કુંભી : થાંભલાનો ભાર ઝીલવા તેની નીચેના ભાગની મોટા આકારની બેસણી. તે થાંભલાના ઉપરના ભારનું વહન કરવા મજબૂત બનાવવાના હેતુસર મોટા આકારની હોય છે, તે મંદિરના પીઠના કુંભને સમાંતર અને તદનુરૂપ જ હોય છે. કુંભીના કોણ અને ભદ્ર પણ પીઠના કોણ ઉપર અને ભદ્ર જેવાં જ પ્રમાણસર બનાવવામાં આવે છે. કુંભીની પહોળાઈ સામાન્ય રીતે પ્રાસાદના એક ભદ્રના જેટલી હોય છે. મંડપના જુદા જુદા પ્રકાર હોય છે, તે જ પ્રમાણે કુંભીના ભદ્ર કોઈ વાર કોતરેલા કે મિશ્ર હોય છે. કુંભીનું મથાળું સાંકડું અને તળ આવશ્યકતાનુસાર પહોળું હોય છે. કુંભીના ગળા આગળની રચનાને કેવાળ કહે છે. છેક નીચેનો ભાગ પાટલી કહેવાય છે. એ બંનેની વચમાં અંતરાલ છાજલી ઇત્યાદિ પીઠાનુસાર વિભાગ હોય છે.
પ્રિયબાળાબહેન શાહ