કુસ્તી : ઉત્તમ પ્રકારની બુનિયાદી લોકરમત. ‘કુસ્તી’ ફારસી શબ્દ છે અને તેનો શબ્દકોશીય અર્થ થાય છે ‘બથ્થંબથ્થા’. કુસ્તી એ આમ જનતાની દ્વંદ્વ રમત છે અને તેમાં વ્યક્તિનાં તાકાત, કૌશલ્ય, ચપળતા અને દમ, કસોટીની એરણે ચઢેલા છે. કુસ્તી એક યા અન્ય સ્વરૂપે વિશ્વવ્યાપી લોકરમત છે અને વિવિધ દેશોમાં લોકસંસ્કૃતિ-આધારિત શૈલી(style)ભેદે તે શોખથી રમાય છે. બ્રિટનમાં કમ્બરલૅન્ડ ઍન્ડ વેસ્ટમોરલૅન્ડ તથા ડેવન કોર્નવૉલ, સ્વિટ્ઝર્લૅન્ડમાં સ્ક્વિન્જન, આઇસલૅન્ડમાં ગ્લીમા, જાપાનમાં સુમો, રશિયામાં સામ્બો, ટર્કીમાં યાગ્લી, ઈરાનમાં કુસ્તી તથા ભારતમાં મલ્લયુદ્ધ એ બધા કુસ્તીના ખ્યાતનામ પ્રકારો છે.

માનવી ગુફામાં રહેતો હતો તે અતિપ્રાચીન કાળ સુધી કુસ્તીનું પગેરું દોરી જાય છે, જેની પાછળ માનવીનો જીવનરક્ષાનો હેતુ હતો. પ્રાચીન કાળમાં પ્રચલિત કુસ્તીના ઘણા દાવપેચો અત્યારે પણ કુસ્તીમાં જોવા મળે છે. પ્રાચીન ઇજિપ્તના સંસ્કૃતિકાળ(ઈ. પૂ. 3400)માં દીવાલો પર દોરેલાં કુસ્તીનાં અનેક ચિત્રો પુરાતત્વવિદોને મળી આવ્યાં છે. પ્રાચીન ગ્રીસ, બૅબિલોનિયા, ઍસિરિયા અને ચીનની પુરાતન સંસ્કૃતિમાં પણ કુસ્તીના સમુચિત પ્રચારની પ્રતીતિ મળે છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં મલ્લયુદ્ધ પ્રચલિત હતું અને મહાભારતકાળમાં શ્રીકૃષ્ણ, બલરામ, ભીમ, કંસ, ચાણૂર વગેરે મલ્લવિદ્યાના ખ્યાતનામ નિષ્ણાતો હતા.

સાંપ્રતકાળમાં કુસ્તીની બે શૈલીઓ (1) ફ્રી સ્ટાઇલ, અને (2) ગ્રીકો-રોમન વિશ્વપ્રચલિત અને સર્વમાન્ય છે તથા વિશ્વ તેમજ ઓલિમ્પિક સ્પર્ધાઓમાં તેનો સમાવેશ થાય છે. ગ્રીકો-રોમન શૈલીની કુસ્તીમાં સામ્યવાદી દેશો તથા સ્કૅન્ડિનેવિયન દેશો અગ્રણી છે, જ્યારે ફ્રી સ્ટાઇલ શૈલીની કુસ્તીમાં ભારે વજન વિભાગમાં રશિયા અને હલકા વજન વિભાગમાં જાપાન અગ્રણી છે. વિશ્વકક્ષાએ 1921માં ઍમચ્યોર કુસ્તી માટેના નિયામક મંડળની સ્થાપના થઈ. અલબત્ત અર્વાચીન ઓલિમ્પિક રમતોમાં આરંભથી જ એટલે 1896થી કુસ્તીની સ્પર્ધાનો સમાવેશ થયેલો છે, છતાં બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી જ તે ખરેખર આંતરરાષ્ટ્રીય સ્પર્ધા બની રહી છે અને અનેક દેશો તેમાં ભાગ લે છે.

