વિદ્રધિ રોગ (Abscess)
February, 2005
વિદ્રધિ રોગ (Abscess) : ત્વચાની નીચે ઊંડે સુધી વ્રણ ઉત્પન્ન કરતો રોગ. વ્રણ, વ્રણશોથ અને વિદ્રધિમાં થોડી સમાનતા હોવા છતાં ત્રણેયમાં તફાવત છે. વ્રણશોથ પ્રાય: ત્વચાની ઉપરની સપાટીની નજીક થાય છે; જ્યારે વિદ્રધિ ત્વચા-માંસની ખૂબ ઊંડે અસ્થિમજ્જા જેવી ધાતુઓ સુધી મૂળ નાંખી થાય છે. વ્રણશોથમાં વ્રણની ઉત્પત્તિ સ્વત: થાય છે; પરંતુ વિદ્રધિમાં વ્રણમાં ચેકો મૂક્યો ન હોવા છતાં અંદર – ઊંડે રહેલી માંસાદિ ધાતુઓનો નાશ થયા કરે છે, અને તેમાંથી આગળ જતાં અસ્થિપાક, મજ્જાપાક તથા નાડીવ્રણ(ભરનીંગળ : ફિસ્ચ્યુલા)માં પરિણમી શકે છે. આધુનિક ભાષામાં વિદ્રધિને ‘ઍબ્સેસ’ કહે છે. ટૂંકમાં, પોતપોતાના દોષે કરી વાતાદિ દોષો કુપિત થઈ ત્વચા, રક્ત, માંસ અને મેદ ધાતુને દૂષિત કરી હાડકાં સુધી જઈ, ધીમે ધીમે મોટાં ઘોર અને ઊંડા મૂળવાળા ગાંઠ જેવા (ગડ) ગોળ અથવા લાંબો પરુ તથા પીડાયુક્ત સ્થાનિક (મર્યાદિત જગ્યામાં) શીઘ્ર સોજો કરે તેને ‘વિદ્રધિ’ કહે છે.
પ્રકારો : વાત, પિત્ત, કફ, ત્રિદોષ અને અભિઘાત(માર-ચોટ)થી થયેલા ક્ષતજ તથા રક્તજ અને અંતર્વિદ્રધિ, એમ 7 પ્રકારની વિદ્રધિ મૂળ કારણ દૃષ્ટિએ થાય છે. સ્થાન દૃદૃષ્ટિએ વિદ્રધિ બાહ્ય અને આભ્યંતર એમ બે પ્રકારની થાય છે. વિદ્રધિના 3 માર્ગો છે : (1) શાખા : રક્તાદિ ધાતુઓ તથા ત્વચામાં થતો બાહ્ય વિદ્રધિનો પ્રકાર. (2) મધ્યમ : મર્મ, અસ્થિ તથા સંધિમાં થતો પ્રકાર. (3) કોષ્ઠ : પેટ – કોઠામાં થતો રોગ. શિર, પેટ, છાતી, સાથળમૂળ અને આંત્રપુચ્છમાં થતો રોગ.
રોગનાં સામાન્ય લક્ષણો : સ્થાનિક લક્ષણો : બળતરા, મથવા જેવી પીડા, બદામી રંગનો સોજો તથા વ્રણમાં તરંગાનુભવ. સાર્વદૈહિક : તાવ, પરસેવો થવો અને લોહીમાં શ્વેતકણો-પરુ પેદા થવું. દોષાનુસાર દરેકનાં વિશિષ્ટ લક્ષણો થાય છે.
