કુઓ, સી (Kuo, Hsi) (જ. આશરે 1060, લોયાન્ગ પ્રાંત, ચીન; અ. 1120, ચીન) : સુન્ગ રાજવંશ-કાળનો ઉત્તર ચીનનો સૌથી વધુ ખ્યાતનામ ચિત્રકાર. નિસર્ગચિત્રણા ઉપર તેણે ભાષ્ય પણ લખેલું : ‘લૉફ્ટી રૅકર્ડ ઑવ્ ફૉરેસ્ટ્સ ઍન્ડ સ્ટ્રીમ્સ’. તેમાં સુન્ગ કાળમાં પ્રચલિત ચિત્રણાની શ્રેષ્ઠ પદ્ધતિઓ વિગતવાર સમજાવવામાં આવી છે. કુઓનાં ખૂબ થોડાં ચિત્રો આજે બચ્યાં છે : (1) ‘ઑટમ ઇન એ રિવર વેલી’, (2) ‘અર્લી સ્પ્રિન્ગ ઑવ્ 1072’, (3) ‘ધ કમિન્ગ’.
પર્વતોની ભેખડો, કંદરાઓ, કોતરો, ખીણો – એ બધાંની વચ્ચે વહેતાં ખળખળ ઝરણાં, અને ચોમેર ઊગેલાં જંગલોનું અત્યંત નયનરમ્ય નિરૂપણ કરવામાં કુઓ ઉસ્તાદ ગણાયો છે. વળી વિવિધ ઋતુઓની નિસર્ગ પર થતી અસરોને પણ તે સચોટ રીતે દર્શાવી શક્યો છે.
અમિતાભ મડિયા