વિલ્ફ્રેડ, પેરેટૉ (. 1848, પૅરિસ; . 1923) : સમાજશાસ્ત્રના અભ્યાસી. પેરેટૉનો જન્મ ઇટાલિયન માતા-પિતાને ત્યાં થયો હતો. ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રમાં વિદ્યાભ્યાસની શરૂઆત કરીને વીસ વરસ પછી અર્થશાસ્ત્ર, રાજશાસ્ત્ર અને સમાજશાસ્ત્રમાં ઊંડો રસ લેવા લાગ્યા. સ્વિટ્ઝર્લૅન્ડમાં લોસાને યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના પ્રાધ્યાપકનું કામ કર્યું. સમાજશાસ્ત્રમાં યંત્રવાદી (michanistic) વિચારશાખાના સિદ્ધાંત ઉપર અગત્યનું યોગદાન આપ્યું. સમાજનાં વિશિષ્ટ તત્વોને ગણનામાં લઈને સામાજિક જૂથ તંત્રરચનાનું આયોજન કરે છે અને અસ્તિત્વ ટકાવે છે તેવું એમણે પ્રતિપાદન કર્યું. પેરેટૉના મતે સામાજિક તંત્રરચનાને વિખેરનારાં પરિબળોનો એકતાના પરિબળથી સામાજિક આયોજન સફળતાપૂર્વક સામનો કરે છે. આ શાખામાં સમાજની વ્યક્તિઓના પારસ્પરિક સંબંધોને મનુષ્યરૂપ જીવાણુઓના જટિલ આયોજન સાથે સરખાવવામાં આવે છે. અહીં માનસિક પ્રત્યાઘાતો, ભાષાકીય પ્રતિઘોષ, આર્થિક પરિસ્થિતિ, વ્યક્તિઓનો શંભુમેળો, સામાજિક સ્થાનાંતર અને સામાજિક પરિભ્રમણ વગેરે આયોજનનાં અગત્યનાં પરિબળો ગણાય છે.

હ. રા. ત્રિવેદી