કુ, કાઈ-ચિહ (જ. આશરે ઇ. 344, વુહ્સી, ક્યાંગ્સુ પ્રાંત, ચીન; અ. આશરે ઈ. 405, ચીન) : ચીની વ્યક્તિચિત્રણાની ભવ્ય પરંપરાના પ્રણેતા ચિત્રકારોમાંનો એક.

કુ વિશે એવો લેખિત દસ્તાવેજ મળી આવ્યો છે કે ચીનમાં લોકપ્રિય બનેલ બૌદ્ધ સંત વિમલકીર્તિનું પ્રથમ વ્યક્તિચિત્ર તૈયાર કરનાર એ જ હતો. એના ચિત્ર ‘નિમ્ફ ઑવ્ ધ લો રિવર’માં નિસર્ગ અને માનવઆકૃતિઓનું સંયોજન એની મૌલિકતાનું પરિચાયક ગણાયું છે. મૂળમાં આ ચિત્ર એક તાઓવાદી કવિતા માટેનું પ્રસંગચિત્ર છે. એનો લાંબો ચિત્રવીંટો ‘ઍડમૉનિશન્સ ઑવ્ ધી ઇન્સ્ટ્રક્ટ્રેસ ટૂ ધ કૉર્ટ લેડિઝ’ દરબારી મહિલાઓને વર્તણૂકની સૂચના આપતી એક કૉન્ફ્યૂશિયન કવિતા ઉપર આધારિત છે. એનાં ચિત્રોમાં રેખાઓ નાજુક હોવા ઉપરાંત પૂરા કાબૂ હેઠળ ચીતરાઈ હોય છે. તાન્ગ રાજવંશ-કાળના શ્રેષ્ઠ ચિત્રકારોમાં તેની ગણના થાય છે. તે કવિ પણ હતો.

અમિતાભ મડિયા