયાન 1888માં તેમના જમણા હાથને ઈજા પહોંચી. અહીં તેઓ ચિત્રકાર જૉલેન્સ્કીને મળ્યાં અને તેમની સાથે તેઓ 1896માં મ્યૂનિક ગયાં. તેમણે ચિત્રો ચીતરવાનું બંધ કર્યું અને જૉલેન્સ્કી ઉપરાંત અભિવ્યક્તિવાદી ચિત્રકારજૂથ ‘બ્લો રાઇટર’ના બીજા ચિત્રકારો તરફ પ્રજાને અભિમુખ કરવાનું ભગીરથકાર્ય ઉપાડ્યું. ફ્રાન્ઝ માર્ક, કેન્ડિન્સ્કીના સૌન્દર્યના આદર્શો સામયિકો દ્વારા પ્રજા સુધી પહોંચાડવાના કામ ઉપરાંત તેમણે તેમને એક મિત્ર તરીકે પણ ટેકો પૂરો પાડ્યો અને કલાના ગ્રાહકો લાવી આપ્યાં. પરંતુ 1901થી જૉલેન્સ્કી સાથેના તેમના ઝઘડા શરૂ થયા. તેઓ બંને હવે સાથે રહી શકે તેમ પણ નહોતાં. ‘જૉલેન્સ્કી દ્વારા હું મારા આદર્શો કૅન્વાસ ઉપર મૂર્તિમંત કરી શકીશ એમ માનતી હતી, પણ મારી આ માન્યતા ઠગારી નીવડી છે.’ નિરાશ વેરેફ્કીનના આ ઉદ્ગારો તેમની વાસરીમાં નોંધાયેલા છે. 1905થી તેમણે ફરીથી ચીતરવું ચાલુ કર્યું અને પોતાના આદર્શો મુજબ રચનાઓ કરવી શરૂ કરી. વિરોધી રંગોને નજીક નજીક મૂકી તેમણે નિસર્ગચિત્રો તેમજ આત્મચિત્રો ચીતર્યાં. ફ્યુચરિસ્ટ ચિત્રકારો સાથે તેમણે ઘરોબો કેળવ્યો. 1908માં ગેબ્રિયાલ મૂન્ટર અને જૉલેન્સ્કી સાથે તેમણે મૂર્નોમાં સમૂહપ્રદર્શન કર્યું. 1902માં ‘બ્લો રાઇટર’ જૂથના ચિત્રકારો સાથે સમૂહપ્રદર્શન કર્યું. 1915માં ‘ફર્સ્ટ જર્મન ઑટમ સેલોં ઇન બર્લિન’ના સમૂહપ્રદર્શનમાં તેમણે ભાગ લીધો. 1928માં અભિવ્યક્તિવાદી ચિત્રકારો સ્મીટ-રૉટ્લૂફ અને રૉલ્ફ્સ સાથે તેમણે બર્લિનમાં કલાપ્રદર્શન પણ કર્યું.

અમિતાભ મડિયા