વિશ્વનાથ : પ્રાચીન ભારતીય અલંકારશાસ્ત્રી અને અનેક ભાષાવિદ કવિ. તેમને ‘કવિરાજ’ એવું બિરુદ મળેલું. તેઓ ઓરિસાના વતની હતા અને કલિંગના મહાપાત્ર વૈષ્ણવ સંપ્રદાયના બ્રાહ્મણ હતા. તેમના પૂર્વજો વિદ્વાનો અને કવિઓ હતા. તેમના પિતાનું નામ ચંદ્રશેખર હતું અને તેઓ વિદ્વાન કવિ હોવાની સાથે ચૌદ ભાષાઓના જાણકાર હતા. જ્યારે વિશ્વનાથ વિદ્વાન કવિ હોવાની સાથે 18 ભાષાઓના જાણકાર હતા. વિશ્વનાથ અને તેમના પિતા ચંદ્રશેખર બંને કલિંગના રાજાના સાંધિવિગ્રહિક અર્થાત્ વિદેશ ખાતાના પ્રધાન હતા. પિતા ચંદ્રશેખરે ‘પુષ્પમાલા’ અને ‘ભાષાર્ણવ’ નામના કરંભક પ્રકારનાં કાવ્યોની રચનાઓ કરી છે. કરંભક પ્રકારના કાવ્યમાં વિવિધ ભાષાઓની રચના હોય છે. વિશ્વનાથે તેમના પૂર્વજોમાં નારાયણનો મત રજૂ કર્યો છે. ધર્મદત્ત નામના વિદ્વાનને શાસ્ત્રાર્થમાં હરાવનારા અને અલંકારશાસ્ત્રની કોઈક કૃતિ રચનાર નારાયણ અદ્ભુત રસને જ રસ કહેતા હતા એમ વિશ્વનાથે લખ્યું છે. આ નારાયણ વિશ્વનાથના દાદાના દાદા અથવા પિતા ચંદ્રશેખરના દાદા હતા એવો વિદ્વાનોનો અભિપ્રાય છે. વિશ્વનાથના પિતાના કાકા ચંડીદાસે પણ મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પર ટીકા લખી છે. વિશ્વનાથના પુત્ર અનંતે તેમના ‘સાહિત્યદર્પણ’ પર ‘લોચન’ નામની ટીકા લખી છે.

પોતાના ‘સાહિત્યદર્પણ’ નામના અલંકારશાસ્ત્રના ગ્રંથમાં જયદેવના ‘ગીતગોવિંદ’ અને શ્રીહર્ષના ‘નૈષધીયચરિત’માંથી વિશ્વનાથે ઉદ્ધરણો આપ્યાં છે એટલે તેઓ બારમી સદી પછી થઈ ગયા એમ કહી શકાય. ‘સાહિત્યદર્પણ’ની હસ્તપ્રત 1384માં લખાયેલી છે તેથી 1350 પહેલાં તેઓ થઈ ગયા. જ્યારે પોતાના ‘સાહિત્યદર્પણ’ 4/4 શ્ર્લોકમાં રાજા અલાઉદ્દીન ખિલજીનો ઉલ્લેખ કર્યો છે. અલાઉદ્દીનનો સમય 1296થી 1316નો ઇતિહાસકારોએ નક્કી કર્યો છે તેથી વિશ્વનાથનો સમય તેરમી સદીના અંત ભાગમાં અને ચૌદમી સદીના પૂર્વાર્ધમાં અનુમાની શકાય.

વિશ્વનાથે કવિ તરીકે સંસ્કૃતમાં ‘રાઘવવિલાસ’ નામનું મહાકાવ્ય, પ્રાકૃતમાં ‘કુવલયાશ્વચરિત’ નામનું કાવ્ય, આશ્રયદાતા કલિંગના રાજા નરસિંહ વિશે ‘નરસિંહવિજય’ નામનું કાવ્ય, ‘સૌગંધિકાહરણ’, ‘પ્રભાવતીપરિણય’ અને ‘ચંદ્રકલાનાટિકા’ વગેરે સર્જનાત્મક રચનાઓ અને ‘પ્રશસ્તિરત્નાવલી’ નામનું 16 ભાષાઓનું બનેલું કરંભક કાવ્ય ઇત્યાદિ સ્વરચનાઓના નિર્દેશો કર્યા છે. આલંકારિક તરીકે વિશ્વનાથે આચાર્ય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પર ‘કાવ્યપ્રકાશદર્પણ’ નામની ટીકા લખી છે, જે પ્રકાશિત રચના છે. જ્યારે એમની શિરમોર ગણાયેલી રચના ‘સાહિત્યદર્પણ’ પર લેખક તરીકે તેમની કીર્તિ આધાર રાખે છે. એમાં તેઓ રસવાદી આલંકારિક સિદ્ધ થયા છે, કારણ કે કાવ્યનો આત્મા રસ છે એમ તેઓ માને છે. અલંકારશાસ્ત્રના તમામ મુદ્દાઓની – શ્રાવ્ય અને દૃશ્યકાવ્યની ચર્ચા તેમણે તે ગ્રંથમાં કરી હોવાથી તે ઉપાદેય ગ્રંથ છે.

પ્ર. ઉ. શાસ્ત્રી