કુમારજીવ (જ. 344, કુચી; અ. 413) : પાંચમી સદી સુધી ચીનમાં બૌદ્ધ ધર્મના પ્રવર્તક કુચીના બૌદ્ધ પંડિત અને તત્વવેત્તા. પિતા કુમારાયણ ભારતીય રાજાના અમાત્ય કુળના હતા. પદનો ત્યાગ કરી તે કુચી ગયા. પાંડિત્ય તથા કુશળતાને કારણે કુચીના રાજપુરોહિત બન્યા અને રાજકુમારી જીવાને પરણ્યા. પુત્રજન્મ પછી માતા જીવા બૌદ્ધ ભિક્ષુણી બન્યાં.
કુમારજીવ નવ વરસના હતા, ત્યારે માતા સાથે વધુ અભ્યાસ માટે કાશ્મીર આવ્યા. અહીં ગુરુ બંધુદત્ત પાસે તેમણે બૌદ્ધ સાહિત્ય અને તત્વજ્ઞાનનો અભ્યાસ કરી અનેક વિષયોમાં પ્રાવીણ્ય મેળવ્યું. ત્યારબાદ માતા સાથે મધ્ય એશિયાનાં બૌદ્ધ વિદ્યાધામોનો તેમણે પ્રવાસ ખેડ્યો અને પંડિત તરીકે કીર્તિ પ્રાપ્ત કરી. કુચી આવીને તે સ્થાયી થયા.
383માં કુચી અને ચીન વચ્ચેના વિગ્રહમાં કુચીની હાર થઈ. તે કેદ પકડાયા. કુસાંગના રાજા સાથે કાન્સુમાં તે 15 વરસ રહ્યા. ચીનના શહેનશાહના અનેક વાર આમંત્રણ બાદ તે 401માં ચીનની રાજધાનીમાં આવ્યા અને 401-412 સુધી અહીં રહીને 100 ઉપરાંત સંસ્કૃત ગ્રંથોનો ચીની ભાષામાં અનુવાદ કર્યો. નાગાર્જુનનો અપ્રાપ્ય સંસ્કૃત ગ્રંથ ‘મહાપ્રજ્ઞા પારમિતા’ હાલ તે કારણથી જ ચીની ભાષાંતર રૂપે મળે છે.
તેઓ સંસ્કૃત અને ચીની ભાષામાં પ્રવીણ હતા અને તત્વજ્ઞાનની વિવિધ શાખાઓના પ્રખર અભ્યાસી હતા. આ ઉપરાંત અનુવાદ તથા અર્થઘટન કરવામાં કુશળ હતા. ચીનમાં મહાયાન બૌદ્ધ સંપ્રદાયનો પ્રચાર કરનાર માધ્યમિક બૌદ્ધ શાખાના તે અનુયાયી હતા. તે ચીનમાં ખૂબ આદર પામ્યા હતા. બૌદ્ધ ધર્મના ઇતિહાસમાં ચીનમાં એક નવો યુગ તેમણે પ્રવર્તાવ્યો હતો.
શિવપ્રસાદ રાજગોર