વિપાશા (બિયાસ)

February, 2005

વિપાશા (બિયાસ) : પંજાબમાં આવેલી એક નદી. પંજાબમાં સિંધુ નદીને તટે પૂર્વ તરફ વિતસ્તા (જેલમ), અસિકની (ચિનાબ), પરુષ્ણી (રાવી), વિપાશા (બિયાસ) અને શુતુદ્રી (સતલજ) નદીઓ આવેલી છે.

આ નદી કુલ્લુર પર્વતમાળામાંથી ઉદ્ભવી કાંગડા જિલ્લાના પૂર્વ સીમાવર્તી સંઘોલનગર પાસેના પર્વતીય પ્રદેશમાંથી પસાર થાય છે. અહીંથી મીરથલઘાટ પાસે તે સમતલ ક્ષેત્રમાં વહે છે. કાંગડા જિલ્લાના રેહ ગામ પાસે આ નદી ત્રણ ધારાઓમાં વિભક્ત થઈ આગળ જતાં ફરી એક થઈ જાય છે. હોશિયારપુર જિલ્લામાં શિવાલિક શૈલ પાસે આવીને આ નદી ઉત્તર તરફ વહેવા લાગે છે. ફરી વક્રગતિથી શિવાલિક શૈલ પાસેથી દક્ષિણ તરફ વહી હોશિયારપુર અને ગુરુદાસપુર પાસેથી પસાર થઈ આગળ વધે છે. અહીં સુધી આ નદીના કિનારા રેતાળ છે. મૂળ નદીના પ્રવાહની ગતિની સ્થિરતા ન રહેવાને કારણે વચ્ચે વચ્ચે ઊંડાં કોતરો બની જઈ રેતથી પુરાઈ જાય છે. ગ્રીષ્મ ઋતુમાં આ નદીમાં પાણી કેવળ 1.52 મીટર (5 ફૂટ) જેટલું રહે છે; પરંતુ વરસાદની ઋતુમાં પાણી વધીને 5.2 મીટર (15 ફૂટ) જેટલી ઊંચાઈએ પહોંચે છે.

જાલન્ધર જિલ્લામાં પ્રવેશી આ નદી અમૃતસર અને કપૂરથલા રાજ્યમાંથી વહે છે. વર્ષાઋતુમાં પૂરને લીધે કિનારા ધોવાઈ જવાને લઈને નદીના પ્રવાહની ગતિમાં ઘણું પરિવર્તન આવે છે. લગભગ 364 કિમી. ભૂમિમાં પરિભ્રમણ કર્યા પછી કપૂરથલાની દક્ષિણ સીમા પર આ નદી સતલજ નદીને મળે છે.

ઋગ્વેદ(9/113/2)માં વિપાશા ‘શુતુદ્રી’ નામથી પ્રસિદ્ધ છે. એ સમયે એના વહેણનો પ્રદેશ પણ આ નામથી જ ઓળખાતો. મહાભારતમાં આ નદીના સંબંધમાં જણાવ્યું છે કે, વિશ્વામિત્ર દ્વારા હણાયેલા પુત્રોના શોકમાં વસિષ્ઠે શરીર પર દોરડું બાંધી આત્મહત્યા કરવા નદીમાં ઝંપલાવ્યું, પરંતુ નદીએ એમનાં બંધન મુક્ત કર્યાં. આ સમયે વસિષ્ઠે પાશમુક્ત થતાં આ નદીનું નામ વિપાશા રાખ્યું. માર્કણ્ડેય પુરાણ(અ. 57/18)માં આ નદીનો ઉલ્લેખ છે.

દેવી ભાગવત(7/30/65)માં વિપાશા નદીના કિનારે એક પીઠસ્થાનનો નિર્દેશ છે; જ્યાં મોધાક્ષી દેવી વિરાજમાન હોવાનું જણાવ્યું છે.

રામજીભાઈ ઠા. સાવલિયા