આકૃતિ 1 : કુસ્તીની વિવિધ શૈલીઓ

ફ્રી સ્ટાઇલ કુસ્તી સૌથી વધુ લોકપ્રિય અને પ્રેક્ષણીય છે. તે ‘લેન્કૅશાયર કૅચ-ઍઝ-કૅચ-કૅન’ પ્રકારમાંથી વિકસેલી છે, જેમાં શિષ્ટ પકડો, પછાડો અને ચૂકાવટોની જ છૂટ છે અને સર્વ દ્વંદ્વો આંતરરાષ્ટ્રીય નિયમોથી નિયંત્રિત છે. ગ્રીકો-રોમના કુસ્તીમાં ફ્રી સ્ટાઇલ કુસ્તી જેવા જ નિયમો છે, પરંતુ મુખ્ય તફાવત એ છે કે તેમાં પ્રતિસ્પર્ધીને નિતંબની નીચેના ભાગે પકડી શકાતો નથી કે પગ વડે પકડમાં લઈ શકાતો નથી. બંને પ્રકારની કુસ્તીમાં પ્રતિસ્પર્ધીના વાળ, કાન, સ્નાયુ કે ગુપ્ત ભાગ ખેંચવા; હાથ, પગ, આંગળાં આમળવાં; લાત મારવી; ગળું ભીંસવું વગેરે નિયમ વિરુદ્ધ ગણાય છે.

કુસ્તીની સ્પર્ધા માટે સ્પર્ધકોના વજન-વિભાગ નીચે મુજબ નક્કી કરવામાં આવ્યા છે :

લાઇટ ફલાય-વેટ 48 કિગ્રા. સુધી
ફલાય-વેટ

52

કિગ્રા. સુધી
બેન્ટમ-વેટ

57

કિગ્રા. સુધી
ફેધર-વેટ

62

કિગ્રા. સુધી

લાઇટ-વેટ

68

કિગ્રા. સુધી
વેલ્ટર-વેટ

74

કિગ્રા. સુધી
મિડલ-વેટ

82

કિગ્રા. સુધી
લાઇટ હેવી-વેટ

90

કિગ્રા. સુધી
મિડલ હેવી-વેટ

100

કિગ્રા. સુધી
હેવી-વેટ

100

કિગ્રા.થી ઉપર

કુસ્તી લડવા માટેનાં રાઉન્ડમાં ચિઠ્ઠીઉપાડ(draw)થી નંબર નક્કી કરવામાં આવે છે; જેમ કે, 9 સ્પર્ધકો હોય તો પહેલા રાઉન્ડમાં 1-2, 3-4, 5-6, 7-8, 9 બાય એ પ્રમાણે અને બીજા રાઉન્ડમાં 9-1, 2-3, 4-5, 6-7, 8 બાય એ પ્રમાણે રાઉન્ડ ગોઠવાય છે, એટલે કે પોતાની સાથે કુસ્તી ન લડેલા નજીકના નંબર સાથે જોડ બંધાય છે.

આકૃતિ 2 : પ્રાચીન ઇજિપ્તનાં કુસ્તીનાં દીવાલચિત્રો

કુસ્તી ચારેય બાજુ ઢોળાવવાળા તથા વધુમાં વધુ 1.10 મીટર ઊંચા મંચ પર પાથરેલી 10 સેમી. જાડી અને 6થી 8 મીટર (વિશ્વસ્પર્ધા તથા ઓલિમ્પિક સ્પર્ધામાં 8 મીટર) ચોરસ મૅટ પર રમાય છે. તેની ચારેય બાજુ 2 મીટર પહોળો સલામત મૅટ-વિસ્તાર હોય છે.

સ્પર્ધકોનો પોશાક : આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ નીચે લંગોટ ઉપર ટાઇટ એકવસ્ત્રી હોય છે તથા એકનો રંગ લાલ અને પ્રતિસ્પર્ધીનો રંગ ભૂરો હોય છે તેમજ હલકાં બૂટ-મોજાં પહેરી શકાય છે. સ્પર્ધાના સંચાલન-નિયંત્રણ માટે એક મૅટ ચૅરમૅન, એક રેફરી, એક જજ અને એક ટાઇમકીપર મળી કુલ ચાર અધિકારીઓ હોય છે.

