વિલિસ, બૉબ (વિલિસ રૉબર્ટ જ્યૉર્જ ડિલૅન)
February, 2005
વિલિસ, બૉબ (વિલિસ રૉબર્ટ જ્યૉર્જ ડિલૅન) (જ. 30 મે 1949, સંડરલૅન્ડ, ડરહૅમ, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ ખેલાડી. તેમની વેધક ઝડપી ગોલંદાજીને પરિણામે તેઓ આંગ્લ ટીમના ગોલંદાજી-આક્રમણમાં અગ્રેસર બની રહ્યા હતા. તેમની સૌથી ઉત્તમ ગોલંદાજી તે 1981માં હેડિંગ્લે ખાતેની 843ની ગોલંદાજી. તેના પરિણામે ઇંગ્લૅન્ડ ઑસ્ટ્રેલિયા પર 18 રનથી અણધાર્યો વિજય મેળવી શક્યું હતું. 1969-71 દરમિયાન તેઓ સરે તરફથી રમ્યા અને 1970-71માં ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-પ્રવેશ કર્યો; જોકે એ સમયે તેમને કાઉન્ટી ખેલાડી તરીકે ‘કૅપ’ પણ મળી ન હતી. પછી તેઓ વૉરવિકશાયર વતી રમવા માંડ્યા અને 1980-84 સુધી તેનું કપ્તાનપદ સંભાળ્યું. વળી 1982-84 દરમિયાન 18 મૅચમાં ઇંગ્લૅન્ડનું કપ્તાનપદ સંભાળ્યું. તેઓ ખાસ્સા ઊંચા (1.98 મિ.) હતા અને દેખાવે કંઈક કઢંગા હતા; પણ ગોલંદાજ તરીકે ખૂબ પ્રભાવક હતા અને 1970ના દશકાના મધ્ય ભાગથી તેઓ ટેસ્ટના નિયમિત ખેલાડી બની રહ્યા. પોતાની 84મી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ વતી સૌથી વધુ વિકેટ લેવાનો ફ્રેડ ટ્રુમેનનો વિક્રમ તેઓ પાર કરી શક્યા હતા; આ સિદ્ધિ તેમણે જાન્યુઆરી 1984માં ન્યૂઝીલૅન્ડ સામે હાંસલ કરી હતી. નિવૃત્તિ પછી તેમણે ઇંગ્લૅન્ડ વતી વ્યવસ્થાપકીય કામગીરી તથા ટી.વી.ના વૃત્તાંત-વિવેચકની કામગીરી સંભાળી હતી. તેમને ‘મેમ્બર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર’નો ખિતાબ અપાયો હતો. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે :
(1) 1970-84 : 90 ટેસ્ટ; 11.50ની સરેરાશથી 840 રન; સૌથી વધુ જુમલો 28 (અણનમ); 25.20ની સરેરાશથી 325 વિકેટ; સૌથી ઉત્તમ ગોલંદાજી 843; 39 કૅચ.
(2) એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચ : 10.37ની સરેરાશથી 83 રન; સૌથી વધુ જુમલો 24; 24.60ની સરેરાશથી 80 વિકેટ; 22 કૅચ.
(3) 1969-84 : 14.30ની સરેરાશથી 2,690 રન; સૌથી વધુ જુમલો 72; 24.99ની સરેરાશથી 899 વિકેટ; સૌથી ઉત્તમ ગોલંદાજી 832; 134 કૅચ.
મહેશ ચોકસી