આયર, વી. વી. સુબ્રમણ્ય : (2 એપ્રિલ 1881, તિરુચિરાપલ્લી જિલ્લો, તમિળનાડુ; અ. 3 જૂન 1925, ચેન્નાઈ) : તમિળના લેખક તથા દેશભક્ત ક્રાંતિકાર. આખું નામ વરાહનેરી વેંકટેશ સુબ્રમણ્ય આયર. તેમનો જન્મ તિરુચિરાપલ્લીના એક ગામમાં મધ્યમ વર્ગના રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા વેંકટેશ આયર શાળાઓના નિરીક્ષક હતા. પછાત જ્ઞાતિના હિંદુઓના ખ્રિસ્તી ધર્મમાં થતા પરિવર્તનનો તેમણે સંગઠન કરીને સખત વિરોધ કર્યો હતો. વરાહનેરીનાં માતા કામાક્ષી પવિત્ર જીવન જીવતાં હતાં. તેમનું કુટુંબ વેદોના અધ્યયન માટે પ્રસિદ્ધ હતું. વરાહનેરીનાં લગ્ન બાર વર્ષની ઉંમરે થયાં હતાં.
તેમણે બાર વર્ષની વયે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી અને સોળ વર્ષે સ્નાતક થયા. તેમણે કાયદાની ડિગ્રી લીધા પછી તિરુચિરાપલ્લીમાં વકીલાત શરૂ કરી. પચીસ વર્ષની વયે તેઓ રંગૂન વકીલ તરીકેનું ભાગ્ય અજમાવવા ગયા. ત્યાંથી એ જ વર્ષે બૅરિસ્ટર થવા ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં તેમણે લૅટિન ભાષાનો પણ અભ્યાસ કર્યો. તે અગાઉ તમિળ, સંસ્કૃત, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાઓ તેઓ જાણતા હતા.
ઇંગ્લૅન્ડમાં તેઓ પ્રથમ વાર ગાંધીજીને મળ્યા અને ભારતની સ્વતંત્રતા મેળવવા માટેનો એકમાત્ર સંભવિત ક્રાંતિકારી માર્ગ હોવાની જોરદાર રજૂઆત કરી; પરંતુ 1917માં તેઓ બીજી વાર પુદુચેરીમાં ગાંધીજીને મળ્યા ત્યારે તેઓ અંશતઃ અહિંસા પ્રત્યે વળ્યા. પરંતુ ક્રાંતિકારી રીતમાં તેમને સંપૂર્ણ વિશ્વાસ હતો અને યુવાનોને ક્રાંતિકારી પદ્ધતિઓની તાલીમ આપવાનો તેઓ ઉપદેશ આપતા. લંડનમાં તેઓ ‘ફ્રી ઇન્ડિયા’ ક્લબના સભ્ય હતા અને વિનાયક દામોદર સાવરકર સાથે નિકટ સંબંધ ધરાવતા હતા. બૅરિસ્ટર થવા માટે ઇંગ્લૅન્ડના રાજા પ્રત્યે વફાદાર રહેવાના સોગંદ લેવાનો ઇનકાર કરીને ઇંગ્લૅન્ડથી નાસી જઈને તેઓ 1910માં પુદુચેરી આવ્યા. ત્યાં યુવાનોને રિવૉલ્વર વાપરવાની તાલીમ આપવાની શરૂ કરી અને યુવાનોને જણાવ્યું કે રાષ્ટ્રની સ્વતંત્રતા મેળવવાનો માર્ગ રાજકીય હત્યા કરવાનો છે. તેમણે ખાનગી સભાઓ ભરીને પ્રવચનો કર્યા તથા ક્રાંતિકારી જૂથોની રચના કરી. 1910થી 1920 સુધી વરાહનેરી પુદુચેરીમાં રહ્યા. તે પછી ચેન્નાઈ જઈને તેમણે ત્યાં રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓ શરૂ કરી.
ચેન્નાઈમાં કેટલોક સમય ‘દેશભક્તન’ના તંત્રી તરીકે તેમણે કામ કર્યું, પરંતુ 1921માં રાજદ્રોહના આરોપ હેઠળ તેમની ધરપકડ કરીને એક વર્ષ માટે કેદમાં પૂરવામાં આવ્યા. તે પછી ‘બાલભારતી’ નામના તમિળ સાહિત્યના માસિકનું તંત્રીપદ સંભાળ્યું. તિનેવેલી જિલ્લામાં શર્માદેવી મુકામે તમિળ ગુરુકુળ વિદ્યાલય સાથે પણ તેઓ સંકળાયેલા હતા. આ શાળામાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ખેતરો ખેડતા, કાપડ વણતા અને તીરંદાજી શીખતા.
પુદુચેરીમાં ક્રાંતિકારી તરીકેના વસવાટ દરમિયાન તેઓ શ્રી અરવિંદ અને ભારતી દાસન્ સાથે ઘનિષ્ઠ સંબંધ રાખતા. તેઓ ગુપ્ત રીતે ભારતમાં શસ્ત્રો મોકલતા. એક વાર ત્યાંની ફ્રેન્ચ સરકારે તેમને દેશનિકાલ કરી અલ્જીરિયા મોકલ્યા હતા.
તેઓ તમિળના એક સફળ લેખક તથા કમ્બન અને વલ્લુવરના ઉત્કટ અભ્યાસી હતા. તમિળ ભાષાના ઘણા ગ્રંથોના તેમણે અંગ્રેજીમાં અનુવાદો કર્યા હતા. તેમણે ‘લાઇફ ઑવ્ નેપોલિયન’ પુસ્તક લખ્યું હતું. તેમાં લશ્કરી વ્યૂહરચના પણ વિગતવાર સમજાવી હતી. ભારતની તત્કાલીન બ્રિટિશ સરકારે તેની નકલો જપ્ત કરી હતી. તમિળ સંગમ સાહિત્ય સંગ્રહ ‘કુરુન્થોગાઇ’નો તેમણે અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો; પરંતુ આ મહત્વના સાહિત્યકાર્યનો 1942માં થયેલ અશાંતિ દરમિયાન નાશ થયો હતો.
આમ તેઓ તમિળ ભાષાના ચાહક તથા હિંદુ પરંપરાઓના પુરસ્કર્તા હતા. તેઓ ગાંધીજીના અહિંસક સત્યાગ્રહના સંપૂર્ણ હિમાયતી બન્યા નહોતા.
જયકુમાર ર. શુક્લ