વિંશતિવિંશિકા : એક સુંદર પ્રાકૃત રચના. એના રચનાર છે સુપ્રસિદ્ધ જૈન આચાર્ય યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ. આ ધાર્મિક ગ્રંથમાં કુલ 20 અધિકાર છે અને આ દરેક અધિકારમાં વીસ-વીસ ગાથાઓ છે. એ રીતે એનું ‘વિંશતિવિંશિકા’ એવું નામ યથાર્થ ગણાય. આ ગણતરી અનુસાર 20 x 20 = 400 ગાથાઓ સમગ્ર ગ્રંથની ગણાય. એમાં આલેખાયેલા વિષયોમાં મુખ્ય આ પ્રમાણે છે : લોકઅનાહિત, કુલનીતિ, લોકધર્મ, ચરમાવર્ત, બીજ, સદ્ધર્મ, દાન, પૂજા, શ્રાવકધર્મ, યતિધર્મ, આલોચના, પ્રાયશ્ચિત્ત, યોગ, કેવલજ્ઞાન, સિદ્ધભેદ, સિદ્ધસુખ વગેરે. અમદાવાદની પ્રસિદ્ધ સરકારી કૉલેજ ગુજરાત કૉલેજમાં સંસ્કૃત તથા અર્ધમાગધીના પ્રાધ્યાપક પ્રો. કાશીનાથ વાસુદેવશાસ્ત્રી અભ્યંકરે મૂળ પ્રાકૃત ગાથાઓ, દરેકની સંસ્કૃત છાયા તથા અંગ્રેજીમાં અતિ મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓ (‘નોટ્સ’) સાથે આ સમગ્ર ગ્રંથને સંપાદિત કરી 1932માં પુણેથી પ્રકાશિત કર્યો છે. સંપાદક-પ્રકાશકની વિગતો આ પ્રમાણે છે : ‘પ્રો. કે. વી. અભ્યંકર, 981 સદાશિવ પેઠ, પુણે 2 : ઈ. સ. 1932, શકસંવત 1854, વિક્રમ સંવત 1989, કિંમત 2/ રૂપિયા.’ વિદ્વાન સંપાદકે ગ્રંથના પ્રારંભે સંસ્કૃતમાં પ્રાસ્તાવિક નિવેદન અને અંતે સંસ્કૃતમાં પરિશિષ્ટ મૂક્યું છે. બંને ટૂંકાં છતાં ખૂબ ઉપયોગી વિગતોથી સભર છે. પ્રાસ્તાવિક નિવેદનમાં રચયિતા હરિભદ્રસૂરિના જીવન-કવન ઉપરાંત તેમના જીવનકાળ અંગે વિદ્વત્તાપૂર્ણ છણાવટ કરી છે. અંતે એવું તારણ કાઢ્યું છે કે સૂરિજી વિ. સં. 800થી 950 દરમિયાન થઈ ગયા હોવાનો સંભવ છે. સંસ્કૃત પરિશિષ્ટમાં હરિભદ્રસૂરિની રચનાઓની ક્રમબદ્ધ સૂચિ આપી છે. તેમની કૃતિઓનો ક્રમ પ્રો. અભ્યંકર વિમર્શપૂર્વક આ પ્રમાણે ગોઠવે છે :
(1) ટીકાગ્રંથો, (2) ધર્મકથાઓ, (3) અનેકાન્તજયપતાકા, લોકતત્ત્વનિર્ણય આદિ જૈન સિદ્ધાન્તનું પ્રતિપાદન કરનારા ગ્રંથો, (4) ‘ષડ્દર્શન સમુચ્ચય’, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય’, ‘અષ્ટકપંચાશક’ વગેરે દર્શનગ્રંથો, (5) યોગદર્શન પ્રતિપાદક બે ગ્રંથો : ‘યોગબિન્દુ-સમુચ્ચય’ અને ‘યોગદૃષ્ટિસમુચ્ચય’, (6) છેલ્લે જેની પ્રજ્ઞા પરિણત થઈ છે તેવા સૂરિજીએ આગમસારભૂત અને પોતાના ગ્રંથોમાં પ્રતિપાદિત વિવિધ વિષયોના સંગ્રહસ્થાનરૂપ ‘વિંશતિવિંશિકા’ ગ્રંથ રચ્યો હશે.
આમ પ્રખર વિદ્વાન સંપાદકના મતે આ ગ્રંથ તેમના ગ્રંથોમાં શિરમોર ગણાય છે.
જયન્ત પ્રે. ઠાકર