વેરિટી, હેડલી (. 18 મે 1905, હેડિંગ્લી, લીડ્ઝ, યૉર્કશાયર, યુ.કે.; . 31 જુલાઈ 1943, કૅસેર્ટા, ઇટાલી) : આંગ્લ ક્રિકેટ-ખેલાડી. 1930ના દાયકાના વિશ્વના સર્વોત્તમ ધીમા મધ્યમ (slow medium) ડાબેરી સ્પિનર તરીકે તેઓ વ્યાપક ખ્યાતિ પામ્યા હતા. બીજા વિશ્વયુદ્ધની અતિજાણીતી ક્રિકેટ-દુર્ઘટના નિમિત્તે પણ તેમનું નામ જુદી રીતે પ્રસિદ્ધિ પામ્યું હતું – ઇટાલીની યુદ્ધકેદીઓની છાવણીમાં ગ્રીન હાવર્ડ્ઝના કપ્તાન તરીકે તેમને થયેલી ઈજાથી અવસાન થયું હતું. યૉર્કશાયર ટીમમાં વિલ્ફ્રેડ રોડ્ઝ ખેલાડી તરીકે હોવાથી, 25 વર્ષની ઉંમર સુધી તેમની કારકિર્દીનો પ્રારંભ થઈ શક્યો ન હતો, પણ ત્યારબાદ તેમના દેશની મહાન પરંપરા સાથે સુસંગત નીવડે એવી તેજસ્વી કારકિર્દીનો પ્રારંભ થયો.

તેમને તત્કાળ સફળતા સાંપડી અને 1930ની પ્રથમ સિઝનમાં જ તેમણે માત્ર 12.42 રનની સરેરાશથી 64 વિકેટો ઝડપી. તેમની પ્રભાવશાળી વિક્રમરૂપ રમત ચાલુ રહી અને પછીના દશકા દરમિયાન પ્રત્યેક સિઝનમાં તેમણે ઓછામાં ઓછી 150 વિકેટો તો અવશ્ય ઝડપી. વીસમી સદીના આ મહત્વના ખેલાડી માટે આ કારકિર્દીની સર્વોત્તમ સરેરાશ હતી. 193537 દરમિયાન તેમણે દરેક વર્ષે 200 ઉપરાંત વિકેટો ઝડપી. 1932માં યૉર્કશાયર વિ. નૉટિંગહૅમશાયરની રમતમાં તેમણે 10 રનની સરેરાશથી 10 વિકેટ ઝડપી. 10 વિકેટ ઝડપવાનો આ સૌથી ઓછા રનનો આંક હતો અને આ એકમાત્ર આંક એવો હતો કે તેમાં ‘હૅટટ્રિક’ – 3 વિકેટ ઉપરાઉપરી ઝડપવાનો સમાવેશ થતો હતો. 1934માં ઑસ્ટ્રેલિયા સામે રમતાં ઇંગ્લૅન્ડ વતી તેમણે લૉર્ડ્ઝ ખાતે 7-61 અને 8-43 પ્રમાણે વિકેટો ઝડપી, ટેસ્ટ ક્રિકેટમાં એક જ દિવસમાં કોઈ એક ગોલંદાજને મળેલી આ 15 વિકેટો સૌથી વધુ હતી.

તેઓ એક ઉપયોગી બૅટધર પણ હતા. 1937માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મૅચમાં ઇંગ્લૅન્ડ વતી તેમને દાવનો આરંભ કરવા મોકલાયા હતા.

તેમની કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે :

(1) 1931-39; 40 ટેસ્ટ, 669 રન (સરેરાશ 20.90); એક દાવમાં સૌથી વધુ જુમલો 66 (અણનમ); 24-37 રનની સરેરાશથી 144 વિકેટ; એક દાવમાં સર્વોત્તમ ગોલંદાજી 843; 30 કૅચ.

(2) 1930-39; પ્રથમ કક્ષાની મૅચ; 18.08ની સરેરાશથી 5,605 રન, સદી 1, એક દાવમાં સૌથી વધુ જુમલો 101; 14.90ની સરેરાશથી 1950 વિકેટ; એક દાવમાં સૌથી ઉત્તમ ગોલંદાજી 10 રનની સરેરાશથી 10 વિકેટ; 269 કૅચ.

મહેશ ચોકસી