વિષ અને વિષાક્તતા (Poison and Poisoning)
February, 2005
વિષ અને વિષાક્તતા (Poison and Poisoning)
શરીરને હાનિકારક દ્રવ્યો અને તેમનાથી થતી શારીરિક અસર. તે અંગેના અભ્યાસને વિષવિદ્યા (toxicology) કહે છે. સજીવકોષોમાંનાં રસાયણો જે ઝેરી અસર કરે છે તેમને રસવિષ (toxin) કહે છે; પરંતુ ‘વિષ’ અને ‘રસવિષ’ શબ્દો ઘણી વખત એકબીજા માટે પણ વપરાય છે. ઝેર અથવા વિષની એક સ્પષ્ટ વ્યાખ્યા આપવી અઘરી છે; કેમ કે, જે પદાર્થ કોઈ એક સ્થિતિમાં નિર્દોષ લાગતો હોય તે બીજી પરિસ્થિતિમાં જીવનને સંકટ કરનારો પણ હોઈ શકે, જેમ કે, અલ્પમાત્રામાં પોટૅશિયમના ક્ષાર લાભકારક અને અનિવાર્ય ગણાય છે, જ્યારે તેમની મોટી માત્રા અથવા હૃદય કે મૂત્રપિંડના કેટલાક રોગોમાં તે મૃત્યુકારક નીવડે છે. તેથી તેને વ્યાપક રીતે વર્ણવીને વ્યાખ્યાયિત કરવું હોય તો કહેવાય કે ઝેર (વિષ) એક એવો પદાર્થ છે કે જેને જ્યારે લેવામાં આવે ત્યારે તે માંદગી, રોગ કે મૃત્યુ નિપજાવે છે. તે સંશ્ર્લેષિત (માનવસર્જિત), ખનીજદ્રવ્ય, પ્રાણીજન્ય કે વનસ્પતિજન્ય દ્રવ્ય હોઈ શકે; જે મોં, શ્વાસ, નસ, ચામડી, શ્ર્લેષ્મકલા, ઇન્જેક્શન વગેરે ગમે તે માર્ગે શરીરમાં પ્રવેશે છે. આ વ્યાખ્યામાં યુદ્ધકાલીન કે અકસ્માતજન્ય વિષરૂપ વાયુઓનો પણ સમાવેશ થાય છે.
વિષાક્તતા (ઝેરી અસર) 2 પ્રકારની ગણાય છે : ઉગ્ર અને દીર્ઘકાલીન. કેટલાંક દ્રવ્યો સુરક્ષિત માત્રાથી વધુ પ્રમાણમાં લેવાય તો તેમની ઝેરી અસર ટૂંકા સમયમાં દર્શાવે છે, જેને ઉગ્ર (acute) વિષાક્તતા અથવા ઉગ્ર ઝેરીકરણ (acute poisoning) કહે છે. તેની સામે કેટલાંક દ્રવ્યો શરીરમાં થોડી થોડી માત્રામાં લાંબો સમય પ્રવેશ કરીને સંગ્રહાય છે અને તે લાંબા સમયે તેમની ઝેરી અસર દર્શાવે છે, તેને દીર્ઘકાલી (chronic) વિષાક્તતા કે ઝેરીકરણ કહે છે.
ઉગ્ર વિષાક્તતા દરેક પ્રકારના દેશોમાં સામાન્યપણે જોવા મળતી અને તાત્કાલિક સારવાર માંગતી જીવની જોખમી પરિસ્થિતિ છે. ઇંગ્લૅન્ડમાં હૉસ્પિટલમાં તાત્કાલિક સારવારની જરૂર માટે દાખલ થયેલા દર્દીઓના 15 %થી 20 % દર્દીઓને ઉગ્ર વિષાક્તતા થયેલી હોય છે. ઉગ્ર અસર કરતાં ઝેર મુખ્યત્વે 2 રીતે લેવાયેલાં/અપાયેલાં હોય છે : (અ) અકસ્માત રૂપે અને (આ) ઇરાદાપૂર્વક. ઇરાદાપૂર્વક થયેલા ઝેરીકરણમાં મુખ્યત્વે તે જાતે લેવાયેલાં હોય છે; જેમાં બહુ જ ઓછા પ્રમાણમાં આત્મહત્યા કરવાને ઇરાદે હોય છે. બહુ જ થોડા પ્રમાણમાં તે અન્ય વ્યક્તિને મારી નાખવા માટે વપરાયાં હોય છે. બાળકોમાં થતું ઝેરીકરણ મોટાભાગના કિસ્સામાં આકસ્મિક હોય છે.
મોટી ઉંમરે 80 % કિસ્સામાં જાતે લેવાયેલા ઝેરમાં પણ આત્મહત્યાનો ઇરાદો હોતો નથી. તેને સ્વવિષીકરણ (self poisoning) કહે છે. તે અનાત્મહત્યાલક્ષી (parasuicidal) હોય છે. તેમાં મુખ્ય કારણ પોતાને મૃત્યુ ન થાય તેવી હાનિ પહોંચાડવાનું હોય છે. સ્વવિષીકરણ અસહ્ય પરિસ્થિતિને પહોંચી વળવા (redress) અને ઇરાદાપૂર્વક બદલવા માટેનું એક સભાન આયોજિત અને આવેગપૂર્ણ કાર્ય છે. ખોરાકમાંના સૂક્ષ્મજીવોથી થતા વિકારને આહારી વિષાક્તતા (food poisoning) કહે છે. તેમાં સૂક્ષ્મજીવોના ચેપને કારણે કે તેમનામાંના ઝેરને કારણે થાય છે. સૂક્ષ્મજીવો તથા અન્ય સજીવકોષોમાંના ઝેરને રસવિષ (toxin) કહે છે. આકસ્મિક ઝેરીકરણ ઘરમાં, કૃષિક્ષેત્રે તથા ઔદ્યોગિક ક્ષેત્રે જોવા મળે છે.
મોટાભાગના દેશોમાં પુરુષો કરતાં સ્ત્રીઓમાં સ્વવિષીકરણનું પ્રમાણ વધારે હોય છે; પરંતુ ભારતમાં પુરુષોમાં પણ તેનું પ્રમાણ વધુ રહે છે. તેનું વધુ પ્રમાણ બીજા અને ત્રીજા દાયકામાં વધુ રહે છે. સ્વવિષીકરણનું કારણ ઘણે ભાગે સામાજિક હોય છે; પરંતુ તે આર્થિક તથા અન્ય કારણોથી પણ હોય છે. જુદા જુદા સાંસ્કૃતિક અને ધાર્મિક પરિપ્રેક્ષ્યવાળા સમાજોમાં ઝેર લેવાનાં કારણો બદલાતાં રહે છે. જેણે એક વખત ઝેર લીધું છે તે તેવું ફરીથી કરે એમ સંભાવના વધુ હોય છે અને 1 વર્ષમાં આશરે 20 %ના દરે ફરીથી ઝેર લેવાનું થતું હોય છે.
સ્વવિષીકરણમાં ઉપલબ્ધિની સરળતાને આધારે જુદા જુદા સમયે જુદા જુદા પ્રકારનાં ઝેરનો ઉપયોગ થતો રહ્યો છે. ઑર્ગેનોફૉસ્ફરસ જૂથનાં રસાયણો ઉંદર, વંદા વગેરે વિવિધ પ્રાણીઓનો નાશ કરવા માટે વપરાશમાં છે અને તેથી તે ઘરમાં સહેલાઈથી મળી શકે છે; તેથી તેનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો જોવા મળ્યો છે. આ ઉપરાંત ઍસિડ, કૉસ્ટિક દ્રવ્યો, ઘેનકારક દવાઓ (બાર્બિચ્યુરેટ્સ, બેન્ઝોડાયાઝેપાઇન્સ, ત્રિચક્રીય ખિન્નતારોધકો), તાવ, દુખાવો અને સોજો ઘટાડતી દવાઓ(સેલિસિલેટ્સ, બિનસ્ટીરૉઇડી પ્રતિશોથ ઔષધો જેવાં કે ડાઇક્લોપ્રોફેન, પેરાસિટેમોલ વગેરે)નો પણ ઉપયોગ જોવા મળેલો છે. ભારતમાં સાપના ઝેરને કારણે થતું ઝેરીકરણ ઘણો મોટો ભાગ ભજવે છે.
ઝેરનું વર્ગીકરણ : વિવિધ પ્રકારનાં ઝેરને તેમની સારવાર તથા સંભવિત આનુષંગિક તકલીફોની સમજણની અનુકૂળતા રહે તે માટે વર્ગીકૃત કરાય છે. તેમને મુખ્ય 3 જૂથમાં વહેંચવામાં આવે છે : દાહક (corrosive), સંક્ષોભક (irritants) અને ચેતાવિષ (neurotic). તેમને સારણી 1માં દર્શાવ્યાં છે.
