વિલ્લુપુરમ્ (Villupuram)
February, 2005
વિલ્લુપુરમ્ (Villupuram) : તામિલનાડુ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 11° 56´ ઉ. અ. અને 79° 29´ પૂ. રે.ની આજુબાજુનો 6,896 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઈશાનમાં તિરુનવલ્લુર, પૂર્વ તરફ બંગાળાનો ઉપસાગર, અગ્નિ તરફ કડલોર, નૈર્ઋત્ય તરફ સેલમ, પશ્ચિમે ધરમપુરી તથા વાયવ્યમાં થિરુનેલવેલી જિલ્લાઓ આવેલા છે.
ભૂપૃષ્ઠ : આ જિલ્લો દક્ષિણ ભારતના ઉચ્ચપ્રદેશીય વિસ્તારમાં આવેલો હોવાથી તેનું ભૂપૃષ્ઠ અસમતળ છે. જિલ્લાના કાલાકુરિચી તાલુકાના પશ્ચિમ ભાગમાં આવેલી કાલરાયન હારમાળા ઉત્તર-દક્ષિણ પથરાયેલી છે. તે આગળ જતાં સેલમ જિલ્લા સાથે સરહદ રચે છે. હારમાળાની ઊંચાઈ 600થી 700 મીટર જેટલી છે. તેના ઉત્તર છેડે ચેનગામ ઘાટ અને દક્ષિણ છેડે અત્તુર ઘાટ આવેલા છે. ગિન્જી તાલુકાની નૈર્ઋત્યમાં આવેલી ગિન્જી ટેકરીઓ 16 કિમી. જેટલી લંબાઈવાળી છે. વનસ્પતિ-આચ્છાદિત આ ટેકરીઓ આરક્ષિત જંગલ તરીકે ઓળખાય છે. આ જંગલોમાં મુખ્યત્વે ઇંધન માટેનાં લાકડાં આપતાં વૃક્ષો તેમજ સાગ, રોઝવૂડ, ચંદનનાં વૃક્ષો, વાંસ તથા કાજુ અને ઇલાયચી મળે છે.
જળપરિવાહ : પેન્નાર જિલ્લાની મુખ્ય નદી છે. તેનું ઉદ્ગમસ્થાન કર્ણાટકના નંદીદુર્ગ જિલ્લામાં ચેન્ના કેસાનાની ટેકરીઓમાં રહેલું છે. ત્યારબાદ તે સેલમ જિલ્લામાંથી વહીને ઉત્તર આર્કટ જિલ્લામાંથી પસાર થાય છે અને તેના હેઠવાસની ખીણમાં આગળ વધે છે. ગિન્જી નદી ગિન્જી તાલુકાના વાયવ્ય ભાગમાંથી નીકળે છે. તે આગળ જતાં વિલ્લુપુરમ્ તાલુકામાં પ્રવેશે છે. તેને ડાબી બાજુએથી ટોન્ડા ઐયર અને જમણી બાજુએથી કલાન અને પામ્બિયાર નદીઓ મળે છે. ગિન્જી નદી આ જિલ્લામાં શંકરભરણી તરીકે પણ ઓળખાય છે. ગન્ડીલમ્ નદી તિરુકોઇલુર તાલુકાના પૂર્વ ભાગમાંથી નીકળી કડલોર તાલુકામાંથી વહીને આગળ વધે છે. આ નદીને પોન્નિયાર નદી મળતાં તે માલાટ્ટન નામથી ઓળખાય છે. અહીંની નાની નદીઓ ઓનગુન અને કોડામીનનાં પાણી ટીન્ડિવાનમ્ તાલુકાના તળાવમાં ઠલવાય એવું આયોજન કરવામાં આવેલું છે. આ ઉપરાંત અન્ય નાની નદીઓમાં પાનાવાનાન, કલેરુન અને વેલારનો સમાવેશ થાય છે. સમુદ્રભરતી અને મોજાંને કારણે નદીનાળનાં પાણી પાછાં પડે છે. પાણીની પાછા પડવાની સ્થિતિ (તરંગરોધ, backwaters) ટીન્ડિવાનમ્ તાલુકાના પૂર્વ કિનારે સ્પષ્ટપણે જોવા મળે છે અને આ સંજોગથી ટીન્ડિવાનમ્ વિસ્તારમાં 31 ચોકિમી. જેટલો કાલુવેલીનો પંકભૂમિનો વિસ્તાર રચાયેલો છે.
