વેદોપદેશચંદ્રિકા : ગુજરાતી લેખક દ્યા દ્વિવેદની ‘નીતિમંજરી’નો ઉપદેશ વેદકથાઓ સાથે રજૂ કરતો ગ્રંથ. વેદવિદ સ્વામી ગંગેશ્વરાનંદજી મહારાજશ્રીએ એકીસાથે વિદ્વાન અને સામાન્ય જિજ્ઞાસુને વેદના માધ્યમથી ઉત્તમ નીતિબોધ અને આધ્યાત્મિક ચિંતનનો લાભ આપતો હિન્દી ભાષામાં લખેલો અને વારાણસીથી પ્રકાશિત થયેલો ગ્રંથ (સં. 2026). આ ગ્રંથનું સંપાદન સ્વામી ગોવિંદાનંદજી મહારાજે કર્યું છે. આ ગ્રંથનો આધાર ગુજરાતના વડનગરના શ્રી દ્યા દ્વિવેદીએ ઈ. સ. 1607માં રચેલ ‘નીતિમંજરી’ નામનો ગ્રંથ છે. દ્યા દ્વિવેદજીએ ક્ષેમેન્દ્રના ‘ચારુચર્યા’ નામના ગ્રંથમાંથી પ્રેરણા લઈ ‘નીતિમંજરી’માં 164 શ્ર્લોકોમાં સંસ્કૃત ભાષામાં સુભાષિતો રચ્યાં છે અને એની વિશેષતા એ છે કે સુભાષિતના સમર્થનમાં એમણે ઋગ્વેદમાંથી દૃષ્ટાન્તો આપ્યાં છે. ગ્રંથ પરની સ્વોપજ્ઞ ટીકામાં 188 વેદમંત્રો આપી, તેમને સમજાવ્યા પણ છે. સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજીએ ‘નીતિમંજરી’નો પરિષ્કાર કર્યો છે. પુનરુક્ત કે અતિગૂઢ વિષયવાળા સુભાષિતનો ત્યાગ કર્યો છે તો કેટલાંક નવાં સુભાષિતો ઉમેર્યાં પણ છે. ‘વેદોપદેશચંદ્રિકા’નું મહત્વ એ છે કે તેમાં સ્વામીશ્રીએ સુભાષિતમાંના વૈદિક દૃષ્ટાન્તને સંપૂર્ણ રીતે ખોલી આપવા માટે વેદકથાઓ આપી છે. કથાશૈલી મનોહર છે. જરૂર પડી ત્યાં ઋગ્વેદ ઉપરાંત અન્ય વેદો તથા બ્રાહ્મણગ્રંથોમાંથી પણ કથાઓ કે ઉદ્ધરણો આપ્યાં છે. આ ગ્રંથનાં સુભાષિતો ઋગ્વેદનાં દશેય મંડળમાંથી ક્રમપૂર્વક ગોઠવ્યાં છે. એ રીતે અહીં કુલ 102 શ્ર્લોકો, 90 કથાઓ અને 108 વેદઋચાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની નિરૂપણપદ્ધતિ પ્રાય: આ પ્રકારની છે : પ્રથમ નીતિપરક શ્ર્લોક, પછી એની વ્યાખ્યા અને પૂર્વભૂમિકા, પછી સુભાષિતમાં પ્રસ્તુત નીતિબોધને અનુરૂપ વેદ, બ્રાહ્મણ વગેરે પર આધારિત કથા, તેનો અર્થ, આવશ્યકતા જણાય તો કથાનું રહસ્ય પ્રગટ કરતાં અર્થઘટનો અને પછી એ કથાસૂચક ઋચા તથા તેનો અર્થ, અંતમાં કથાના ઉપલબ્ધ સ્રોત પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ દૃષ્ટિએ સ્વામીશ્રીએ સમજાવેલી શુન:શેપની કથા નોંધનીય છે.
આ ગ્રંથમાં કુલ 472 પૃષ્ઠ છે. તેમાં 110 પૃષ્ઠો પરિશિષ્ટનાં છે. કુલ સાત વિભાગમાં વહેંચાયેલા આ પરિશિષ્ટમાં ઋગ્વેદની વાસ્તવિક ઋક્સંખ્યા, દેવતા, ઋષિ અને છંદોવિચાર, પ્રતિમંડળ, ઋષિ-સૂક્ત વિભાગ, ઋગ્વેદના પુનરુક્ત મંત્રો, ઋષિ-છંદ-દેવતા વિવેચન અને વૈદિક મંત્ર-સૂક્ત સંગતિનો સમાવેશ થયો છે. અંતે સ્વામીશ્રીનો ‘સર્વં વેદાત્ પ્રસિધ્યતિ’ નામનો લેખ છે. તેમાં ઋગ્વેદના ‘ચત્વારિ શૃંગા’ – એ અતિ પ્રસિદ્ધ મંત્ર(4-5-83)નાં દર્શન, ભક્તિ અને શાસ્ત્રદૃષ્ટિએ અનેક અર્થઘટનો આપવામાં આવ્યાં છે.
આ હિન્દી ગ્રંથનો ગુજરાતી અનુવાદ ગૌતમ વાડીલાલ પટેલ અને નીલમ ગૌતમ પટેલે કર્યો છે. તેનું પ્રકાશન ઈ. સ. 2001માં સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા થયું છે.
વસંત પરીખ