સારણી 1 : વિવિધ પ્રકારનાં ઝેરનું વર્ગીકરણ
ક્રમ | જૂથ | ઉદાહરણ | |
1. | દાહકો (corrosive) | અ. | તીવ્રઅમ્લ (acids) |
આ. | ક્ષારદ (alkalies) | ||
2. | સંક્ષોભકો (irritants) | અ. | અસેન્દ્રિય (inorganic) |
અધાતવી (nonmetalic) : ફૉસ્ફરસ, | |||
ક્લૉરિન, બ્રોમીન, આયોડિન | |||
-ધાતવી (metalic) : આર્સેનિક, પારો, | |||
ઍન્ટિમની, તાંબું, સીસું, જસત, ચાંદી | |||
આ. | સેન્દ્રિય (organic) | ||
-વનસ્પતિજન્ય : દીવેલનું તેલ, | |||
ક્રોટન તેલ | |||
-પ્રાણીજન્ય : સાપ અને જંતુના ડંખ | |||
ઈ. | યાંત્રિક (mechanical) : હીરાની રજ, | ||
કાચનો ભૂકો, વાળ વગેરે | |||
3. | ચેતાવિષ (neurotic) | અ. | મોટા મગજને અસર કરતાં ઝેર |
(મસ્તિષ્કી, cerebral) | |||
-નિદ્રાપ્રેરક (somniferous) : અફીણ | |||
અને તેના ક્ષારદાભો (alkaloids) | |||
-(inobriant), આલ્કોહૉલ, ઇથર, | |||
ક્લૉરોફૉર્મ | |||
મનોભ્રંશી (deliriant) : ધતૂરો, | |||
બેલાડોના, હાયોસાયેમસ, કેનાબિસ | |||
ઇન્ડિકા | |||
આ. | કરોડરજ્જુને અસર કરતાં ઝેર | ||
(મેરુરજ્જવી, spinal) : ઝેરકચોલું, | |||
જેલ્સ્મિયમ | |||
ઇ. | હૃદયને અસર કરતાં ઝેર (હૃદયી, | ||
cardiac) : એકોનાઇટ, ડિજિટાલિસ, | |||
કરેણ, તમાકુ | |||
ઈ. | ફેફસાંને અસર કરતાં ઝેર (ફુપ્ફુસીય, | ||
pulmonary) : ઝેરી વાયુઓ-કોલગૅસ, | |||
કાર્બન મોનૉક્સાઇડ, અંગારવાયુ | |||
ઉ. | પરિઘવર્તી ચેતાઓને અસર કરતાં ઝેર | ||
(પરિધીય ચેતાકીય, peripheral | |||
neural) : કુરારે, કોનિયમ વગેરે. |
પ્રવેશમાર્ગ : ઝેર શરીરમાં બે રીતે પ્રવેશે છે આંત્રીય (enteral) માર્ગે અને પરાંત્રીય (perenteral) માર્ગે. મોં વાટે કે મળમાર્ગે લેવાતાં ઝેરનું અવશોષણ જઠરાંત્રીય માર્ગ(જઠર-આંતરડાં)માંથી થાય છે, જ્યારે ચામડી કે શ્ર્લેષ્મકલાના સંસર્ગમાં આવતાં કે ઇન્જેક્શન (સ્નાયુ કે નસમાં) દ્વારા અપાતાં ઝેર આંતરડા દ્વારા અવશોષાઈને નહિ, પરંતુ અન્ય રીતે પ્રવેશે છે; માટે તેને પરાંત્રીય પ્રવેશ કહે છે. ક્યારેક ચામડી કે શ્ર્લેષ્મકલા પર ઈજા થયેલી હોય તો તેના દ્વારા પણ ઝેર લોહીમાં પ્રવેશે છે. શરીરમાં પ્રવેશેલું ઝેર તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પ્રમાણે તથા જો તેનો ચયાપચય થાય તો તેના શેષ દ્રવ્યોના ગુણધર્મો પ્રમાણે ઝેરી અસર ઉપજાવે છે. કેટલાંક ઝેર યકૃતમાં સંગ્રહાય છે. તેવા સમયે તે યકૃતને કે જો તે ત્યાંથી ધીમે ધીમે લોહીમાં વિમુક્ત થતું હોય તો શરીરના અન્ય ભાગોને લાંબા સમય સુધી ઝેરી અસર પહોંચાડે છે. કેટલાંક ઝેર ચયાપચય દ્વારા નિષ્ક્રિય થાય છે; તો કેટલાંક મળ, મૂત્ર, પરસેવો, લાળ, પિત્ત, સ્તન્ય(દૂધ) વગેરેમાં ઉત્સર્જિત થાય છે. સ્તન્યદૂધમાં ઉત્સર્જિત થતું ઝેર સ્તન્યપાન કરતા શિશુને ઝેરી અસર પહોંચાડી શકે છે. લાળ, પિત્ત વગેરેમાં વિસ્રવણ પામતાં ઝેર પાછાં અવશોષાઈને શરીરમાં પુન: પરિભ્રમણ કરતાં હોય છે. આવા પરિભ્રમણને યકૃતાંત્રીય પરિભ્રમણ (enterohepatic circulation) કહે છે.
ઝેરી અસર : ઝેરની શરીર પર વિવિધ રીતે અસર ઉદ્ભવે છે જેમ કે; સ્થાનિક, દૂરસ્થાનિક તંત્રીય અને સાર્વત્રિક. ઝેરના પ્રવેશને સ્થળે થતી અસરને સ્થાનિક અસર કહે છે. ક્યારેક ઝેરની અસર પ્રવેશ-સ્થળે નહિ, પણ અન્ય એક સ્થળે થાય તો તેને દૂરસ્થાનિક અસર કહે છે. ક્યારેક તે એક અવયવીતંત્રને અસરગ્રસ્ત કરે છે (તંત્રીય) અથવા તો તે શરીરમાં વ્યાપકપણે ઝેરી અસર ઉત્પન્ન કરે છે (સાર્વત્રિક). ઝેરની શરીર પરની અસર વિવિધ પરિબળોથી બદલાય છે. તેમાં 4 મુખ્ય પરિબળો છે. ઝેરની માત્રા (dose), ઝેરનું સ્વરૂપ, પ્રવેશપદ્ધતિ અને શરીરની સ્થિતિ. મોટેભાગે જેમ માત્રા વધુ તેમ તેની અસર વધુ થાય; પરંતુ ક્યારેક વધુ માત્રામાં લેવાયેલું ઝેર ઊલટી વાટે નીકળી જાય તો તેની ઓછી અસર રહે અને ઓછી માત્રાવાળું ઝેર બહાર ન નીકળી જવાથી વધુ ઝેરી અસર બતાવે. ક્યારેક વધુ માત્રામાં લેવાતું ઝેર તેની દાહક અસર દર્શાવે અને ઉગ્ર ઝેરીકરણથી મૃત્યુ નિપજાવે તો ઓછી માત્રામાં લેવાતું ઝેર દીર્ઘકાલી ઝેરીકરણને કારણે કોઈ અન્ય પ્રકારનો વિકાર પણ સર્જે; જેમ કે, ઑક્ઝેલિક ઍસિડ ભારે માત્રામાં દાહક છે, જ્યારે લાંબા સમયની પણ થોડી માત્રા હૃદયને અસરગ્રસ્ત કરે છે. ઘન કરતાં પ્રવાહી અને તેના કરતાં વાયુ સ્વરૂપનાં ઝેર વધુ ઝડપી અસર કરે છે. ઝેરની દ્રાવ્યતા, તેની સાથે પ્રવેશતા અન્ય પદાર્થો વગેરેની અસર તેમની વિષાક્તતા પર થાય છે. ઉંમર, ટેવ, કોઈ અવયવની બીમારી વગેરે વિવિધ પરિબળો પણ ઝેરી અસરની તીવ્રતાને અસર કરે છે. સામાન્ય રીતે નાનાં બાળકો અને વૃદ્ધોને ઝેરી અસર વધુ થાય છે. કેટલાંક દ્રવ્યો નશો કરે છે; જેમ કે, દારૂ, અફીણ. તેમને લાંબા સમયથી ક્રમશ: વધતી માત્રામાં લેવામાં આવેલાં હોય તો ઘણી મોટી માત્રામાં પણ તેમની ઉગ્ર ઝેરી અસર થતી નથી. યકૃત કે મૂત્રપિંડ જેવા અવયવો વિકારગ્રસ્ત હોય તો ઝેરનું નિર્વિષીકરણ (detoxification) કે ઉત્સર્જન ઘટે છે અને તેવે સમયે ઝેરની અસર વધુ થાય છે.
લક્ષણો, ચિહ્નો અને નિદાન : મોટાભાગનાં ઝેરનાં ચિહ્નો અને લક્ષણો અલાક્ષણિક (nonspecific) હોય છે. તેથી પરિસ્થિતિજન્ય (circumstantial) સૂચનો વડે ક્યારેક નિદાન કરાય છે; દા.ત., પાસે પડેલી ગોળીઓ, તેનાં પત્તાં કે ખાલી કે ભરેલી બાટલીઓ વડે શક્ય દવા કે રસાયણના લેવાવા વિશે અટકળ કરી શકાય છે. તેવી જ રીતે દર્દીને ઊલટી થઈ હોય તો તેનો રંગ, ગંધ, તેમાંના પદાર્થો પણ ક્યારેક સૂચન કરે છે. ક્યારેક તેમની ચોક્કસ પ્રકારની સ્થાનિક કે અવયવતંત્રીય અસર પરથી તે કેવા પ્રકારનું રસાયણ હશે તેની ધારણા કરાય છે. દાહક કે સંક્ષોભક ઝેર પ્રવેશસ્થળે અને માર્ગે રાસાયણિક દાહ અથવા સંક્ષોભ (irritation) સર્જે છે; ક્યારેક ચેતાતંત્ર, હૃદય, ફેફસાં કે અન્ય અવયવો પરની ઝેરી અસર સંભવિત ઝેરની ઓળખ દર્શાવે છે. કેટલાંક મહત્વનાં ઝેર અંગેની તે પ્રકારની માહિતી સારણી 2માં દર્શાવી છે :
સારણી 2 : દવાઓ કે ઝેરની શારીરિક અસરો
શારીરિક અસરો | સંભવિત ઝેરી દ્રવ્ય | |
1. | ઊલટી, શ્વસનક્રિયા ઘટે, | અફીણ, અફીણ જૂથની દવા, |
ટાંકણીની ટોચ જેવી નાની કીકી | ડેક્સૉપ્રોપૉક્સિફેન, કોલિનઇસ્ટરેઝ અવદાબકો | |
2. | પહોળી કીકી, મૂત્રાશય ભરાય, | ત્રિચક્રીય ખિન્નતારોધક |
આંતરડાનું હલનચલન ઘટે, | (tricyclic antidepressant) | |
હૃદયના ધબકારા અનિયમિત થાય, | ||
ચેતાતંત્રીય વિકાર રૂપે ઊર્ધ્વ- | ||
પ્રેરક ચેતાકોષીય (upper | ||
motor neuron) વિકાર | ||
3. | અતિશય પરસેવો, કાનમાં | સેલિસિલેટ્સ |
ઘંટડીનાદ, બહેરાશ, અતિશ્વસન | ||
4. | મોંમાં ક્ષરણકારી દાહ | ઍસિડ, આલ્કલી, ફિનોલ, ક્રેસોલ |
5. | વિશિષ્ટ ગંધ | દારૂ, દ્રાવકો, બાષ્પનશીલ (volatile) હાઇડ્રોકાર્બનો |
6. | ચામડી પર ફોલ્લા | બાર્બિચ્યુરેટ્સ, ત્રિચક્રીય ખિન્નતા- રોધકો, કાર્બન મોનૉક્સાઇડ |
હવે ગોળીઓ/કૅપ્સ્યૂલો વગેરેની ઓળખ નિશ્ચિત કરવા માટે સંકેત-ક્રમાંક, રંગ, કદ, આકાર વગેરે લાક્ષણિકતાઓને નિર્ધારિત કરવામાં આવી રહી છે; જેથી કરીને તેની ઝેરી અસર થયેલી હોય તો તેની ઓળખ નિશ્ચિત કરી શકાય. મૂત્ર, જઠરશોધનનું પ્રવાહી તથા લોહીની વિષ-વિદ્યાલક્ષી તપાસ કરીને ઝેરની ઓળખ નક્કી કરી શકાય છે. આવી તપાસ માટે 50 મિલી. મૂત્ર કે જઠરશોધન પ્રવાહી તથા 10 મિલી. લોહીના નમૂના પરથી સામાન્ય રીતે આવી તપાસ કરવામાં આવે છે.