દરેક દ્વંદ્વ ત્રણ-ત્રણ મિનિટની ત્રણ પાળી મળી કુલ નવ મિનિટ સુધી રમાય છે તથા બે પાળી વચ્ચે એક મિનિટનો વિરામ હોય છે. દ્વંદ્વ દરમિયાન કોઈ હરીફ પ્રતિસ્પર્ધીને તેના બન્ને ખભાના મુઠ્ઠા અડકે તે રીતે મેટને (fall) કરે અને એક સેકંડ સુધી તે સ્થિતિ જાળવે તો પ્રતિસ્પર્ધી ચીત થયો – હાર્યો ગણાય અને દ્વંદ્વનો અંત આવે. કોઈ સ્પર્ધક ગેરલાયક ઠરે તો પણ દ્વંદ્વનો અંત આવે અને પ્રતિસ્પર્ધી વિજયી ગણાય. રેફરીની સિસોટીની સંજ્ઞાથી દ્વંદ્વ કે પાળી શરૂ થાય, પૂરી થાય યા અટકે. કુસ્તીની દરેક પાળી દરમિયાન સ્પર્ધક પૂરી તાકાત દાખવી સફળતાપૂર્વક માન્ય દાવ અજમાવી પ્રતિસ્પર્ધી પર સારો કાબૂ ધરાવે તે ઘટનાને અનુલક્ષીને ગુણાંકન કરવામાં આવે છે અને તે મુજબ વિજેતા નક્કી થાય છે.

આકૃતિ 3 : પ્રાચીન ભારતીય કુસ્તી

મલ્લયુદ્ધ યા કુસ્તી એ ભારતમાં પ્રાચીન કાળથી રાષ્ટ્રીય રમત મૅટ પર નહિ પણ મુલાયમ બનાવેલી માટીથી ભરેલા ખાડામાં ફક્ત લંગોટ-જાંઘિયો પહેરીને રમાય છે. પરંપરિત અખાડામાં તથા વ્યાયામશાળાઓમાં કુસ્તીને કેન્દ્રમાં રાખીને દંડ-બેઠક, સૂર્યનમસ્કાર, મલખમ, મગદળ, વજન-વ્યાયામ વગેરે કસરત-પ્રકારોની તાલીમને તથા કુસ્તીના વિવિધ દાવ, તોડો તથા સાંકળોની તાલીમને મહત્વનું સ્થાન હતું. વિવિધ ઉત્સવ તથા તહેવારો પ્રસંગે કુસ્તીનાં દંગલો ખેલાતાં અને વિજેતાઓને કીમતી ઇનામોથી નવાજવામાં આવતા. ભારતીય મલ્લવિદ્યામાં જે વિવિધ પ્રકારોના દાવનો વિકાસ થયો છે તેને અનુલક્ષીને તેના, (1) ભીમસેની એટલે કે કેવળ તાકાતથી થતા દાવ, (2) હનુમન્તી એટલે કે યુક્તિના દાવ, (3) જાંબુવંતી એટલે કે પ્રતિસ્પર્ધીને ચીત ન કરતાં તેના હાથપગ બાંધીને તેને તાબામાં લેવાના દાવ તથા (4) જરાસંધી એટલે કે હાથપગ ભાંગવા તથા પ્રતિસ્પર્ધીનો જીવ લેવાના દાવ એવા પ્રકાર પાડવામાં આવ્યા છે.

