કુવલયમાલાકહા (779) : રાજસ્થાનના પ્રાચીન નગર જાવાલિપુર(જાલૌર)માં વીરભદ્રાચાર્યે બંધાવેલ ઋષભદેવના મંદિરમાં બેસીને ઉદ્યોતનસૂરિએ રચેલી કથા. પ્રાકૃત કથાસાહિત્યમાં ‘કુવલયમાલાકહા’નું મહત્વપૂર્ણ સ્થાન છે. ઉદ્યોતનસૂરિ આચાર્ય વીરભદ્ર અને આચાર્ય હરિભદ્રસૂરિના શિષ્ય હતા.

‘કુવલયમાલા’ ગદ્યપદ્યમિશ્રિત કથા છે. તે મહારાષ્ટ્રી પ્રાકૃત ભાષામાં લખાયેલી ચંપૂકાવ્યની પ્રારંભિક રચના છે. અન્ય પ્રાકૃત, અપભ્રંશ અને સંસ્કૃત ભાષાઓનો પ્રયોગ પણ તેમાં જોવા મળે છે.

‘કુવલયમાલાકહા’નું વિષયવસ્તુ નૈતિક મૂલ્યોને પ્રતિસ્થાપિત કરે છે. વિભિન્ન અસત્ વૃત્તિઓનું પરિશોધન વ્યક્તિ પોતાના પુરુષાર્થ દ્વારા કરી શકે છે, એવું આ ગ્રંથના કથાવસ્તુ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં ક્રોધ, માન, માયા, લોભ અને મોહ – આ પાંચ કષાયોનું પ્રતિનિધિત્વ કરનાર ચંડસોમ, માનભટ, માયાદિત્ય, લોભદેવ અને મોહદત્ત – એ પાંચ પાત્રોની કથા પ્રસ્તુત કરવામાં આવી છે. ચાર પુનર્જન્મો પછી બધાં પાત્રો પોતાનાં સત્કાર્યોથી સદગતિ પ્રાપ્ત કરે છે. સંક્ષિપ્ત કથાવસ્તુ આ પ્રમાણે છે.

અયોધ્યામાં રાજા ર્દઢવર્મા રાજ્ય કરતા હતા. તેમની પટરાણીનું નામ પ્રિયંગુશ્યામા હતું. તેમના પુત્રનું નામ કુવલયચન્દ્ર હતું. એક વાર કુવલયચન્દ્રને એક અશ્વ ઊડીને વિન્ધ્યાટવિમાં લઈ ગયો. ત્યાં રહેતા એક મુનિરાજે કુવલયચન્દ્રને અશ્વ દ્વારા તેને ત્યાં પહોંચાડ્યાની ઘટનાનું રહસ્ય સમજાવ્યું અને પૂર્વજન્મના પ્રસંગમાં ચંડસોમ, માનભટ, માયાદિત્ય, લોભદેવ અને મોહદત્તની કથાઓ કહી. વર્તમાન જન્મનું વિવરણ કરતાં મુનિરાજે કહ્યું કે આ પાંચે વ્યક્તિ પહેલાં દેવવિમાનમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી ચ્યુત થઈને ચંડસોમ સિંહના રૂપમાં અને મોહદત્ત અશ્વના રૂપમાં ઉત્પન્ન થયા છે. માનભટનો જીવ તમે કુવલયચન્દ્ર છો, માયાદિત્યનો જીવ દક્ષિણ ભારતમાં વિજયાનગરીના રાજા મહાસેનની પુત્રી કુવલયમાલાના રૂપમાં ઉત્પન્ન થયો છે અને લોભદેવનો જીવ સાગરદત્ત વણિકના પુત્રના રૂપમાં ઉત્પન્ન થયો છે જે હું સ્વયં ધર્મનન્દન મુનિના રૂપમાં તમારી સામે છું. હવે તમારે કુવલયમાલાને જાગ્રત કરવા માટે વિજયાપુરી જવાનું છે.

ત્યારબાદ કુવલયચંદ્રે વિજયાપુરી પહોંચીને કુવલયમાલા સાથે વિવાહ કર્યો. ત્યાંથી પાછા ફર્યા બાદ અયોધ્યામાં થોડા સમય માટે રાજ્ય કર્યું. ત્યારપછી પોતાના પુત્ર પૃથ્વીસારને રાજ્ય આપીને પોતાની પત્ની કુવલયમાલાની સાથે દીક્ષા ગ્રહણ કરી. પછી આ પાંચે જણના આગલા જન્મની કથા છે. છેવટે પાંચેના જીવ ભગવાન મહાવીરની ધર્મસભામાં પહોંચે છે. ત્યાં દીક્ષા લઈ, તપશ્ચર્યા કરીને અંતમાં કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે. આ રીતે ‘કુવલયમાલા’ની મૂળ કથા તો આ પાંચ પાત્રોની જ છે, પરંતુ આ સાથે 26 અવાન્તરકથાઓ પણ રજૂ કરાઈ છે. આમ ‘કુવલયમાલા’નું કથાવસ્તુ ભારતીય કથાસાહિત્યની મુખ્ય વિશેષતાઓને સમાવી લે છે. કર્મફળ, પુનર્જન્મ અને માનવમનની મૂળ વૃત્તિઓ જેવી સાંસ્કૃતિક વિચારધારાઓનું પ્રતિનિધિત્વ ‘કુવલયમાલા’ના કથાવસ્તુ દ્વારા થાય છે.