ઝેરની શરીર પરની અસરને કારણે ઉદ્ભવતાં લક્ષણો અને ચિહ્નોને આકૃતિ 2માં દર્શાવ્યાં છે. તેથી સૌપ્રથમ નાડી-દર, લોહીનું દબાણ, શ્વસનક્રિયા, હૃદયના ધબકારા, સભાનાવસ્થા, કીકીનું કદ, અન્ય ચેતાતંત્રીય ચિહ્નો, શરીરનું તાપમાન તથા મૂત્રપિંડ, યકૃત અને અન્ય મહત્વની ચયાપચયી ક્રિયાઓની માહિતી મેળવાય છે. ઉગ્ર ઝેરીકરણ વખતે વ્યક્તિ તેની સભાનતા ગુમાવે તો તેની તીવ્રતા નક્કી કરવા માટેના માનંદડો નક્કી કરાયેલાં છે (સારણી 3).
જો દર્દીનો શ્વસનદર 20/મિનિટથી વધુ હોય તો તે અતિઅમ્લતા-વિકાર (acidosis), ઉગ્ર ફેફસીશોફ (acute pulmonary oedema), ન્યૂમોનિયા અથવા પુખ્તવયી શ્વસનીય દુસ્ત્રસ્તતા સંલક્ષણ (adult respiratory distress syndrome, ARDS), થયાનું સૂચન કરે છે. જો દર્દીનું લોહીનું દબાણ ઘટી ગયું હોય અને તે આઘાતની સ્થિતિ થાય તો તેનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે. ઝેરની અસર હેઠળ જો ચેતાતંત્રનું અવદમન થયેલું હોય અને શરીરનું તાપમાન ઘટી જાય તો આઘાતની સ્થિતિનાં બધાં લક્ષણો સ્પષ્ટ ન પણ થાય. સામાન્ય રીતે જો 50 વર્ષથી વધુ વયે હૃદયસંકોચનીય લોહીનું દબાણ (ઉપરનું દબાણ) 90 મિમી. પારોથી ઓછું થાય અને તેથી નાની વયે 80 મિમી. પારોથી ઘટે તો તેને આઘાતની સ્થિતિ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જીવનને ઘણું સંકટ થઈ આવે છે. તેવે સમયે પેશીમાં લોહીનું પરિભ્રમણ બરાબર થાય છે કે નહિ તે જાણવા મળશયી તાપમાન (rectal tempreature) લઈને શરીરના મધ્યદળ(core)નું તાપમાન જળવાયેલું છે કે નહિ તે જાણી લેવાય છે. તે રીતે મૂત્રાશયમાં નિવેશિકાનળી (catheter) નાંખીને મૂત્રનું ઉત્પાદન બરાબર થાય છે કે નહિ તે જાણવામાં આવે છે. હૃદયના ધબકારાની માહિતી મેળવવા માટે સતત માનેક્ષણ (monitoring) કરાય છે. ચયાપચયના અવદમનને કારણે શારીરિક તાપમાન ઘટે છે. શરીરનું તાપમાન ઘટી જાય તેને અલ્પોષ્ણતા(hypothermia)નો વિકાર કહે છે. જ્યારે મળાશયી તાપમાન ઘટીને 30o થી 36o સે.ની વચ્ચે હોય તો તેને મધ્ય તીવ્રતાવાળો વિકાર ગણાય છે અને જો તે 30o સે.થી પણ ઘટી જાય તો તે તીવ્ર અને જીવન જોખમી વિકાર ગણાય છે. અલ્પોષતા થાય તો તે આઘાત, અતિઅમ્લતાવિકાર અને અલ્પઑક્સિજનતા-(hypoxia)ના વિકારોને વધારે છે. તીવ્ર વિષાક્તતા થઈ હોય તો વીજવિભાજ્યો(electrolytes)ના સંતુલનનું સતત માનેક્ષણ કરાય છે. તે માટે વારંવાર જરૂરી જૈવરસાયણી કસોટીઓ કરાય છે.
સારવાર : મોટાભાગના ઝેર માટે વિશિષ્ટ અને લક્ષ્યવેધી પ્રતિવિષ (antidote) ઉપલબ્ધ નથી. તેથી સારવારનો મુખ્ય અભિગમ જીવન ટકાવી રાખવું, વિકારોની નાબૂદી કરવી તથા શરીરમાંથી શક્ય હોય તેટલું વહેલું ઝેર બહાર કાઢી નાખવું વગેરે તરફ હોય છે. ઝેરીકરણના દરેક કિસ્સાને સંકટકાલીન સારવારની જરૂરિયાત ગણવામાં આવે છે. જો ઝેરી વાયુને કારણે દર્દીને તકલીફ થઈ હોય તો સૌપ્રથમ તેને તે સ્થળેથી દૂર લઈ જવાય છે. આવા સમયે સહાયતા-કર્મીઓએ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. મોં વાટે લેવાયેલાં અને જઠરાંત્રમાર્ગમાંથી અવશોષાય એવા ઝેરને જઠરમાંથી દૂર કરવા ઊલટી કરાવવી, જઠરશોધન (gastric lavage) કરવું, મોં વાટે કે નાક-જઠરનળી વાટે અધિશોષક (adsorbent) દ્રવ્યો પ્રવેશાવવા વગેરે કરાય છે. સાથે સાથે લોહીનું દબાણ, ઑક્સિજનનું દબાણ, અમ્લક્ષારદ સંતુલન અને વીજવિભાજ્ય સંતુલન, શરીરનું તાપમાન, શ્વસનક્રિયા વગેરે જળવાઈ રહે તે માટે સતત માનેક્ષણ અને ચિકિત્સા કરાય છે. આ સારવારનાં મુખ્ય 4 પગથિયાં છે :
(1) અવશોષિત ન થયેલા ઝેરને શરીરમાંથી બહાર કાઢવું.
(2) પ્રતિવિષનો ઉપયોગ કરવો.
(3) અવશોષિત ઝેરનો શરીરમાંથી નિકાલ કરવો.
(4) શરીરની ચયાપચય અને શ્વસન; હૃદય, રુધિરાભિસરણ, ચેતાતંત્ર તથા ઉત્સર્ગતંત્રની ક્રિયાઓની જાળવણી કરવી.
(1) અનવશોષિત (unabsorbed) ઝેરને શરીરમાંથી દૂર કરવું : જો વાયવી ઝેર હોય તો દર્દીને તે વાતાવરણથી દૂર કરીને સૌપ્રથમ ઑક્સિજન આપવામાં આવે છે. જો ચામડીની નીચે ઇન્જેક્શન કે ડંખ દ્વારા ઝેર પ્રવેશ્યું હોય તો ઘાવની ઉપર (હૃદય તરફના ભાગે) એક પાટો બાંધીને તેને રુધિરાભિસરણમાં પ્રવેશતું અટકાવાય છે. જોકે આ પાટાને દર 10-15 મિનિટે 20-30 સેક્ધડ માટે ખોલીને જે તે અંગમાં લોહી વહે તેવું કરાય છે. તેમ કરવાથી અંગનો કોઈ ભાગ પેશીનાશ કે કોથ (gangrene) થવાથી મટી જતો નથી. ડંખ કે ઇન્જેક્શન સ્થળે બરફ કે ઠંડી પોટલી મૂકીને પણ ઝેરને પ્રસરતું અટકાવાય છે. જો મોંમાં ઘાવ કે ચાંદું ન હોય તો પુષ્કળ સાવચેતી રાખીને ઝેરને ચૂસીને થૂંકી કઢાય છે. ઘાવને કાપી કાઢીને તથા તેને યોગ્ય દવા કે દ્રાવણ વડે નિર્ગુણિત (neutralized) કરાય છે. ચામડી કે શ્ર્લેષ્મકલાના ઘાવ પર, યોનિ (vagina), મળાશય કે મૂત્રાશયમાં ઝેર નાંખવામાં આવેલું હોય કે ચોપડાયેલું હોય તેને પુષ્કળ પાણી વડે શોધિત કરાય છે અને ત્યારબાદ તેને યોગ્ય દ્રાવક વડે નિર્ગુણિત કરાય છે. જો ઝેરને ખાવા, પીવા કે ગાળવામાં આવેલું હોય અને તે પછી 2થી 5 કલાક કરતાં ઓછો સમય થયેલો હોય તો નાક અથવા મોં વાટે નળી જઠરમાં નાંખવામાં આવે છે અને તેમાંનું બધું અંતર્ધારિત દ્રવ્ય (contents) બહાર કાઢી નંખાય છે. ત્યારબાદ પ્રતિવિષ કે અધિશોષક દ્રવ્યોવાળું પાણી કે પ્રવાહી નાંખીને જઠરને સાફ કરાય છે. આ પ્રક્રિયાને જઠરશોધન (gastric lavage) કહે છે. નળીને બહાર કાઢતાં પહેલાં મૅગ્નેશિયમ કે સોડિયમ સલ્ફેટ, સોડાબાયકાર્બ, પ્રવાહી પૅરેફિન અને સક્રિયકૃત કોલસો(activated charcoal)વાળું પાણી જઠરમાં રેડવામાં આવે છે. સક્રિયકૃત કોલસો જઠરમાં રહી ગયેલાં ક્ષારદાભો (alkaloids) અને ગ્લાયકોસાઇડ્ઝને અધિશોષે છે. આ ઉપરાંત તે સેલિસિલેટ્સ, કાર્બામેઝેપિન, ડેપ્સોન, ડિગોક્સિન, બાર્બિચ્યુરેટ્સ, ફેર્નિટોઇન, ક્વિનિન અને થિયૉફાયલિનની અતિમાત્રા(overdose)ને કારણે ઝેરી અસર થયેલી હોય તો સક્રિયકૃત કોલસો ઉપયોગી રહે છે. બેભાન દર્દીમાં જઠરમાંનું પ્રવાહી ફેફસાંમાં ન જાય તેની સાચવણી કરવા શ્વાસનળીમાં અંત:નળી નંખાય છે. જઠરશોધન વખતે કાળજી ન રાખવામાં આવે તો જઠરપ્રવાહી શ્વસનમાર્ગમાં પ્રવેશી જાય છે, ન્યૂમોનિયા કરે છે અને ક્યારેક દર્દીને ગૂંગળાવી નાંખે છે. મોઢામાં દાંતનું ચોકઠું હોય તો તેને કાઢી નાંખીને ઉપરની પ્રક્રિયા કરાય છે. જો દર્દીએ ક્ષરનશીલ દાહક ઝેર પીધું હોય તો નળી નાંખતી વખતે સાવચેતી રખાય છે; જેથી કાણું ન પડી જાય. ક્યારેક આવી જઠરીય નળીને બદલે ઊલટી કરાવવાની પ્રક્રિયા પણ કરાય છે. તે માટે ગળામાં આંગળી કે પીંછું નાંખી ઊલટીની પ્રક્રિયા કરાવાય છે અથવા મીઠાવાળું પુષ્કળ પાણી, ઝિંક સલ્ફેટ અને ઇપેકાકુઆના કે અન્ય વમનકારક ઔષધનો ઉપયોગ કરાય છે. જો દર્દીએ અમ્લ કે ક્ષારદ (acid or alkali) પીધું હોય તો ઊલટી કરાવાતી નથી. ક્યારેક ઊલટી કરાવતી દવાઓ ખેંચ (આંચકી) કરે છે.