અંતર્વિદ્રધિ (અંદરનું ભરનીંગળ, ગાંઠ, ગોળો કે રાફડો) : પ્રાય: અંતર્વિદ્રધિ ગુદા, બસ્તિમુખ, નાભિ, કૂખ, સાથળમૂળ, મૂત્રપિંડ, યકૃત, પ્લીહા, હૃદય તથા ક્લૉમમાં થાય છે. વિદ્રધિ નાભિ ઉપરનાં અંગોમાં થઈ હોય તો તે પાક્યેથી ફૂટ્યા પછી તેનો રક્તપરુનો સ્રાવ ઊર્ધ્વ (મુખ) માર્ગેથી નીકળે છે; જ્યારે નાભિથી નીચેનાં અંગોમાં થયેલ વિદ્રધિમાં સ્રાવ ગુદામાર્ગેથી બહાર નીકળે છે. આફરો, પેશાબની અટકાયત, ઊલટી, હેડકી, તરસ, પીડા તથા શ્વાસકૃચ્છતાથી પીડિત હોય તેવો વિદ્રધિનો દર્દી પ્રાય: અસાધ્ય હોઈ બચતો નથી.
ચિકિત્સા : કાચી વિદ્રધિને પકવવા શેક, પોટીસનો અને પક્વને ચેકો મૂકી ફોડી પરુ-દૂષિત રક્ત બહાર કાઢવું જરૂરી હોય છે. વ્રણ ભાગને જંતુઘ્ન તૂરા રસ-પ્રધાન ઔષધિ-જળથી ધોઈ, શોધનક્રિયા અને પછી રોપણક્રિયા કરવામાં આવે છે. શસ્ત્રક્રિયાથી કે વાગવાથી થયેલા 2 ઇંચથી વધુ લાંબા ઘાને ધોઈને તેલ + મધ અને ઘીનું મિશ્રણ મૂકી, ઘોડાના વાળ કે કેટનટથી ટેભા મારી ત્વચા સીવી લઈ, પાટો બાંધવામાં આવે છે. વિદ્રધિના વ્રણને શુદ્ધ કરવા તલ + હળદર ને લીમડાનાં પાનને વાટીને લગાડવાં અથવા તલતેલમાં લીમડાનાં પાન તથા હળદર કકડાવી બનાવેલ તેલ કે શોધન-તેલ અથવા પંચગુણ-તેલ મૂકી પાટો બાંધવો એ ઇષ્ટ છે. રૂઝ જલદી લાવવા માટે જાત્યાદિ તેલ, યદૃષ્ટિમધુ તેલ કે નિમ્બ તેલ + કરંજ તેલ કે રોપણ-તેલ લગાવવામાં આવે છે. ખાવાનાં ઔષધોમાં વરુણાદિઘૃત, સપ્તાંગ ગૂગળ, ત્રિફળા ગૂગળ, કાંચનાર ગૂગળ, ચંદ્રપ્રભા વટી, મંજિષ્ઠાદિ ક્વાથ, હીમજ વગેરે અપાય છે. રોગની સ્થિતિ તથા પ્રકાર મુજબ બહારથી લગાવવામાં દશાંગ-લેપ, દોષઘ્ન-લેપ, જાત્યાદિ ઘૃત કે તેલ, કરંજાદિ તેલ, નિમ્બ તેલ, સર્જીકાદ્ય તેલ, રાળનો મલમ, વરુણાદિ ક્વાથ, ત્રિફળાઘૃત, પુનર્નવાદિ ક્વાથ આદિ અપાય છે. નાડીવ્રણ, ભગંદર, સાયનસ, કંઠમાળ, ઍપેન્ડિસાઇટિસ જેવાં દર્દો વિદ્રધિ જ હોઈ, તે બધાંમાં આ ચિકિત્સા કરાય છે. આ રોગમાં મરચાં, મસાલા અને ખટાશ-ગળપણ રહિત સાદો સાત્વિક ખોરાક લેવો લાભપ્રદ છે. રોગની ગંભીર સ્થિતિમાં અનુભવી ચિકિત્સકની સલાહ સાથે ચિકિત્સા કરાવવી હિતાવહ છે.
વૈદ્ય બળદેવપ્રસાદ પનારા