‘કુવલયમાલા’ તે રૂપકાત્મક કાવ્યપરંપરાનો આદિ ગ્રન્થ છે. તે પછી ‘ઉપમિતિભવપ્રપંચકથા’ (સિદ્ધર્ષિ) અને ‘કાયાયિની’ (પ્રસાદ) જેવા રૂપકાત્મક ગ્રંથ ભારતીય સાહિત્યમાં આવ્યા છે. તોરમાણ, રણહસ્તી શ્રી વત્સરાજ અને રાજા અવન્તિ વગેરેના સંબંધમાં કુવલયમાલા દ્વારા નવો પ્રકાશ પડે છે. કુવલયમાલામાં 35 જનપદો, 40 નગરો અને એશિયાના 17 નવા દેશોનું વર્ણન છે. આથી આઠમી સદીના ભારતના સાંસ્કૃતિક સમ્બન્ધો વિશે નવી જાણકારી મળે છે. ઉદ્યોતનસૂરિએ આ ગ્રંથમાં તત્કાલીન સામાજિક જીવનનું યથાર્થ ચિત્ર ઉપસ્થિત કર્યું છે. ગુર્જર, સોરઠ, મરહટ્ઠ વગેરે પ્રાદેશિક જાતિઓ અને ચાવલા, ખન્ના, અરોડા વગેરે આધુનિક જાતિઓના વિકાસનું જ્ઞાન કુવલયમાલામાંનાં વિભિન્ન વર્ણનોથી પ્રાપ્ત થાય છે.

આઠમી સદીના સમૃદ્ધ સમાજનો ખ્યાલ આપતું તત્કાલીન વ્યાપાર અને વાણિજ્યનું વર્ણન, ‘કુવલયમાલા’માં મળે છે. આ ગ્રન્થમાં નિરૂપિત 18 પ્રાન્તોની ભાષાના નમૂના સૌપ્રથમ વાર એક જ સ્થાને ‘કુવલયમાલા’માં રજૂ કરાયા છે. પ્રાકૃત-અપભ્રંશના શબ્દકોશોને માટે અનેક નવા શબ્દો આ ગ્રન્થમાં ઉપલબ્ધ છે.

ઉદ્યોતનસૂરિએ ‘કુવલયમાલા’માં ભારતીય કલા-સંબંધિત કેટલાંક નવાં તથ્યો રજૂ કર્યાં છે. ગ્રંથમાં નિરૂપિત લોકનાટ્યોનાં વર્ણનોથી ભવાઈ, રાસ, ડાંડિયા, ચર્ચરી વગેરેનાં પ્રાચીન રૂપને સમજવામાં સરળતા રહે છે. ભિત્તિચિત્ર અને પટચિત્રવિષયક વિવિધ સામગ્રી આ ગ્રંથમાં છે. તે સમયની મૂર્તિકળામાં આરસપહાણના ઉપયોગને સૂચિત કરે છે. શૈવધર્મ અને પૌરાણિક ધર્મનાં વિભિન્ન અનુષ્ઠાનોનું વર્ણન આ ગ્રન્થમાં છે. જૈનધર્મનું પરમ્પરાગત સ્વરૂપ વિભિન્ન પ્રસંગોમાં ઉપસ્થિત કરાયું છે.

‘કુવલયમાલા’નું સમ્પાદન ડૉ. એ. એન. ઉપાધ્યેએ કર્યું છે, જે સિંધી જૈન ગ્રન્થમાલા મુંબઈથી બે ભાગોમાં અનુક્રમે 1959 અને 1970માં પ્રકાશિત થયેલ છે. 1965માં આનંદહેમ ગ્રન્થમાલા મુંબઈથી હેમસાગરસૂરિ દ્વારા ‘કુવલયમાલા’નો ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરાયો છે. ડૉ. પ્રેમ સુમન જૈનના ‘કુવલયમાલાકહા કા સાંસ્કૃતિક અધ્યયન’ પ્રાકૃત શોધ-સંસ્થાન વૈશાલીથી 1975માં પ્રકાશિત થયેલું છે.

પ્રેમ સુમન જૈન