વમનપ્રેરણ (induction of vomiting) અથવા ઊલટી કરાવવાની સારવાર ફક્ત સભાન દર્દીઓમાં ઝેર લીધાના 4 કલાકમાં કરાય છે; પરંતુ આ સમયગાળો ત્રિચક્રીય ખિન્નતારોધકો માટે 12 કલાક અને સેલિસિલેટ માટે 24 કલાક સુધી લંબાયેલો હોય છે. પરંતુ તે ક્ષરણકારી દાહક ઝેર (ઍસિડ કે આલ્કલી) તથા પેટ્રોલિયમ પેદાશોની ઝેરી અસર હોય તો કરી શકતું નથી. જઠરશોધન માટે પણ આ સર્વ વાતો તેવી જ છે, પરંતુ તે બેભાન વ્યક્તિમાં ઝેર લીધા પછી કોઈ પણ સમયે કરવામાં આવે છે. જો દર્દીની ખાંસી માટેની ચેતાપરાવર્તી ક્રિયા બરાબર ન હોય તો શ્વાસનળીમાં અંત:નળી નાંખ્યા પછી જ જઠરશોધન કરાય છે.
(2) પ્રતિવિષ(antidote)નો ઉપયોગ : ઝેરની અસરને નાબૂદ કરતી ચિકિત્સાને પ્રતિવિષ કહે છે. તે 3 પ્રકારનાં હોય છે : ભૌતિક, રાસાયણિક અને જૈવિક અથવા દેહધાર્મિક (physiological). ભૌતિક પ્રતિવિષદ્રવ્ય ઝેરી દ્રવ્યનું અધિશોષણ કરીને કે તેની આસપાસ આવરણ રચીને કે અન્ય કોઈ રીતે ઝેરી દ્રવ્યના જઠરની શ્ર્લેષ્મકલા સાથેના સંસર્ગને અટકાવીને તેમની ઝેરી અસર થવા દેતા નથી. સક્રિયકૃત કોલસાનો ઝીણો ભૂકો (4થી 8 ગ્રામ) પોતાનાં છિદ્રોમાં સેન્દ્રિય અને અમુક અંશે અસેન્દ્રિય ઝેરને અધિશોષે છે. તેલ, ચરબી અને ઈંડાંનું શ્વેતનત્રલ (albumin) ઝેરી દ્રવ્યની આસપાસ આવરણ બનાવે છે. જો કાચનો ઝીણો ભૂકો પુષ્કળ પ્રમાણમાં ખોરાક સાથે ગયો હોય તો તેવી સ્થિતિમાં કાચનો જઠરની શ્ર્લેષ્મકલા સાથે ખાસ સંસર્ગ થતો અટકે છે. આમ વિવિધ ભૌતિક પ્રતિવિષદ્રવ્યો ઝેરી અસર અટકાવે છે.
રાસાયણિક પ્રતિવિષ જઠરમાંના વિષ સાથે રાસાયણિક પ્રતિક્રિયા કરીને તેમને નિષ્ક્રિય કરે છે; જેમ કે મંદ અમ્લ (acid) ક્ષારદ ઝેર(alkaline poison)ને નિષ્ક્રિય ક્ષારમાં ઉપાંતરિત કરે છે. તેવી રીતે મંદ ક્ષારદ દ્રવ્ય (alkali) અમ્લીય ઝેર(acidic poison)ને નિર્ગુણિત કરે છે. આ રીતે ક્ષારદ કાર્બોનેટ્સ અને મૅગ્નેશિયા ખનીજ અમ્લ(mineral acid)ને, ચૂનો (lime) ઑક્ઝેલિક ઍસિડને, સોડિયમ સલ્ફેટ સીસાને અને ટેનિન તથા શ્વેતનત્રલ ક્ષારદાભો(alkaloids)ને નિર્ગુણિત કરે છે. જોકે આ માટે પ્રતિવિષ પોતે તથા તેમની રાસાયણિક પ્રક્રિયાની નીપજ ઝેરી ન હોય તેની ખાતરી રાખવી પડે છે; તેથી દાહક ક્ષારદ(cauotic alkali)ની ઝેરી અસર નાબૂદ કરવા માટે હાઇડ્રોક્લૉરિક કે સલ્ફયુરિક ઍસિડને બદલે સરકો (vinegar) અથવા લીંબુરસ વપરાય છે. પોટૅશિયમ પરમૅંગેનેટ એક મહત્વનું પ્રતિવિષ છે; કેમ કે તે એક જારણકારક (oxidising) દ્રવ્ય છે. તે જારણશીલ (oxidisable) દ્રવ્યોના પ્રતિવિષ તરીકે ઉપયોગી છે; દા.ત., અફીણ, ફૉસ્ફરસ, હાઇડ્રોસાયનિક ઍસિડ, સાયેનાઇડ્ઝ, બાર્બિચ્યુરિક ઍસિડ અને તેની નીપજો, મૉર્ફિન, એટ્રોપિન અને અન્ય ક્ષારદાભો (alkaloids). પોટૅશિયમ પરમૅંગેનેટના દ્રાવણને ઊલટી કરતાં પહેલાં અને પછી, તેમજ જઠરનળી નાંખીને તથા કાઢતાં પહેલાં પુષ્કળ પ્રમાણમાં પીવાનું કહેવાય છે. જો ચિકિત્સાવૈધાનિક (medicolegal) કારણોસર ઝેરને ઓળખવું જરૂરી હોય તો પોટૅશિયમ પરમૅંગેનેટ આપતાં પહેલાં રસાયણ-પરીક્ષક(chemical examiner)ને મોકલવા માટે જઠરપ્રવાહીનો થોડો નમૂનો મેળવી લેવાય છે. જો પોટૅશિયમ પરમૅંગેનેટ ન મળે તો આયોડિનનું ટિંક્ચર પણ વાપરી શકાય છે. જ્યારે વિષની ઓળખ નિશ્ચિત ન હોય તો વિપુલગ્રાહી પ્રતિવિષ તરીકે સક્રિયકૃત કોલસાનો ભૂકો (અથવા બળેલો ટોસ્ટ), ટેનિક ઍસિડ (અથવા કડક ચા) અને મૅગ્નેશિયમ ઑક્સાઇડ(અથવા મિલ્ક ઑવ્ મૅગ્નેશિયા)નું મિશ્રણ વપરાય છે. આશરે 1 ગ્રામ જેટલો કોલસો 500 મિગ્રા. જેટલા સ્ટ્રિકિનનનું અધિશોષણ કરે છે. ટેનિક ઍસિડ ક્ષારદાભોનું અવક્ષેપણ (precipitation) કરાવે છે અને મૅગ્નેશિયા અમ્લીય દ્રવ્યોનું નિર્ગુણિતીકરણ (neutralization) કરે છે. આર્સેનિકના પ્રતિવિષ તરીકે ફેરિક ઑક્સાઇડ અથવા મૅગ્નેશિયા ઉપયોગી છે.