ખેતી : જિલ્લાના મુખ્ય પાકોમાં વિવિધ જાતની ડાંગર, ચણા, મગફળી, શેરડી, આદું, કેળાં અને કેરીનો સમાવેશ થાય છે. અહીં ખેતીમાં સિંચાઈ આપવા માટે નદીનો તેમ જ તળાવોનો ઉપયોગ થાય છે.
પશુપાલન : આ જિલ્લામાં ખેતી સાથે પશુપાલન-પ્રવૃત્તિ પણ વિકસી છે. ગાય, ભેંસ, ઘેટાં-બકરાં, ડુક્કર તથા મરઘાં-બતકાંના ઉછેરને પ્રોત્સાહન અપાય છે. ઉત્તમ ઓલાદનાં પશુઓ મળી રહે તે માટે પશુસંવર્ધન-કેન્દ્રો, દરેક તાલુકામાં પશુદવાખાનાં-પશુચિકિત્સાલયો ઊભાં કરવામાં આવેલાં છે. અહીં પશુઓની સંખ્યા વિશેષ હોવાથી દૂધ માટે સહકારી દૂધ-મંડળીઓ પણ સ્થપાઈ છે. જિલ્લાને લાંબો દરિયાકિનારો મળેલો હોવાથી મત્સ્યપ્રવૃત્તિનો વિકાસ થયેલો છે. નદીઓ અને તળાવોમાં પાણી-પુરવઠો પૂરતા પ્રમાણમાં રહેતો હોવાથી મીઠા પાણીની માછલીઓ ઉછેરવામાં આવે છે.
ઉદ્યોગો-વેપાર : આ જિલ્લો ખનિજસંપત્તિની દૃષ્ટિએ સમૃદ્ધ છે. ટીન્ડિવાનમ્ તાલુકામાં ક્રિટેશિયસ કાળના ચૂનાખડકના જથ્થા, કાલાકુરીચી તાલુકામાં લોહઅયસ્કના જથ્થા તથા ટીન્ડિવાનમ્ પાસે ખૂબ જ જાણીતા બનેલા કાળા ગ્રૅનાઇટના જથ્થા મળે છે. આ ગ્રૅનાઇટની નિકાસ થાય છે. અહીં ઉત્તમ કક્ષાની સિલિકા પણ મળે છે. આ ઉપરાંત ખનિજો-આધારિત ઔદ્યોગિક એકમો કાર્યરત છે. વળી શેરડીનું ઉત્પાદન વધુ થતું હોવાથી ખાંડનાં કારખાનાં પણ સ્થપાયેલાં છે. જિલ્લાનાં શહેરો વેપારનાં મહત્વનાં મથકો તરીકે વિકસેલાં છે. શહેરોમાં વનસ્પતિ-ઘી તથા દીવાસળી, સાબુ અને પાઉડર બનાવવાના એકમો પણ કાર્યરત છે.
પરિવહન : ચેન્નાઈથી તિરુચિરાપલ્લીને જોડતો ધોરી માર્ગ વિલ્લુપુરમ્, ટીન્ડિવાનમ્ અને ઉલુનડુરુપેટ્ટાઈ શહેરો પાસેથી પસાર થાય છે. રાજ્યના ધોરી માર્ગોમાં ઉલુનડુરુપેટ્ટાઈઅત્તુર માર્ગ મહત્વનો છે. અહીંથી દક્ષિણ રેલમાર્ગ વિભાગનો મીટરગેજ રેલમાર્ગ પસાર થાય છે. તે ચેન્નાઈ-ધનુષ્કોડી રેલમાર્ગ તરીકે જાણીતો છે અને તેના પર વિલ્લુપુરમ્ અને ટીન્ડિવાનમ્નાં મહત્વનાં જંક્શનો આવેલાં છે. વળી વિલ્લુપુરમ-તિરુચિરાપલ્લીને સાંકળતો એક રેલમાર્ગ ઉલુનડુરુપેટ્ટાઈને જોડે છે. આ ઉપરાંત, વિલ્લુપુરમ-કાટપાડી અને વિલ્લુપુરમ-પૉંડિચેરીને સાંકળતો રેલમાર્ગ પણ આ જિલ્લામાંથી પસાર થાય છે.
વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 29,43,917 જેટલી છે. જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન અને શીખ લોકોનું પ્રમાણ વિશેષ છે. અહીં તમિળ અને અંગ્રેજી ભાષાઓનો વિશેષ ઉપયોગ થાય છે. વહીવટી સરળતા માટે આ જિલ્લાને 7 તાલુકાઓમાં વહેંચેલો છે. જિલ્લાનાં મહત્વનાં શહેરોમાં વિલ્લુપુરમ, ટીન્ડિવાનમ્, કાલાકુરીચી અને તિરુકોઈલુરનો સમાવેશ થાય છે. આ બધાં શહેરોમાં ઉચ્ચમાધ્યમિક અને ઉચ્ચશિક્ષણની શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. ગ્રામીણ વિસ્તારોમાં બાલમંદિરો અને પ્રાથમિક શાળાઓ છે. શહેરોમાં ચિકિત્સાલયો અને ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક સારવારકેન્દ્રોની સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે.
પ્રવાસન : ગિન્જી ખાતે આવેલો કિલ્લો, મૈલમ ખાતેનું ભગવાન સુબ્રહ્મણ્યમ્નું મંદિર, શ્રી નાગવરમ્ ખાતેનું ભગવાન રંગનાથનનું મંદિર અહીંનાં જાણીતાં તીર્થસ્થાનો છે. કાલરાયન, તેનમલાઈ, તિરુન્નામલાઈનાં શિખરો જિલ્લાના ભૂપૃષ્ઠની રમણીયતામાં ઉમેરો કરે છે. વિલ્લુપુરમ્ તેમજ સમુદ્રકિનારાનાં સ્થળો પ્રવાસનધામો તરીકે વિકસેલાં છે.
ઇતિહાસ : પ્રાચીન સમયમાં અહીં ચૌલ રાજાઓનું પ્રભુત્વ હતું, તેમાં કાનીકાલા ચોલ રાજવી વધુ સમર્થ હતો. તે પછી થોડા સમયગાળા માટે પાલવા વંશના સિમ્હા વિષ્ણુનું શાસન રહેલું, પરંતુ ચોલ વંશના રાજા વિજયાલયે તેનો ફરીથી કબજો મેળવેલો. ચોલ વંશના રાજાઓ નબળા પડતાં અહીંની સત્તા ચાલુક્ય રાજાઓએ મેળવેલી ખરી; પરંતુ ફરીને એક વાર ચોલવંશના રાજાઓએ શાસન કરેલું, જે 1251 સુધી ચાલુ રહેલું. ત્યારબાદ 1334થી 1378 સુધી અહીં મુસ્લિમોનું વર્ચસ્ સ્થપાયેલું; પરંતુ તે પછીથી વિજયનગર રાજ્યના તાબામાં આ પ્રદેશ રહેલો. 1677માં શિવાજીએ આ વિસ્તાર પોતાને હસ્તક કરેલો. શિવાજીના શાસન બાદ મુઘલોએ અહીં સત્તા સ્થાપેલી. અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચેના પ્રાદેશિક સંઘર્ષોને કારણે આ આખોય પ્રદેશ સમરાંગણમાં ફેરવાયેલો; તેમાં છેવટે આ પ્રદેશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને હસ્તક આવ્યો; જે 1947 સુધી બ્રિટિશ શાસન હેઠળ રહેલો.
નીતિન કોઠારી