વિભાષા : પાણિનીય સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રનો પારિભાષિક શબ્દ. સામાન્યત: વિભાષા શબ્દનો ‘વિકલ્પ’ એવો અર્થ થાય છે. મીમાંસાશાસ્ત્ર વગેરે આ જ અર્થમાં પ્રસ્તુત શબ્દને પ્રયોજે છે, પરંતુ પાણિનીય ‘અષ્ટાધ્યાયી’માં તેની વ્યાખ્યા ‘न वेति विभाषा ।’
1/1/44માં આપી છે. ઙ એટલે નિષેધ અને ઞ્ એટલે વિકલ્પ એ બંને અર્થોમાં વિભાષા શબ્દ રહેલો છે.
પાણિનીય વ્યાકરણશાસ્ત્રમાં વિભાષા ત્રણ પ્રકારની છે : (1) प्राप्तविभाषा, (2) अप्राप्तविभाषा અને (3) प्राप्ताप्राप्तविभाषा અથવા अभयत्रविभाषा ।
(1) प्राप्तविभाषा : જ્યારે નિયમ મુજબ એક વિધિ થાય તે પછી બીજા નિયમથી તેનો નિષેધ થયો હોય ત્યારે विभाषा સૂત્ર વડે પ્રાપ્ત થયેલા નિષેધનો વિકલ્પ થાય છે; દા.ત., सर्वादि ગણમાં इतर શબ્દ છે તેથી सर्वादीनि सर्वनामानि એ સૂત્ર મુજબ इतर શબ્દને सर्वनाम સંજ્ઞા પ્રાપ્ત થઈ છે. એ પછી તેનો બીજો નિયમ द्वंद्वे च એ સૂત્ર મુજબ द्वंद्व સમાસમાં इतर શબ્દ વપરાય તો સર્વનામ સંજ્ઞા થઈ નહિ. હવે विभाषा जसि એ વિભાષા સૂત્રથી પ્રથમા બહુવચનનો પ્રત્યય ખ્રૂજ્રવાળા દ્વંદ્વ સમાસને લાગે ત્યારે द्वंद्वे चથી સર્વનામ સંજ્ઞાનો નિષેધ પ્રાપ્ત થયેલો તે વિભાષા એટલે વિકલ્પે સર્વનામ સંજ્ઞા થાય છે; દા.ત., वर्णाश्रमेतर એ દ્વંદ્વ સમાસનાં પ્રથમા બહુવચનમાં સર્વનામ સંજ્ઞા થાય ત્યારે वर्णाश्रमेतरे અને સર્વનામ સંજ્ઞા વિકલ્પે (विभाषा) થાય ત્યારે वर्णाश्रमेतरा: – એમ બંને રૂપો થાય છે. અહીં સર્વનામ સંજ્ઞાનો પ્રાપ્ત નિષેધ વિભાષાના સૂત્રથી વિકલ્પે થાય છે. માટે તે પ્રાપ્ત વિભાષા છે.
(2) अप्राप्तविभाषा : જ્યારે નિયમ મુજબ એક વિધિ પ્રાપ્ત ન થાય ત્યારે બીજા નિયમ વડે તે વિધિ થયો હોય ત્યારે विभाषा સૂત્ર વડે નહિ પ્રાપ્ત થયેલો વિધિ વિકલ્પ (વિભાષા) વડે થાય તેને अप्राप्तविभाषा કહે છે; દા.ત., द्वितीय શબ્દ સર્વાદિગણમાં ના હોવાથી તેને सर्वनाम સંજ્ઞા નથી થતી. હવે तीयस्य डित्सु वा એ સૂત્રથી तीय અંતે રહેલા द्वितीय શબ્દને ચોથી વિભક્તિ લાગે ત્યારે વિકલ્પે સર્વનામ સંજ્ઞા થાય છે. આથી આ वा વિભાષા વડે સર્વનામ સંજ્ઞા થાય ત્યારે द्वितीय શબ્દનું ચતુર્થી એકવચનમાં द्वितीयस्मै રૂપ થાય અને સર્વનામ સંજ્ઞા ના થાય ત્યારે તેનું द्वितीयाय એમ બંને રૂપો થાય છે. પરિણામે અપ્રાપ્ત સર્વનામ સંજ્ઞાનો વિકલ્પે વિધિ થાય છે તેથી તે अप्राप्तविभाषा છે.
(3) प्राप्ताप्राप्तविभाषा કે उभयत्रविभाषा : વિભાષાના આ ત્રીજા પ્રકારમાં ઉપરની બંને વિભાષાઓનું મિશ્રણ છે તે સ્પષ્ટ છે. તેમાં એક શબ્દમાં પ્રાપ્ત નિષેધ વિકલ્પે અને બીજા સ્થળે અપ્રાપ્ત વિધિનો વિકલ્પે થાય છે, તેને પ્રાપ્તાપ્રાપ્તવિભાષા કહે છે; દા.ત., नेम શબ્દ સર્વાદિ ગણમાં હોવાથી તેને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત છે, જ્યારે प्रथम શબ્દ સર્વાદિ ગણમાં ના હોવાથી તેને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત નથી થતી. હવે આ બંને શબ્દોને પ્રથમા બહુવચનનો પ્રત્યય લાગે ત્યારે प्रथमचरमतयाल्पार्धकतिपनेमाश्च એ સૂત્ર વડે प्रथम અને नेम આ બંને શબ્દોને વિકલ્પે સર્વનામ સંજ્ઞા થાય છે. એટલે प्रथममां अप्राप्तविभाषा અને नेम શબ્દમાં प्राप्तविभाषा विभाषा जसि સૂત્રથી થાય છે. આથી સર્વનામ સંજ્ઞા થાય ત્યારે प्रथमનું प्रथमे અને नेम શબ્દનું नेमे તથા સર્વનામ સંજ્ઞા ના થાય ત્યારે प्रथमનું प्रथमा: અને नेम શબ્દનું नेमा: એવાં વૈકલ્પિક રૂપો થાય છે. પરિણામે અહીં એક શબ્દમાં प्राप्तविभाषा અને બીજા શબ્દમાં अप्राप्तविभाषा બંને હોવાથી આ प्राप्ताप्राप्तविभाषा કે अभयत्र विभाषा થઈ છે.
આ રીતે, ઉપર જણાવ્યું છે તેમ विभाषा શબ્દના સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં ‘નિષેધ’ અને ‘વિકલ્પ’ એવા બંને અર્થો न वेति विभाषा એ સૂત્ર વડે પાણિનિએ આપ્યા છે; આમ છતાં, अन्यतरस्याम् એવો શબ્દ વિકલ્પના અર્થમાં આચાર્ય પાણિનિએ પોતે જ ‘अष्टाध्यायी’માં પ્રયોજ્યો છે એ આચાર્ય રુય્યકના કહેવા મુજબ પુનરુક્તિનો દોષ ટાળવા માટેનો છે; જ્યારે પતંજલિના ‘મહાભાષ્ય’ના આધારે નાગેશ ભટ્ટ न वेती विभाषा એ સૂત્ર બિનજરૂરી છે એવો મત પણ રજૂ કરે છે.
પ્ર. ઉ. શાસ્ત્રી