અવશોષિત થયેલું ઝેર શરીરમાં પ્રસરીને શરીરની દેહધાર્મિક ક્રિયાઓ પર તથા તેમાં વપરાતા ઉત્સેચકો પર અસર કરે છે. તેથી જે દ્રવ્ય શરીરમાં ફેલાઈને મૂળવિષ કરતાં વિપરીત પ્રકારની દેહધાર્મિક અસર કરે તો તે રીતે વિષને બિનઅસરકારક કરી શકાય છે. આદર્શ પ્રતિવિષની અસર ફક્ત વિષની ઝેરી અસરનો જ વિરોધ કરતી હોવી જોઈએ. એટ્રોપિન અને ફિઝૉસ્ટિગ્મીન આવાં એકબીજાંથી વિપરીત દેહધાર્મિક અસરવાળાં દ્રવ્યો છે. તેથી ઑર્ગેનોફૉસ્ફરસ સંયોજનોની ઝેરી અસર (હૃદયના ધબકારા ઘટવા, કીકી સાંકડી થવી, પ્રવાહીનું શ્વસનમાર્ગમાં વિસ્રવણ થવું વગેરે) એટ્રોપિન વડે નાબૂદ કરી શકાય છે. માટે તેવાં ઝેર (કીટનાશકો વગેરે) માટે એટ્રોપિન આદર્શ પ્રતિવિષ છે. આવી રીતે એટ્રોપિન અને પાયલોકાર્પિન, સ્ટ્રિક્નિન અને બ્રોમાઇડ સાથે ક્લૉરલ હાઇડ્રેટ; ડિજિટાલિસ અને એકોનાઇટ તેમજ ક્લૉરોફૉર્મ અને એમાયલનાઇટ્રાઇટ પણ દેહધાર્મિક પ્રતિવિષ દ્રવ્યો છે. આર્સેનિક, પારો, બિસ્મથ, સોનું, જસત, અન્ય ભારે ધાતુઓ માટે બ્રિટિશ એન્ટિલ્યુવિસાઇટ (BAL) અથવા 2 : 3 ડાયમર્કેપ્ટોપ્રોપેનોલ તથા પેનિસિલેમાઇન પણ પ્રતિવિષ છે. બાર્બિચ્યુરેટનું પ્રતિવિષ છે બેમિગ્રાઇડ. મૉર્ફિન, કોડીન, હેરોઇન, પેથિડિન, મિથેડોન વગેરે અફીણાભ દ્રાવ્યોનું પ્રતિવિષ છે નેલોર્ફિન. કૅલ્શિયમ ડાયસોડિયમ વર્સેનેટ સીસાના ઝેર માટે કિલેટક તરીકે વર્તીને પ્રતિવિષ કાર્ય કરે છે. તે અન્ય ભારે ધાતુઓ (તાંબું, લોહ, કોબાલ્ટ, કૅડમિયમ અને નિકલ) માટે પણ ઉપયોગી છે. લોહ માટે ડેરફેરિઑક્ઝામિન પ્રતિવિષ છે. બેન્ઝોડાયાઝેપ્ન્સિ માટે ફ્યુમાઝેનિલ તથા સાયનાઇડ માટે ડાયકોબાલ્ટ એસિટેટ, સોડિયમ નાઇટ્રાઇટ અને સોડિયમ થાયોસલ્ફેટ પ્રતિવિષ છે. સીસાના પ્રતિવિષો છે સોડિયમ – કૅલ્શિયમ એડિટેટ અને પેનિસિલેમાઇન. પેરેસિટેમોલનો પ્રતિવિષ છે મિથોયોનિન અને એન-એસિટાયલાસિસ્ટિન. થેલિયમનું પ્રતિવિષ પ્રુશિયન બ્લૂ છે. જ્યારે આઇફૉસ્ફેમાઇડ નામની કૅન્સર-વિરોધી દવાનું પ્રતિવિષ છે મિથિલિન બ્લૂ.
(3) અવશોષિત ઝેરનો નિકાલ : પૂરતા પ્રમાણમાં મોં કે નસ વાટે પ્રવાહી આપવાથી મૂત્રપિંડ દ્વારા ઝેરનો નિકાલ સરળ બને છે. જોકે તેનાથી ફેફસાંમાં પ્રવાહી ભરાઈ ન જાય તેનું ધ્યાન રાખવું પડે છે. મૂત્રવર્ધકો(diuretics)ની મદદથી પણ પેશાબનું પ્રમાણ વધારી શકાય છે; દા.ત., ફ્રુસેમાઇડ, મેનિટોલ વગેરે. જો મૂત્રપિંડની નિષ્ફળતા થયેલી હોય તો પારગલન (dialysis) કરાય છે. બાર્બિચ્યુરેટ, બ્રોમાઇડ, સેલિસિલેટ્સ અને મિથાયલ આલ્કોહૉલમાં કૃત્રિમ મૂત્રપિંડ અથવા રુધિર પારગલન (haemo dialysis) ઉપયોગી રહે છે. કાર્બન મોનૉક્સાઇડ કે લોહની વિષાક્તતામાં નાનાં બાળકોમાં રુધિરવિનિમય (exchagne transfusion) કરી શકાય છે. જ્યાં વિરોધનું કોઈ કારણ ન હોય ત્યાં જુલાબ તથા ગરમ પાણી વડે સ્નાન પણ ઝેરનિકાલમાં ઉપયોગી છે. હાલના જમાનામાં વધુ અસરકારક પદ્ધતિ રૂપે રુધિરપરિસરણ(haemoperfusion)ની પદ્ધતિ અપનાવાય છે; જેમાં દર્દીના હિપેરિનયુક્ત લોહીને સંશ્ર્લેષિત ઍક્રિલિક હાઇડ્રોજેલ કે આયન-એક્સચેન્જ રેઝિન વડે આવરણ કરાયેલા સક્રિયકૃત કોલસાની કણિકાઓના સ્તંભો વચ્ચેથી વહેવડાવવામાં આવે છે. આ પદ્ધતિ બાર્બિચ્યુરેટ, ગ્લુટેથિમાઇડ, મિથાકોલિન અને મેપ્રોબેમેટ જેવી દવાઓની તીવ્ર ઝેરી અસર સામે જીવનરક્ષક નીવડે છે. જોકે તે જ્યારે અન્ય જીવનરક્ષક ઘનિષ્ઠ સારવાર નિષ્ફળ જાય ત્યારે જ વપરાય છે.
(4) ઝેરની શારીરિક અસરોની સારવાર : આગળ ઉપર જણાવ્યું તે પ્રમાણે ચેતાતંત્ર, હૃદય, મૂત્રપિંડ, શ્વસનતંત્ર તથા અમ્લ-ક્ષારદ (acid-base) સંતુલન અને વીજવિભાજ્ય (electrolyte) સંતુલન સંબંધિત ચયાપચય(metabolism)ની જાળવણી માટેની યોગ્ય સારવાર કરવામાં આવે છે. તે માટે નાડીના ધબકારા, લોહીનું દબાણ, શરીરનું તાપમાન, શ્વસનક્રિયાનો દર, સભાનાવસ્થાનું સ્તર, મૂત્ર-ઉત્પાદનનો દર, યકૃતની ક્રિયાક્ષમતા-કસોટીઓ, મૂત્રપિંડની ક્રિયાક્ષમતા-કસોટીઓ, લોહીમાં ઑક્સિજન, કાર્બન ડાયૉક્સાઇડ, બાયકાર્બોનેટ, સોડિયમ, પોટૅશિયમ, ક્લૉરાઇડ તથા pH મૂલ્ય વગેરે નિશ્ચિત કરતી કસોટીઓ કરાય છે; તે ઉપરાંત છાતીનું ક્ષ કિરણ-ચિત્ર, હૃદયનો વીજાલેખ (electro- cardiogram, ECG) વગેરે પણ લેવામાં આવે છે. ઝેરની ઓળખ માટે ઊલટી કે જઠરપ્રવાહીના રંગ, ગંધ અને તેમાંનાં દ્રવ્યોનું નિરીક્ષણ કરાય છે. ચેતાતંત્રીય શારીરિક તપાસમાં કીકીનું કદ, પ્રકાશ-સંબંધિત ચેતાપરાવર્તી ક્રિયા, ખાંસી માટેની ચેતાપરાવર્તી ક્રિયા, હાથપગના સાંધાની પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ વગેરે તપાસવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં ચોક્કસ પ્રતિવિષ ન હોવાને કારણે સારી કક્ષાની અદ્યતન અને ઘનિષ્ઠ સારવાર જ જીવનરક્ષક બને છે. તેમાં શ્વસનમાર્ગમાંનો અવરોધ દૂર કરવો, શ્વસનક્રિયા જાળવી રાખવી તથા રુધિરાભિસરણ જાળવી રાખવું મુખ્ય બાબતો ગણાય છે. બેભાન દર્દીમાં શ્વસનમાર્ગ ખુલ્લો કરવો તથા રાખવો જરૂરી ગણાય છે. દાંતનું ચોકઠું, મોં-ગળામાંનું પ્રવાહી દૂર કરવું, જીભ પાછળ પડી ન જાય તેની જાળવણી રાખવી, જરૂર પડ્યે દર્દીને ઊંધો અને પડખે સુવાડવો, જરૂર પડ્યે શ્વાસનળીમાં નળી નાંખવી અથવા શ્વાસનળીમાં છિદ્ર પાડવું વગેરે કરાય છે. લોહીમાં ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ જાળવી રાખવા ઑક્સિજન અને જરૂર પડ્યે કૃત્રિમ શ્વસનતંત્રનો ઉપયોગ કરાય છે. રુધિરાભિસરણ જાળવવા માટે ચયાપચયી વિકારોની સારવાર, પગ તરફનો પથારીનો ભાગ ઊંચો રાખવો, હૃદયના ધબકારા નિયમિત રહે તે જોવું તથા જરૂર પડ્યે લોહીનું દબાણ જાળવી રાખવાની અન્ય ઘનિષ્ઠ સારવારપદ્ધતિઓ શરૂ કરાવાય છે.
અન્ય સહાયક સારવાર રૂપે અલ્પોષ્ણતાકરણ(hypothermia)-વાળા તીવ્ર વિષાક્તતાના દર્દીને હૂંફાળા ધાબળામાં વીંટાળીને કે સક્રિય ઉષ્ણન (activing heating) વડે સારવાર અપાય છે. તે માટે હૂંફાળી હવાનું અંત:શ્વસન કરવું, હૂંફાળા પાણીમાં હાથ બોળવો, હૂંફાળા રૂમના તાપમાને નસમાં પ્રવાહી ચડાવવું વગેરે કરાય છે. જો દર્દીને આંચકી આવે તો નસ વાટે ડાયાઝેપામ આપવામાં આવે છે. દર્દીના પોષણ તરફ ખાસ ધ્યાન રખાય છે.