ભારતમાં પૂર્વસ્વાતંત્ર્યકાળ દરમિયાન દેશી રાજ્યો ભારતીય કુસ્તીને રાજ્યાશ્રય આપતાં અને શ્રેષ્ઠ ભારતીય પહેલવાનને ‘રૂસ્તમ-એ-હિન્દ’નો ખિતાબ મળતો. 1892માં ભારતના કરીમબક્ષે ઇંગ્લૅન્ડના પહેલવાન ટૉન કેનનને હરાવ્યો હતો. 1900માં મોતીલાલ નહેરુ સાથે પૅરિસ ગયેલા ગુલામ પહેલવાને ટર્કીના કાદિરઅલીને વિશ્વકુસ્તી-સ્પર્ધામાં હરાવ્યો હતો. 1921માં સાન ફ્રાન્સિસ્કોમાં એડશેન્ટરને હરાવી ગોબર પહેલવાન વિશ્વવિજેતા બન્યો હતો. ‘રૂસ્તમ-એ-હિન્દ’ ગામાએ યુરોપિયન પહેલવાનોમાં શ્રેષ્ઠત્વ મેળવી રશિયન પહેલવાન ઝિબિસ્કોને 1910માં પ્રથમ બર્લિનમાં હરાવ્યો હતો અને પછી 1928માં પતિયાલામાં 21 સેકંડમાં ચીત કરી ઇતિહાસ સર્જ્યો હતો. વીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન પંજાબમાં, રૂસ્તમ-એ-જહાં ગામા, રમજુ, બુટ્ટા, અહમદબક્ષ, ગુલામ, અલિયા, ગુલામ મહુદ્દીન, ટીલા, કલ્લુ અલિયા, ગામા કલ્લુ, ઇમામબક્ષ, બંગાળમાં ગોબરગુહા, ઉત્તર પ્રદેશમાં છોટુસિંહ વગેરે ભારતના ખ્યાતનામ પહેલવાનો હતા. ભારત સ્વતંત્ર થતાં રાજાઓ અને રાજ્યાશ્રય નાબૂદ થયા પછી 1948માં રેસલિંગ ફેડરેશન ઑવ્ ઇન્ડિયાની સ્થાપના થઈ અને 1952માં હૅલ્સિન્કી ખાતે વિશ્વ ઓલિમ્પિક્સમાં ભારતના કે. જાદવે કુસ્તીમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો. વિશ્વ ચૅમ્પિયનશીપમાં ઉદયચંદે 1961માં કાંસ્ય ચંદ્રક, વિશંભરસિંગે 1967માં રૌપ્ય ચંદ્રક અને દારાસિંગે 1968માં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. 1962માં જાકાર્તા ખાતે એશિયાડમાં ગ્રીકો-રોમન કુસ્તીમાં મારુતિ માને, માલવા તથા ગણપત એન્ડલેકરે પોતપોતાના વજન વિભાગમાં સુવર્ણચંદ્રકો મેળવ્યા; જ્યારે ખસીદે 1954ની એશિયાડમાં રૌપ્ય અને સોહનસિંગે કાંસ્ય તથા કરતારસિંગે 1978માં સુવર્ણ, 1982માં રૌપ્ય અને 1986માં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યા. કૉમનવેલ્થ ગેમ્સ 1958માં લીલારામે સુવર્ણ તથા 1989માં ભારતના કુસ્તીબાજોએ સાત સુવર્ણ, બે રૌપ્ય તથા એક કાંસ્ય મળી કુલ દસ ચંદ્રકો જીતી કુસ્તીમાં ભારતનો ડંકો વગાડ્યો. હરિયાણાના માસ્ટર ચંદગીરામ ભારતીય કુસ્તીમાં પ્રખ્યાત ‘હિંદ કેસરી’ વિજેતા કુસ્તીબાજ છે.

આકૃતિ 4 : રૂસ્તમ-એ-હિન્દ

દિલ્હીની હનુમાન વ્યાયામશાળાએ ખ્યાતનામ કુસ્તીવીરો તૈયાર કરી ભારતને આંતરરાષ્ટ્રીય ગૌરવ અપાવ્યું છે. તે જ પ્રમાણે વડોદરામાં નારાયણગુરુની તાલીમ સંસ્થા, જુમ્માદાદા વ્યાયામશાળા તથા શારણેશ્વર વ્યાયામમંદિરે નિષ્ણાત કુસ્તીવીરો તૈયાર કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