(5) સ્વવિષીકરણના દર્દીમાં મનશ્ચિકિત્સા અગત્યની સારવાર છે. સામાન્ય રીતે મનશ્ચિકિત્સકને બને એટલાં વહેલાં સારવાર ટુકડીમાં સમાવિષ્ટ કરાય છે. જો દર્દીમાં આત્મહત્યા કરવાનું વલણ ઉદ્ભવેલું હોય તો તેની મનશ્ચિકિત્સા કરવી જરૂરી બને છે.
(6) વિશિષ્ટ ઝેરની સારવાર : તાવ ઉતારવા માટે વપરાતી પેરેસિટેમોલ નામની દવા ઘણી સુરક્ષિત છે તેમ છતાં પુખ્ત વયની વ્યક્તિમાં 10થી 50 ગ્રામની એક માત્રાથી તથા બાળકોમાં 150 મિગ્રા./કિગ્રા.ની માત્રાથી તીવ્ર પ્રકારની વિષાક્તતા થાય છે. તેને કારણે ઉગ્ર યકૃતીય નિષ્ફળતા અને ક્યારેક ઉગ્ર મૂત્રનલિકા કોષનાશ (acute renal tubular necrosis) થાય છે. તે સમયે સારવારમાં એન-એસિટાયલસિસ્ટિન નામનું પ્રતિવિષ વપરાય છે. જો દર્દીને ઝેર પછી 36 કલાકથી વધુ સમય થઈ ગયો હોય, તેનો પ્રોથ્રોમ્બિન કાળ અને ક્રિયેટિનિન વધેલાં હોય, લોહીનું pH ઘટ્યું હોય અને મસ્તિષ્કરુગ્ણતા (encephalopathy) થવાથી બેભાનાવસ્થા થયેલી હોય તો તે જીવનમાં સંકટરૂપ ગણાય છે. વધુ તીવ્ર વિકારમાં લોહીનું દબાણ અને શરીરનું તાપમાન ઘટે છે, દર્દીને ચયાપચયી અતિઅમ્લતાવિકાર (acitosis) થાય છે અને મૂત્રપિંડની નિષ્ફળતા થઈ આવે છે. યકૃતીય નિષ્ફળતા, બેભાનાવસ્થા, લોહીમાં ગ્લુકોઝનું ઘટવું, શરીરમાંથી લોહી વહેવું, મગજ પર સોજો આવવો વગેરે વિકારો સર્જે છે જે મૃત્યુ નિપજાવે છે. સહાયક સારવાર, ઍન-એસિટાયલસિસ્ટિન અથવા મિથિયોનિન વડે પ્રતિવિષીકરણ કરાય છે.
એસ્પિરિન અને અન્ય સેલિસિલેટની ભારે માત્રાથી ઝેરી અસર થાય છે. ખાસ કોઈ લાક્ષણિક ચિહ્નો જોવા મળતાં નથી. 1.5 ગ્રામથી વધુ માત્રામાં લેવાયેલી દવા કે 50 મિગ્રા./100 મિલી.ની રુધિરસપાટી વિષાક્તતા સૂચવે છે. બાળકોમાં બેભાનાવસ્થા થઈ આવે છે. કાનમાં ઘંટડીઓ બોલવી, બહેરાશ આવવી, ઝાખું દેખાવું, ઊલટી, અજંપો, અતિશ્વસન, અતિઅમ્લતાવિકાર અને લોહીમાં પોટૅશિયમનું ઘટવું વગેરે વિકારો થઈ આવે છે. સક્રિયકૃત કોલસાથી જઠરશોધન, પુષ્કળ પાણી અને અન્ય સહાયક સારવાર આપવાથી લાભ રહે છે. દર્દીને પુષ્કળ પ્રમાણમાં ક્ષારદીય મૂત્ર (alkaline urine) થાય તે માટે સોડાબાયકાર્બવાળું પ્રવાહી નસ વાટે ચડાવીને મૂત્રવર્ધક અપાય છે. દર્દીને નસ વાટે પોટૅશિયમ અપાય છે.
સાંધાનો દુખાવો અને સોજો ઘટાડતી એસ્ટીરૉઇડી પ્રતિશોથ ઔષધો (nonsteroidal anti inflammatory drugs, NSAIDS)-દવાઓની ઝેરી અસર થાય તો ઊબકા, ઊલટી, પેટ અને જઠરાંત્રમાં લોહી વહેવું, માથું દુખવું, કાનમાં ઘંટડીઓ બોલવી, અજંપો થવો, દેશકાળ ભૂલવો (અદેશકાલજ્ઞતા disorientation), બેભાનાવસ્થા થવી, ખેંચ આવવી, પેશાબમાં લોહી અને પ્રોટીનનું વહેવું, મૂત્રપિંડની નિષ્ફળતા થવી, લોહીમાં ગ્લુકોઝની સપાટી વધવી, શ્વસનીય અતિક્ષારદતાવિકાર (respiratory alkalosis) તથા ચયાપચયી અતિઅમ્લતાવિકાર (metabolic acidosis) થવો વગેરે જોવા મળે છે. સક્રિયકૃત કોલસા વડે જઠરશોધન અને અન્ય સહાયક સારવાર અપાય છે. આંચકી આવે તો નસ વાટે ડાયાઝેપામ અપાય છે.
અફીણ જૂથના ક્ષારદાભો (opium alkaloids); જેવાં કે કોડિન, ડાયહાઇડ્રોકોડિન, કેક્સોપ્રોપોક્સિફેન, બુપ્રેનૉર્ફિન, ડીપીપેનોન, પેન્ટાઝોસિન, પેથિડિન, મિથાડોન, મૉર્ફિન અને હેરોઇન વગેરે દવાઓ નશાકારક હોય છે. વળી તેના લાંબા સમયના ઉપયોગ પછી સહ્યતા (tolerance) ઉદ્ભવે છે, જેથી તેને મોટી માત્રામાં લેવા છતાં કોઈ ખાસ આડઅસર થતી નથી. આવી દવાઓ નશાકારક હોવાને લીધે અજ્ઞાની કે અર્ધજ્ઞાની માણસોના હાથમાં આવી પડતી હોય છે. તેમની વધુ પડતી માત્રાની અસરથી શ્વસનક્રિયાનું અવદમન થાય છે, કીકી સાંકડી થાય છે, સભાનતા ઘટે છે. ક્યારેક બાળકોમાં આંચકી આવે છે, લોહીનું દબાણ તથા શરીરનું તાપમાન ઘટે છે. શ્વસનમાર્ગને ખુલ્લો રાખવો, જઠરશોધન કરવું, નેલોક્સેન નામનું પ્રતિવિષ આપવું તથા અન્ય સહાયકારી સારવાર આપવી એ તેની ચિકિત્સાના મુખ્ય સિદ્ધાંતો છે.
ત્રિચક્રીય પ્રતિખિન્નતા ઔષધો (tricyclic antidepressants) : તેની મુખ્ય ઝેરી અસર 1-2 કલાકમાં શરૂ થાય છે અને 18-24 કલાકમાં શમે છે. દર્દીનું મોં સુકાય છે, કીકી પહોળાય છે, પેશાબ ભરાઈ રહે છે અને આંતરડાંની ગતિ ઘટે છે. સભાનતા ઘટે છે; પરંતુ ગાઢ બેભાનાવસ્થા ભાગ્યે જ થાય છે. મનોભ્રમણ (hallucination) થાય છે, પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ વધે છે, ક્યારેક સંકુલ અનૈચ્છિક ક્રિયાઓ થાય છે તથા બાળકોમાં અસંતુલન થાય છે. શ્વસનક્રિયા મંદ પડે છે. હૃદયના ધબકારા વધે છે, લોહીનું દબાણ ઘટે છે અને ક્યારેક હૃદયના ધબકારા તીવ્ર અને સંકુલ રીતે અનિયમિત બને છે. સારવાર માટે દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરાય છે. પ્રથમ 12 કલાકમાં જઠરશોધન કરાય છે. હૃદય-સારવાર સંબંધિત ઘનિષ્ઠ માનેક્ષણ (monitoring) અને ચિકિત્સા કરાય છે. હૃદયના ધબકારા સરખા કરવાની દવા અપાતી નથી. જો આ સારવાર અપૂરતી નીવડે તો ફિઝિયૉસ્ટેગ્મીનનું નસ વાટે ધીમું ઇન્જેક્શન અપાય છે. તેનાથી ચેતાતંત્રીય વિકારો અને અમુક અંશે હૃદયના ધબકારાની અનિયમિતતા શમે છે.
ડાયાઝેપામ, લોરાઝેપામ વગેરે બેન્ઝોડાયાઝેપાઇનની અતિ માત્રાના કિસ્સા તથા ઝેરીકરણને કારણે મૃત્યુ થાય છે. દવાની વધુ માત્રાથી સભાનાવસ્થામાં ઘટાડો થાય, અસંતુલન થાય, લોહીના દબાણમાં ઘટાડો અને શ્વસનકાર્યનું અવદમન થાય છે. જોકે અંતે સ્વાસ્થ્યની પુન:પ્રાપ્તિ પણ ઝડપી હોય છે. સારવારમાં સારી સહાયકારી ચિકિત્સા અપાય છે. ઘનિષ્ઠ સારવારકક્ષમાં તેના પ્રતિવિષ તરીકે ફ્લુમાઝેનિનને નસ વાટે આપી શકાય છે. તેની માત્રા તેનાથી થતા લાભ ઉપર આધારિત હોય છે. તે પોતે પણ ગંભીર ઝેરી અસર કરતું હોવાથી તે ફક્ત નિષ્ણાતની સલાહથી નિદાનવિભેદ માટે અપાય છે.
થિયૉફાયલિન અને અન્ય જેન્થિનો ઘણી વખત ધીમે ધીમે વિમુક્ત થતી દવા રૂપે અપાય છે. માટે તેની ઝેરી અસર ઘણી મોડી જોવા મળે તેવું પણ થાય છે. તેની અતિમાત્રાથી ઊબકા, અતિશય ઊલટી, પેટમાં દુખાવો, લોહીની ઊલટી તથા ઝાડા થાય છે. તરસ લાગે, વારંવાર પેશાબ થાય, લોહીમાં પોટૅશિયમ ઘટે, અતિશ્વસન થાય, ઉશ્કેરાટ અનુભવાય વગેરે થઈ આવે છે. જો હૃદયના ધબકારા અનિયમિત થાય, લોહીનું દબાણ ઘટે, ચયાપચયી અતિઅમ્લતા વિકાર થાય કે ખેંચ (આંચકી) આવે તો તે અતિજોખમી વિકાર હોવાનું સૂચવે છે. સારવારમાં શક્ય એટલું વહેલું જઠરશોધન કરાય છે. તેમાં સક્રિયકૃત કોલસો વપરાય છે. દર્દીના હૃદયની સ્થિતિનું સતત માનેક્ષણ (monitoring) કરાય છે અને તેથી દર્દીને ઘનિષ્ઠ સારવારકક્ષમાં રખાય છે. લોહીમાંના પોટૅશિયમની ઘટેલી સપાટી સુધારવા સાવચેતીપૂર્વક પોટૅશિયમ અપાય છે, ઉશ્કેરાટ સમાવવા ડાયાઝેપામ વપરાય છે અને જો દર્દીને દમની બીમારી ન હોય તો પ્રૉપેનૉલોલ વડે હૃદયના વધી ગયેલા ધબકારાને ઘટાડાય છે. જો તીવ્ર પ્રકારની વિષાક્તતા થઈ હોય અને થિયૉફાઇલિનની રુધિરસપાટી 60 મિગ્રા/લિ. કે વધુ હોય તો રુધિર-પરિસરણ વડે સારવાર કરાય છે.
એમ્ફેટેમાઇન અને અન્ય મનોત્તેજક ઔષધોની અતિમાત્રા(overdose)માં સતેજતા, ઉશ્કેરાટ, ધ્રુજારી અને અનિદ્રા થાય છે. માનસિક ગૂંચવણ, આક્રમકતા, મનોભ્રમણા અને પરહત્યા (homicide) કરવાની વૃત્તિ પણ થઈ આવે છે. શરૂઆતનો ઉશ્કેરાટ થાક અને ખિન્નતામાં પરિણમે છે. પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ ત્વરિત (brisk) થાય છે, હૃદયના ધબકારા અને લોહીનું દબાણ વધે છે. ક્યારેક તીવ્ર સ્વરૂપે ઊબકા, ઊલટી, ઝાડા અને ચૂંક થઈ આવે છે. જો અતિમાત્રા ઘણી વધુ હોય તો આંચકી અને બેભાનાવસ્થા થઈ આવે છે. સારવારમાં સહાયકારી ચિકિત્સા તથા નસ વાટે ડ્રોપેરિડોલ કે હેલોપેરિડોલ અથવા સ્નાયુમાં ઇન્જેક્શન રૂપે ક્લોર પ્રોપેઝિન અપાય છે. વધુ તીવ્ર વિકારમાં પેશાબને અમ્લીય (acidic) કરવા એમોનિયમ ક્લૉરાઇડ અપાય છે અને બલપૂર્વક મૂત્રવર્ધન (forced diuresis) કરાય છે.
બાર્બિચ્યુરેટનું અવશોષણ અનિશ્ચિત હોય છે. તેની અતિમાત્રા થાય ત્યારે ઘેન, બેભાનાવસ્થા – ગાઢ બેભાનાવસ્થા થઈ આવે છે. દવાના પ્રકાર તથા દર્દીની ઔષધસહ્યતા પ્રમાણે મસ્તિષ્કી અવદમન(cerebral depression)નો સમયગાળો લાંબોટૂંકો હોય છે. સામાન્ય રીતે દીર્ઘકાલક્રિય (long acting) બાર્બિચ્યુરેટ કરતાં અલ્પકાલક્રિય (short acting) કે મધ્યમકાલક્રિય (medium acting) બાર્બિચ્યુરેટની અતિમાત્રાની ઝેરી અસર વધુ હોય છે. કીકીનું કદ અને પ્રતિક્ષિપ્ત ક્રિયાઓમાં આવતા ફેરફારથી વિષાક્તતાની તીવ્રતા નક્કી કરી શકાતી નથી. દવાની અસર ઘટે ત્યારે ક્રિયાસમાપ્તિની અસર (withdrawal effect) રૂપે ઉશ્કેરાટ, અનિદ્રા, સન્નિપાત અને આંચકી થઈ આવે છે. બાર્બિચ્યુરેટસની વિષાક્તતાને કારણે શ્વસનક્રિયાનું અવદમન અને લોહીનું ઘટેલું દબાણ જોવા મળે છે. શરીરનું તાપમાન ઘટે છે અને જો તે વધુ પડતું ઘટે તો મૂત્રપિંડની નિષ્ફળતા થઈ આવે છે. આશરે 60 % દર્દીઓમાં ફોલ્લાવાળો સ્ફોટ થઈ આવે છે. સારવારમાં મુખ્યત્વે શ્વસનક્રિયા અને રુધિરાભિસરણને ટેકો આપવો, સક્રિયકૃત કોલસાવાળું જઠરશોધન કરવું અને જરૂર પડ્યે રુધિરી પારગલન (haemodialysis) કરવું – એમ મુખ્ય 3 બાબતોનો સમાવેશ થાય છે. અલ્પ કે મધ્યમક્રિય બાર્બિચ્યુરેટસના કિસ્સામાં ક્યારેક કોલસાવાળું રુધિરપરિસરણ (haemoperfusion) કરવાની જરૂર પડે છે.
બીટાબ્લૉકર નામની લોહીનું દબાણ ઘટાડતી અને હૃદયના ધબકારાનો દર ઘટાડતી દવાઓનું જૂથ જ્યારે વધુ પડતી માત્રામાં લેવાય ત્યારે હૃદયના ધબકારા ને લોહીનું દબાણ ઘટી જાય છે ને હૃદયની નિષ્ફળતા થાય છે. શ્વાસની નળીઓ સંકોચાય છે અને તેથી શ્વાસ ચડે છે. ક્યારેક હૃદ્-શ્વસની-સ્તંભન (cardio respiratory arrest) થઈ આવે છે; ઘેન, સન્નિપાત, આંચકી, મનોભ્રમણા થાય છે તથા ક્યારેક લોહીમાં ગ્લુકોઝ ઘટી જાય છે. જઠરશોધન, એટ્રોપિન, આઇસોપ્રિનાલિન, જરૂર પડ્યે હૃદગતિકારક (cardiac pacemaker), ગ્લુકેગોન, સાલ્બ્યુટેમૉલ, એમિનોફાયલિન તથા ગ્લુકોઝ વડે ઘનિષ્ઠ રાહતદાયી સારવાર અપાય છે.
કાર્બન મોનૉક્સાઇડથી થતી વિષાક્તતા ખૂબ જોખમી ગણાય છે. હીમોગ્લોબિનની કાર્બન મોનૉક્સાઇડ સાથે સંયોજાવાની ક્ષમતા ઑક્સિજન સાથેની સંયોજનક્ષમતા કરતાં 300 ગણી વધારે છે. તેથી તે બંનેનું સંયોજન-કાર્બોક્સિ-હીમોગ્લોબિન સામાન્ય સ્થિતિમાં લગભગ સ્થિર સંયોજન બને છે. તેથી દર્દીને તે વાતાવરણથી દૂર લઈ જવા છતાં લોહીમાંનું ઑક્સિજનનું આંશિક દબાણ પૂરતું થતું નથી. કાર્બોક્સિ-હીમોગ્લોબિનનો રંગ લાલ હોવાથી ઓછા ઑક્સિજને પણ લોહી લાલ દેખાય છે, અને તેથી નીલિમા(cyanosis)નું મહત્વનું ચિહ્ન જોવા મળતું નથી. નીલિમા થાય ત્યારે નખ, હોઠ વગેરે ભૂરા પડે છે. તેને બદલે કાર્બન મોનૉક્સાઇડની ઝેરી અસરમાં નખ, ચામડી, હોઠ ગુલાબી રંગનાં જોવા મળે છે, પરંતુ વધુ તીવ્ર વિષાક્તતા થાય ત્યારે તે ફિક્કાં થઈ જાય છે અને ચામડી પર ફોલ્લા પડે છે. ધુમાડો, મોટરગાડીનો ધુમાડો, ક્ષતિગ્રસ્ત સાધનોમાં ઈંધણવાયુનું અપૂર્ણ દહન વગેરેથી આ પ્રકારની વિષાક્તતા થાય છે. તેની સૌથી વધુ અસર હૃદયના સ્નાયુ અને કેન્દ્રીય ચેતાતંત્ર પર થાય છે. પેશીમાં આવતો સોજો થોડા કલાકો કે દિવસો પછી જોવા મળે છે. વ્યક્તિને ઉશ્કેરાટ, ગૂંચવણ, માથું દુખવું, ઊલટી થવી, ખોપરીમાં દબાણ વધવું, બેભાનાવસ્થા થવી વગેરે થઈ આવે છે. કેન્દ્રીય ચેતાતંત્રીય અસરો ઝડપથી કાયમી અને સ્થાયી બની જાય છે, જેથી બુદ્ધિનાશ, વ્યક્તિત્વમાં ફેરફાર, પ્રકંપવા (parkinsonism), મસ્તિષ્કી પ્રણાશ (cerebral infarction) થાય છે. હૃદયના ધબકારા અનિયમિત બને છે, લોહીનું દબાણ ઘટે છે અને હૃદ્સ્નાયવી પ્રણાશ (myocardial infarction) થાય છે. સારવારમાં તાત્કાલિક પગલાં લેવાય છે. દર્દીને ઝડપથી હૉસ્પિટલમાં લઈ જઈને 100 % ઑક્સિજન અપાય છે, જરૂર પડ્યે સંકટકાલીન હૃદ્-શ્વસનીય પુનર્જીવનક્રિયા (cardiorespiratory resuscitation) કરાય છે. જ્યાં સુધી દર્દી જાતે શ્વાસ લેતો થાય અથવા પુન:સ્વાસ્થ્ય-પ્રાપ્તિ (recovery) ન થવાની ખાતરી થાય ત્યાં સુધી તે સારવાર ચાલુ રખાય છે. મેનિટોલ વડે મગજનો સોજો ઘટાડાય છે. નસ વાટે ગુલ્કોઝ અપાય છે. જો સગવડ હોય તો અતિપ્રદમીય (hyperbaric) ઑક્સિજન વડે સારવાર કરાય છે. તે બેભાન દર્દી કે 40 %થી વધુ કાર્બોક્સિ-હીમોગ્લોબિનવાળી તીવ્ર વિષાક્તતામાં પણ ઘણી વખત સફળ રહે છે.