કુસ્તીવિશ્વશ્રેષ્ઠ

વર્ષ

ભાર ફ્રીસ્ટાઇલ

ગ્રીકો-રોમન

2003 55 મનસૂરોવ (ઉઝબેકિસ્તાન) યાબ્લોન્સ્કી (પોલૅન્ડ)
60 યાદુલ્લા (આઝરબૈજાન) નાઝાર્યાન (બલ્ગેરિયા)
66 ફાર્નિયેવ (રશિયા) ક્વિરક્વેલિયા (જ્યૉર્જિયા)
69
74 સાયત્યેવ (રશિયા) ગ્લુશ્કોવ (રશિયા)
84 સાઝિદોવ (રશિયા) ઝિઝિયાશ્વિલી (ઇઝરાયેલ)
96 કુર્તનિદ્ઝે (જ્યૉર્જિયા) લિંડબર્ગ (સ્વિડન)
120 તાયમોઝોવ (ઉઝ.) બેરોયેવ (રશિયા)
2002 55 મોન્ટેરો (ક્યૂબા) મામદાલિયેવ (રશિયા)
60 ડોગન (તુર્કી) નઝાર્યાન (બલ્ગેરિયા)
66 તેદેયેવ (યુક્રેન) સેમ્યુઅલસન (સ્વિડન)
69 હાજીઝાદે (ઈરાન) સમુર્ગાશ્યેવ (રશિયા)
74 સાયત્યેવ (રશિયા) અબ્રાહમિયન (સ્વિડન)
84 કુર્તાનિદ્ઝે (જ્યોર્જિયા) ઓઝલ (તુર્કી)
120 મુસુલ્બેસ (રશિયા) બાયર્સ (યુનાઇટેડ સ્ટેટ્સ)
2001 54 કાન્તોયેઉ (બેલારુસ) રંગરેજ (ઈરાન)
58 સિસાઉરી (કૅનેડા) આરિપોવ (ઉઝબેકિસ્તાન)
63 બાર્ઝાકોવ (બલ્ગેરિયા) ગાહુસ્ત્યાન (આર્મેનિયા)
69 પાસ્લર (બલ્ગેરિયા) આચુય (ક્યૂબા)
76 સાયત્યેવ (રશિયા) અબ્રાહમિયન (સ્વિડન)
85 માગોમેદોવ (રશિયા) વાખ્રાંગાદ્ઝે (જ્યૉર્જિયા)
90 ગોગચેલિદમે (રશિયા) બેઝરુયકિન (રશિયા)
130 મુસુલ્બેસ (રશિયા) બાયર્સ (યુ.સ્ટે.)
2000 54 અબ્દુલ્લાયેવ (આઝ.) સિમક્વોનહો (દ. કોરિયા)
58 દાલિયર (ઈરાન) નઝર્યાન (બલ્ગેરિયા)
63 ઉમાખાનોવ (રશિયા) સમુર્ગાશેવ (રશિયા)
69 ઇગાલી (કૅનેડા) અશ્ચાય (ક્યૂબા)
76 સ્લે (યુ. સ્ટે.) કાર્દાનોવ (રશિયા)
85 સાયત્યેવ (રશિયા) યેરલિકાયા (તુર્કી)
90 મુર્તાસાલિયેવ (રશિયા) લ્યુંગબર્ગ (સ્વિડન)
130 મુસલબેસ (રશિયા) ગાર્ડનર (યુ. સ્ટે.)
1999 54 કિમ વુયોંગ (દ. કોરિયા) રિવાસ (ક્યૂબા)
58 દોગાન (તુર્કી) કિમ ઇન સુબ (દ. કોરિયા)
63 તેદેયેવ (યુક્રેન) માનુક્યાન (કઝાખસ્તાન)
69 ઇગાલી (કૅનેડા) સોનસાંગમિલ (દ. કોરિયા)
76 સાયત્યેવ (રશિયા) અવલ્યુકા (તુર્કી)
85 રોમેરો (ક્યૂબા) મેન્ડિઝ (ક્યૂબા)
90 મુર્તાસાલિયેવ (રશિયા) કોગુઆશ્વિલી (રશિયા)
130 નીલ (યુ.સ્ટે.) કારેલિન (રશિયા)
1998 54 હેનસન (યુ.સ્ટે.) સિમક્વોન હો (દ. કોરિયા)
58 દાલિયર (ઈરાન) કિમ ઇન સુબ (દ. કોરિયા)
63 બર્ઝાકોવ (બલ્ગેરિયા) માનુક્યાન (કઝાખસ્તાન)
69 જિવોર્કિયન (આર્મેનિયા) ત્રેત્યાકોવ (રશિયા)
76 સાયતેવ (રશિયા) બાયસેમનોવ (કઝા.)
85 હૈદરી (ઈરાન) જોનશિકોવ (રશિયા)
90 જાદિદી (ઈરાન) કોગુએશ્વિલી (રશિયા)
130 રોડરિગ્સ (ક્યૂબા) કારોલિન (રશિયા)

ચિનુભાઈ  શાહ