કોકેન ઔષધકુપ્રયોગ (drug abuse) માટે વપરાતું રસાયણ છે જેને સૂંઘવાથી, ખાવાથી કે ઇન્જેક્શન વડે લેવાથી ઝેરી અસર થાય છે. દર્દી સ્વર્ગસુખાભાસ (euphoria), ઉત્તેજના, અજંપો, અતિબલવાન હોવાની ભાવના, ઊલટી, તાવ, સન્નિપાત, ધ્રુજારી, ખેંચ (આંચકી) આવવી, પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ ત્વરિત થઈ જવી, લોહીનું દબાણ વધી જવું કે ઘટી જવું, હૃદયના ધબકારા વધવા, હૃદયના ક્ષેપકનાં સંકોચનો અનિયમિત થવાં, હૃદયની નિષ્ફળતા થવી, અતિશ્વસન થવું અને શ્વસનક્રિયાની નિષ્ફળતા થવી વગેરે વિવિધ તકલીફો થઈ આવે છે. સારવાર લક્ષણલક્ષી (symptomatic) અને સહાયકારી હોય છે.
ક્ષરણકારી દાહક વિષ (corrosive poisons) : વિવિધ પ્રકારનાં અમ્લીય (acidic) અને ક્ષારદીય (alkaline) દ્રવ્યો હોઠ, મોં અને ગળામાં ડાઘા અને દાહ પહોંચાડે છે. તેઓ પેટમાં દુખાવો, આઘાતની સ્થિતિ તથા યકૃત (liver) અને મૂત્રપિંડીની નિષ્ફળતા સર્જે છે. જઠરશોધન કરાતું નથી. સામાન્ય સહાયક સારવાર અપાય છે. અમ્લીય કે ક્ષારદીય દ્રવ્યને નિર્ગુણિત (neutralized) કરાય છે. તે માટે દૂધ અસરકારક ઔષધ છે. પીડાનાશકો, લોહી ચડાવવું અને અમ્લ-ક્ષારદ અસંતુલન (acid-base balance) સરખું કરવું એ મુખ્ય સારવાર-પદ્ધતિ છે.
સાયનાઇડ અને હાઇડ્રોસાયનિક ઍસિડ ઝડપથી મૃત્યુ નિપજાવતાં ઝેર છે. કડવી બદામની ગંધવાળો અને ધીમો અને છીછરો પડેલો શ્વાસ, ચામડી અને શ્ર્લેષ્મનો લાલ રંગ, પહોળી થયેલી કીકી, આઘાત વગેરે વિવિધ લક્ષણો અને ચિહ્નો થઈ આવે છે. તાત્કાલિક સારવાર આપવી જરૂરી છે. સહાયકારી-ચિકિત્સા, નસ વાટે કોબાલ્ટ ઇડિટેટનાં 1 કે 2 ઇન્જેક્શન, જરૂર પડ્યે નસ વાટે સોડિયમ નાઇટ્રાઇટનું દ્રાવણ અને ત્યારબાદ સોડિયમ થાયોસલ્ફેટનું દ્રાવણ અપાય છે. જો તે મોં વાટે ગળી જવાયું હોય તો સોડિયમ થાયોસલ્ફેટ વડે જઠરશોધન કરાવાય છે. નસ વાટે સોડાબાયકાર્બ આપીને અતિઅમ્લતાવિકાર (acidosis) મટાડાય છે.
ઑર્ગેનોફૉસ્ફરસ કીટનાશકો ઘણાં ઝેરી હોય છે. તેઓ શરીરમાં કોલિનઇસ્ટરેઝ નામના ઉત્સેચકનું અવદમન કરે છે. તેને કારણે કીકી સાંકડી થઈ જાય છે, ઠંડો પરસેવો થાય છે, વધુ પડતી લાળ ઝરે છે, ઊબકા, ઊલટી થાય છે, પાતળા ઝાડા થાય છે, સ્નાયુનાં અલ્પ સંકોચનો (twitchings) થાય છે, ક્યારેક ખેંચ (આંચકી) આવે છે, હૃદયના ધબકારા ધીમા પડે છે, શ્વાસનળીઓ સંકોચાય છે, શ્વાસનળીઓમાં પુષ્કળ પ્રવાહી ઝરે છે. (શ્વસનલિકા સ્રાવ, bronchorrhoea) થાય છે અને ફેફસાંમાં પાણી ભરાય છે. સારવારમાં દર્દીનાં સંદૂષિત (contaminated) કપડાં કાઢી લેવાય છે. તે માટે હાથમોજાં પહેરવાં જરૂરી છે. સહાયકારી સારવાર અને શ્વસનમાર્ગને ખુલ્લો રાખવાની ક્રિયા કરાય છે. નસ વાટે એટ્રોપિન અપાય છે અને પૂર્ણ એટ્રોપિનીકરણ ન થાય ત્યાં સુધી દર 5-10 મિનિટે ઇન્જેક્શન અપાય છે. એટ્રોપિનીકરણની સ્થિતિ થોડા દિવસો સુધી જાળવી રખાય છે. આ ઉપરાંત પ્રેલિડૉક્સિનને નસ વાટે અપાય છે. હવે ઑબિકોક્સિમ નામનું ઔષધ સ્નાયુમાં અપાય છે અને તે વધુ અસરકારક છે એવું દર્શાવાયું છે. આ ઔષધો કોલિનઇસ્ટરેઝનાં પુન:સક્રિયકો (reactivators) છે. તે આપ્યા પછી એટ્રોપિનની માત્રા ઘટાડાય છે, જેથી કરીને એટ્રિપિનનું પ્રમાણ વધી ન જાય.
ક્યારેક સંદૂષિત ખોરાક કે પાણી દ્વારા સીસાની ઝેરી અસર થાય છે. ઔદ્યોગિક ક્ષેત્રે સંદૂષિત હવા પણ વિષાક્તતા કરે છે. હવામાં સીસાનું સંદૂષણ સ્વયંસંચાલિત વાહનોના બહાર નીકળતા ધુમાડા વડે તથા અનેક ઔદ્યોગિક સંસ્થાનો દ્વારા થાય છે. તે આવી ફૅક્ટરીઓ પાસે તથા જ્યાં વપરાઈ ગયેલી બૅટરીનાં ખોખાંને બાળવામાં આવે ત્યાં સીસાનું સંદૂષણ વધુ હોય છે. અન્ય સ્રોતમૂળ તરીકે સીસાની પાણી માટેની નળીઓ, ટાંકીઓ, ખોરાક સંગ્રહવાના ડબ્બા, દારૂ ભરવાનાં કૅન વગેરે છે, ઘરઘંટીમાં ક્યારેક સીસાની પટ્ટી ઘસાવાથી તેમાં તૈયાર કરેલો લોટ સીસાની વિષાક્તતા કરે છે. સીસું સૌપ્રથમ હીમોગ્લોબિન બનાવતા ઉત્સેચકોને અસરગ્રસ્ત કરે છે અને તેથી તેની સૌપ્રથમ થતી અસર પાંડુતા(anaemia)ની થાય છે. સીસાની ઝેરી અસર લાંબા ગાળે જોવા મળે છે. દર્દી થાક, શારીરિક અને સાંધામાં દુખાવો અનુભવે છે. પેટમાં તકલીફ થાય છે, ઝાડા થાય, મોંઢું બેસ્વાદ થાય છે. તીવ્ર વિષાક્તતા થાય ત્યારે કબજિયાત અને હાથપગમાં ઝણઝણાટી અને બહેરાશ આવે છે. તેનું કારણ પરિધીય ચેતારુગ્ણતા (peripheral neuropathy) છે. બાળકોમાં તીવ્રતમ વિષાક્તતાને કારણે મૂત્રપિંડની મૂત્રનલિકાઓને ઈજા થાય છે અને મસ્તિષ્કરુગ્ણતા (encephalopathy) થાય છે. અવાળુની કિનારી ભૂરી થાય છે. એક્સ-રે ચિત્રણોમાં લાંબાં હાડકાં પર રેખાઓ જોવા મળે છે. આવી જરૂરી રેખાઓ કે એક્સ-રે ચિત્રણીય રેખાઓ સામાન્ય રીતે ફક્ત બાળકોમાં જોવા મળે છે. નિદાન માટેની કસોટીઓમાં લોહીમાંના સીસાના સ્તરને જાણવું, પેશાબમાં એમિનૉલિવુલિનિક ઍસિડનું સ્તર તથા કોપ્રોપૉર્ફાયરિનનું પ્રમાણ જાણવામાં આવે છે. આ ત્રણેયમાં જે તે રસાયણનું સ્તર વધે છે. આ ઉપરાંત રક્તકોષોમાં એમિનૉલિવુલિનિક ઍસિડ ડિહાઇડ્રોજિનેઝનું સ્તર ઘટે છે. સારવારમાં સીસાના સ્રોતમૂળની નાબૂદી તથા તેનાથી દૂર જવાની સલાહ અપાય છે. જો આંચકી આવે તો ડાયાઝેપામ અપાય છે. પાણી અને વીજવિભાજ્યોના સ્તરની જાળવણી રખાય છે, મગજ પરનો સોજો ઘટાડવા ડેક્ઝામિથેસોન અને મેનિટોલ અપાય છે. ઇડિટેટ કૅલ્શિયમ સોડિયમ પેનિસિલેમાઇન અને ડિમેર્કેપ્રોલ જેવા ધાતુપરિગ્રહક (chelating agent) વડે શરીરમાં જમા થયેલું સીસું બહાર કઢાય છે. પેનિસેલિમાઇન મુખમાર્ગે અપાય છે; જ્યારે અન્ય બે દવાઓનાં ઇન્જેક્શન અપાય છે.
શિલીન નં. શુક્લ